Ravichandran Ashwin On MI Captaincy: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની રણભેરી વાગે તે પહેલાં પાંચ વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ફરી એકવાર કેપ્ટનશીપના વિવાદને લઈને ચર્ચામાં આવી છે. ભારતીય ટીમના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને મુંબઈ ઈન્ડિયન્સના નેતૃત્વ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, સૂર્યકુમાર યાદવના વર્તમાન ફોર્મ અને ભારતીય ટીમના કેપ્ટન તરીકેના તેમના શાનદાર રેકોર્ડને જોતા મુંબઈની કમાન તેમને સોંપવી જોઈતી હતી.
સૂર્યાની કેપ્ટનશીપનો અભાવ ચિંતાનો વિષય: અશ્વિન
પોતાના યુટ્યુબ શો પર વાત કરતા અશ્વિને મુંબઈ ઈન્ડિયન્સના મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવાનો નિર્ણય ઘણો સરળ અને સ્પષ્ટ હતો. તેમણે નોંધ્યું કે જુલાઈ 2024માં ભારતીય T20 ટીમની કેપ્ટનશીપ સંભાળ્યા પછી સૂર્યાએ હજુ સુધી એક પણ શ્રેણી ગુમાવી નથી. સૌથી મહત્વની વાત એ છે કે તેમના નેતૃત્વમાં ભારતે તાજેતરમાં જ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026નું ટાઇટલ જીત્યું છે. અશ્વિને ભારપૂર્વક કહ્યું કે, "જ્યારે તમારી પાસે વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન ટીમમાં હોય, ત્યારે તેમને કેપ્ટનશીપ ન સોંપવી એ ચિંતાજનક બાબત છે."
હાર્દિક પંડ્યા માટે માનસિક દબાણ વધશે
અશ્વિને સ્વીકાર્યું કે હાર્દિક પંડ્યા એક પ્રતિભાશાળી કેપ્ટન છે અને તેમણે ગુજરાત ટાઇટન્સને સતત બે વર્ષ ફાઇનલમાં પહોંચાડીને પોતાની ક્ષમતા સાબિત કરી છે. જોકે, વર્તમાન પરિસ્થિતિ હાર્દિક માટે 'કાંટાના તાજ' સમાન હોઈ શકે છે. અશ્વિનના મતે, જ્યારે સૂર્યકુમાર ભારતીય ટીમમાં હાર્દિકના કેપ્ટન છે અને આઈપીએલમાં હાર્દિક સૂર્યાના કેપ્ટન બને છે, ત્યારે આ વિરોધાભાસી સ્થિતિ ખેલાડીઓ પર માનસિક દબાણ પેદા કરી શકે છે. ભૂતપૂર્વ ક્રિકેટર ક્રિસ શ્રીકાંતે પણ સૂર્યાને જ કેપ્ટન બનાવવાની હિમાયત કરી છે.
રોહિત શર્મા વિવાદ અને ગત સીઝનનો કડવો અનુભવ
ઉલ્લેખનીય છે કે, મુંબઈ ઈન્ડિયન્સે જ્યારે રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો ત્યારે ચાહકોનો ભારે રોષ જોવા મળ્યો હતો. ગત સીઝનમાં હાર્દિકને મેદાન પર હુટિંગનો સામનો કરવો પડ્યો હતો અને ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે એટલે કે 10મા ક્રમે રહી હતી. અશ્વિને ચેતવણી આપી છે કે આ વખતે પણ હાર્દિકને લોકોની આકરી ટિપ્પણીઓનો સામનો કરવો પડી શકે છે, કારણ કે ચાહકોનો એક મોટો વર્ગ સૂર્યાને સુકાની તરીકે જોવા માંગે છે.
સફળતા માટે ટીમ મેનેજમેન્ટનો સહયોગ જરૂરી
અશ્વિને અંતમાં ઉમેર્યું કે હાર્દિકમાં પ્રતિભાની કોઈ કમી નથી. જો ટીમ મેનેજમેન્ટ તેને સંપૂર્ણ સહયોગ આપે અને તે બાહ્ય દબાણ તેમજ સોશિયલ મીડિયાની ટ્રોલિંગથી દૂર રહી શકે, તો તે મુંબઈને ફરી સફળતા અપાવી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સ 29 માર્ચે વાનખેડે સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે મેચ રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. હવે જોવાનું એ રહેશે કે હાર્દિક પંડ્યા આ દબાણ હેઠળ ટીમનું નેતૃત્વ કેવી રીતે કરે છે અને સૂર્યકુમાર યાદવ સાથે મેદાન પર તેમનું તાલમેલ કેવું રહે છે.








