RR vs CSK IPL 2026: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) 2026 નો ત્રીજો મુકાબલો સોમવારે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાશે. આ મેચ માત્ર રમતની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ ભાવનાત્મક રીતે પણ અત્યંત ખાસ રહેવાની છે. રાજસ્થાન રોયલ્સનો એક દાયકા સુધી ચહેરો રહેલો સંજુ સેમસન હવે તેની જૂની ટીમ સામે સીએસકે તરફથી રમશે. બીજી તરફ, રવિન્દ્ર જાડેજા પણ તેની જૂની ફ્રેન્ચાઈઝી રાજસ્થાનમાં પરત ફર્યો છે, જે આ મુકાબલાને વધુ રસપ્રદ બનાવે છે.
રાજસ્થાનના રજવાડાથી ચેન્નઈના કિલ્લા સુધી
સંજુ સેમસન એક દાયકાથી વધુ સમય સુધી રાજસ્થાન રોયલ્સનો મુખ્ય સ્તંભ રહ્યો છે. તેની કેપ્ટનશીપ હેઠળ ટીમ 2022 માં ફાઈનલ સુધી પહોંચી હતી. જેમ એમ.એસ. ધોની સીએસકેની ઓળખ છે, તેમ સેમસન રાજસ્થાનનો પર્યાય હતો. પરંતુ 2026 ના મોટા ટ્રેડિંગ અને હરાજી બાદ, કેરળનો આ સ્ટાર બેટ્સમેન હવે ચેન્નઈ સુપર કિંગ્સના નવા કોર ગ્રુપને મજબૂતી આપશે. સેમસન હાલમાં શાનદાર ફોર્મમાં છે; તેણે ભારતને T20 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ અને ન્યુઝીલેન્ડ સામે સતત ત્રણ ફિફ્ટી ફટકારી પોતાની તાકાત બતાવી છે.
ધોનીની ગેરહાજરી અને નવી જવાબદારી
ચેન્નઈ સુપર કિંગ્સ માટે આ મેચ પડકારજનક રહેશે કારણ કે દિગ્ગજ એમ.એસ. ધોની પગની પિંડીમાં ખેંચાણને કારણે ઓછામાં ઓછા બે અઠવાડિયા માટે મેદાનની બહાર છે. ધોની ટીમ સાથે ગુવાહાટી પણ ગયો નથી. ધોનીની ગેરહાજરીમાં કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ અને સંજુ સેમસન પર ટીમનું નેતૃત્વ કરવાની અને ઇનિંગની શરૂઆત કરવાની મોટી જવાબદારી રહેશે. આ સિવાય, 20 વર્ષીય ડાબોડી સ્પિન ઓલરાઉન્ડર પ્રશાંત વીર અને ₹14.2 કરોડમાં ખરીદાયેલા વિસ્ફોટક બેટ્સમેન કાર્તિક શર્મા પર પણ ચાહકોની નજર રહેશે.
નવા યુગની શરૂઆત અને રિયાન પરાગની કેપ્ટનશીપ
રાજસ્થાન રોયલ્સ માટે સેમસનનું વિદાય એક યુગનો અંત છે. હવે ટીમની કમાન આસામના લાડલા રિયાન પરાગના હાથમાં છે, જે પોતાના હોમ ગ્રાઉન્ડ પર કેપ્ટન તરીકે સીઝનની શરૂઆત કરશે. રવિન્દ્ર જાડેજાના પુનરાગમનથી ટીમને અનુભવ તો મળ્યો છે, પરંતુ તેની ફિનિશિંગ ક્ષમતા પર સવાલો ઉઠી રહ્યા છે. રાજસ્થાનની બેટિંગનો મુખ્ય આધાર યશસ્વી જયસ્વાલ અને યુવા પ્રતિભા વૈભવ સૂર્યવંશી પર રહેશે. જોકે, 2025 ની નિરાશાજનક સીઝન બાદ જોફ્રા આર્ચરની આગેવાની હેઠળનું બોલિંગ આક્રમણ કેટલું અસરકારક રહે છે તે જોવું રહ્યું.
બંને ટીમોના સંભવિત પ્લેઈંગ 11
રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, દાસુન શનાકા, જોફ્રા આર્ચર, સંદીપ શર્મા, રવિ બિશ્નોઈ, એડમ મિલ્ને.
(ઈમ્પેક્ટ પ્લેયર: અમન રાવ પેરાલા)
ચેન્નઈ સુપર કિંગ્સ: સંજુ સેમસન (વિકેટકીપર), રૂતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, પ્રશાંત વીર, જેમી ઓવરટોન, અંશુલ કંબોજ, રાહુલ ચહર, નૂર અહેમદ, ખલીલ અહેમદ.
(ઈમ્પેક્ટ પ્લેયર: કાર્તિક શર્મા)








