Jeet Raval Retired: ગુજરાતના અમદાવાદમાં જન્મેલા અને ન્યૂઝીલેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારા બેટર જીત રાવલે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. 38 વર્ષીય જીતે 2026-27ની સિઝન પહેલાં આ નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડ માટે 24 ટેસ્ટ મેચ રમનાર જીતે પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 10,432 રન બનાવ્યા છે. નિવૃત્તિની જાહેરાત કરતાં તેમણે કહ્યું કે ન્યૂઝીલેન્ડ માટે રમવાનું સપનું માત્ર તેમનું જ નહીં, પરંતુ તેમના પિતાનું પણ હતું.
'મારું જ નહીં, પિતાનું પણ સપનું સાકાર થયું'
જીત રાવલે નોર્ધર્ન ડિસ્ટ્રિક્ટ્સ ક્રિકેટ એસોસિએશનને પોતાના નિર્ણય વિશે જાણ કરી હતી. નિવૃત્તિ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે ન્યૂઝીલેન્ડ માટે રમવું તેમના બાળપણનું સપનું હતું અને આજે તેઓ એ સફરને ગર્વથી યાદ કરે છે. તેમના પિતા પણ તેમને ક્રિકેટર તરીકે સફળ થતા જોવા માગતા હતા. આ સપનું પૂરું કરવા માટે જ જીતનો પરિવાર ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયો હતો. જીતે પોતાની ક્રિકેટ સફરને યાદ કરતાં સંતોષ વ્યક્ત કર્યો હતો.
અમદાવાદમાં જન્મ, ન્યૂઝીલેન્ડમાં ક્રિકેટ કારકિર્દી
જીત રાવલનો જન્મ સપ્ટેમ્બર 1988માં અમદાવાદ, ગુજરાતમાં થયો હતો. બાળપણમાં તેમણે વિદ્યાનગર સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. શાળાના દિવસોમાં તેઓ ભારતીય વિકેટકીપર બેટર પાર્થિવ પટેલ સાથે ઓપનિંગ પણ કરતા હતા. જીતે ગુજરાતની અંડર-15 અને અંડર-17 ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જોકે, 2004માં માત્ર 16 વર્ષની ઉંમરે તેઓ પોતાના પરિવાર સાથે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં સ્થાયી થયા હતા.
ત્રીજી ફર્સ્ટ ક્લાસ મેચમાં ફટકારી હતી 256 રન
જીતે ડિસેમ્બર 2008માં ઓકલેન્ડ તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. શરૂઆતના સમયમાં જ તેમણે પોતાની બેટિંગ પ્રતિભાનો પરિચય આપ્યો હતો. પોતાની ત્રીજી ફર્સ્ટ ક્લાસ મેચમાં તેમણે 256 રનની શાનદાર ઇનિંગ રમી હતી. સતત સારા પ્રદર્શનના આધારે તેઓ ન્યૂઝીલેન્ડની રાષ્ટ્રીય ટીમ સુધી પહોંચ્યા હતા.
પાકિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂ, પહેલી ઇનિંગમાં 55 રન
જીત રાવલને 2016માં ન્યૂઝીલેન્ડની ટેસ્ટ ટીમમાં રમવાની તક મળી હતી. પાકિસ્તાન સામેની પોતાની ડેબ્યૂ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં તેમણે 55 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેમણે ન્યૂઝીલેન્ડ માટે કુલ 24 ટેસ્ટ મેચ રમી હતી. આ દરમિયાન 39 ઇનિંગ્સમાં 30.07ની સરેરાશથી 1,143 રન બનાવ્યા હતા. તેમના નામે એક સદી અને સાત અડધી સદી નોંધાયેલી છે.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 10,432 રનનો રેકોર્ડ
જીત રાવલની ફર્સ્ટ ક્લાસ કારકિર્દી તેમની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક રહી છે. તેમણે 164 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 37.66ની સરેરાશથી કુલ 10,432 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે 24 સદી અને 50 અડધી સદી ફટકારી હતી. લાંબી કારકિર્દી દરમિયાન તેમણે સતત બેટિંગ કરીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી.
2020 પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તક મળી નહીં
જીત રાવલે 2020માં ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ત્યારબાદ તેમને ન્યૂઝીલેન્ડની રાષ્ટ્રીય ટીમમાં રમવાની તક મળી નહોતી. લગભગ છ વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ટીમથી દૂર રહ્યા બાદ હવે તેમણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં જન્મેલા આ ક્રિકેટરની સફર એક એવા ખેલાડીની કહાની છે, જેણે પોતાના પિતાના સપનાને સાકાર કરવા માટે દેશ બદલ્યો અને ન્યૂઝીલેન્ડની ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી.








