Ravindra Jadeja: IPL 2026માં રવિન્દ્ર જાડેજા માટે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેનો મુકાબલો ખાસ અને ભાવુક પળોથી ભરેલો રહ્યો. લાંબા સમય સુધી CSK સાથે જોડાયેલા રહેલા જાડેજા જ્યારે આ વખતે રાજસ્થાનની ગુલાબી જર્સીમાં મેદાન પર ઉતર્યા, ત્યારે જૂના સાથી ખેલાડીઓને ફરી મળવું તેમના માટે ખૂબ જ લાગણીસભર અનુભવ હતો.
ટૂર્નામેન્ટ દરમિયાન ફોનનો ઓછો ઉપયોગ કરે છે
મેચ પહેલા ચાહકોને જાડેજા અને ધોની વચ્ચેની ખાસ બોન્ડિંગ જોવા મળશે તેવી અપેક્ષા હતી, પરંતુ એવું ખાસ બન્યું નહીં. જ્યારે જાડેજાને પૂછવામાં આવ્યું કે શું તેમની ધોની સાથે વાત થઈ હતી, ત્યારે તેમણે હળવી મજાકમાં કહ્યું કે, 'વાત નથી થઈ, કારણ કે માહી ભાઈ ફોન બંધ જ રાખે છે.' તેમણે ઉમેર્યું કે જ્યારે પણ તેઓ ધોનીને મળશે, ત્યારે જરૂરથી લાંબી વાતચીત કરશે. ધોની વિશે જાણીતી વાત છે કે તેઓ ટૂર્નામેન્ટ દરમિયાન ફોનનો ઓછો ઉપયોગ કરે છે અને ઘણીવાર તેને બંધ રાખે છે. આ કારણે જાડેજાએ પણ મેચ પહેલા સંપર્ક કરવાનો ખાસ પ્રયાસ કર્યો ન હતો. જાડેજાની IPL સફરની વાત કરીએ તો, તેઓ 2008માં રાજસ્થાન રોયલ્સની પ્રથમ ચેમ્પિયન ટીમનો ભાગ હતા. બાદમાં 2012માં તેઓ CSK સાથે જોડાયા અને લગભગ 12-13 વર્ષ સુધી ટીમના સૌથી વિશ્વસનીય અને મહત્વપૂર્ણ ખેલાડીઓમાં સામેલ રહ્યા. તેમના ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે CSKને અનેક જીતમાં મોટો ફાયદો થયો હતો.
પ્રથમ IPL ટાઈટલની યાદો તેમને પ્રેરણા આપે છે
નવી ટીમમાં જોડાયા બાદ જાડેજાએ મજાકીય અંદાજમાં કહ્યું કે, 'મને ગુલાબી રંગ સારો લાગી રહ્યો છે, પીળો રંગ થોડો જૂનો લાગવા માંડ્યો હતો.' જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે CSK જેવી ટીમ છોડવી સહેલી બાબત નહોતી અને શરૂઆતમાં તે તેમના માટે ભાવુક ક્ષણ હતી. તેમણે આગળ કહ્યું કે હવે તેઓ નવી ટીમ સાથે વધુ શીખવા માંગે છે અને પોતાનો અનુભવ પણ શેર કરવા માંગે છે. રાજસ્થાન સાથેનો તેમનો જૂનો જોડાણ અને પ્રથમ IPL ટાઈટલની યાદો તેમને પ્રેરણા આપે છે. ઉલ્લેખનીય છે કે જાડેજાએ CSK માટે 2018, 2021 અને 2023માં ખિતાબ જીતવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ - ત્રણેય ક્ષેત્રોમાં તેમનું પ્રદર્શન હંમેશા ટીમ માટે કીમતી સાબિત થયું છે.








