RCB vs CSK, IPL 2026: IPL 2026માં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) પોતાનો દબદબો જાળવી રાખતા રવિવારે રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને (CSK) 43 રને પરાજય આપ્યો છે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં RCBના બેટ્સમેનોએ રનનો પહાડ ખડકી દીધો હતો, જેની સામે પાંચ વખતની ચેમ્પિયન CSKની ટીમ લાચાર જોવા મળી હતી. આ જીત સાથે RCB પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે, જ્યારે CSK સતત ત્રીજી હાર સાથે છેક છેલ્લા સ્થાને ધકેલાઈ ગયું છે.
અંતિમ 5 ઓવરમાં RCBનો વંટોળ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી RCBની શરૂઆત આક્રમક રહી હતી. વિરાટ કોહલીએ 18 બોલમાં 28 રન ફટકારી પાયો નાખ્યો હતો. ત્યારબાદ ફિલ સોલ્ટ (46) અને દેવદત્ત પડિક્કલની (50) શાનદાર ઈનિંગ્સના જોરે ટીમે મજબૂત સ્થિતિ મેળવી હતી. જોકે, અસલી ધમાકેદાર રમત અંતિમ ઓવરોમાં જોવા મળી હતી. કેપ્ટન રજત પાટીદાર અને ટિમ ડેવિડે CSKના બોલરોની કચવાટ બોલાવી દીધી હતી. બંનેએ ચોથી વિકેટ માટે માત્ર 35 બોલમાં અણનમ 99 રન જોડ્યા હતા. RCBએ છેલ્લી પાંચ ઓવરમાં રેકોર્ડબ્રેક 97 રન બનાવ્યા, જેના કારણે સ્કોર 3 વિકેટે 250 રન સુધી પહોંચ્યો હતો. ટિમ ડેવિડે માત્ર 25 બોલમાં 8 છગ્ગાની મદદથી આક્રમક 70 રન બનાવ્યા હતા.
19 છગ્ગા સાથે CSKને પછાડ્યું
RCBએ આ મેચમાં કુલ 19 છગ્ગા ફટકાર્યા હતા, જે IPL ઈતિહાસમાં CSK સામે કોઈ પણ ટીમ દ્વારા ફટકારવામાં આવેલા સૌથી વધુ છગ્ગા છે. આ RCBનો ચેન્નઈ સામેનો અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર પણ સાબિત થયો હતો. રજત પાટીદારે પણ પોતાની કેપ્ટન ઈનિંગ રમતા માત્ર 19 બોલમાં 48 રનનું યોગદાન આપ્યું હતું.
CSKનો ધબડકો
251 રનના તોતિંગ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. જેકબ ડફીએ પાવરપ્લેમાં જ રૂતુરાજ ગાયકવાડ (7) અને સંજુ સેમસન (9) જેવી મોટી વિકેટો ઝડપીને CSKની કમર તોડી નાખી હતી. ભુવનેશ્વર કુમારે આયુષ મ્હાત્રેને વહેલો આઉટ કરીને દબાણ વધાર્યું હતું. મધ્યમ ક્રમમાં સરફરાઝ ખાને 25 બોલમાં 50 રન બનાવી થોડો સંઘર્ષ કર્યો હતો, પરંતુ કૃણાલ પંડ્યાએ તેને આઉટ કરીને ચેન્નઈની આશા પર પાણી ફેરવી દીધું હતું. અંતિમ ઓવરોમાં જેમી ઓવરટન (37) અને પ્રશાંત વીર (43) વચ્ચે 57 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ તે માત્ર હારનું અંતર ઘટાડવા માટે પૂરતી હતી. CSKની ટીમ 19.4 ઓવરમાં 207 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સાબિત કરી દીધું છે કે તેઓ આ સીઝનમાં પણ ખિતાબ જીતવા માટે પ્રબળ દાવેદાર છે. બીજી તરફ, સતત હારના કારણે ચેન્નઈ સુપર કિંગ્સ માટે પ્લેઓફની સફર હવે મુશ્કેલ બની રહી છે.
RCBનો સૌથી વધુ ઇનિંગ્સ સ્કોર
263/5 vs પુણે વોરિયર્સ, બેંગલુરુ, 2013
262/7 vs સનરાઇઝર્સ હૈદરાબાદ, બેંગલુરુ, 2024
250/3 vs ચેન્નઈ સુપર કિંગ્સ, બેંગલુરુ, 2026
248/3 vs ગુજરાત લાયન્સ, બેંગલુરુ, 2016
241/7 vs પંજાબ કિંગ્સ, ધર્મશાળા, 2024
RCB માટે પાંચમા કે તેથી નીચેના ક્રમે સૌથી વધુ છગ્ગા
9- યુવરાજ સિંહ vs દિલ્હી કેપિટલ્સ, 2014
8- એબી ડી વિલિયર્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ, 2014
8- ટિમ ડેવિડ vs ચેન્નઈ સુપર કિંગ્સ, 2026








