IPL 2026 BCCI New Rules: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની આગામી સીઝન માટે નવી અને અત્યંત કડક માર્ગદર્શિકા જારી કરી છે. ટુર્નામેન્ટમાં શિસ્ત જાળવવા, પ્રસારણની ગુણવત્તા સુધારવા અને ખેલાડીઓના વ્યવસાયિક વાતાવરણને સુરક્ષિત કરવા માટે આ મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. નવા નિયમો મુજબ, હવે મેચના દિવસે કોઈપણ પ્રકારની પ્રેક્ટિસ કે ફિટનેસ ડ્રીલ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
મેચના દિવસે પ્રેક્ટિસ બંધ
BCCIના સૌથી મોટા ફેરફાર મુજબ, મેચના દિવસે કોઈ પણ ટીમને નેટ પ્રેક્ટિસ કે ફિટનેસ ડ્રીલ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બોર્ડનું માનવું છે કે સતત પ્રેક્ટિસને કારણે મુખ્ય પિચની ગુણવત્તા પ્રભાવિત થાય છે. હવે ટીમોએ મેચના દિવસ પહેલા નિર્ધારિત 'તાલીમ વિન્ડો' માં જ પોતાની તૈયારીઓ પૂર્ણ કરવી પડશે. વાનખેડે જેવા મોટા સ્ટેડિયમોમાં પ્રેક્ટિસ માટે ખાસ વ્યવસ્થા કરાશે, જેમાં રેન્જ હિટિંગ માટે મર્યાદિત નેટ્સ ફાળવવામાં આવશે. ઓપન નેટ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે અને મેચ વહેલી પૂરી થાય તો પણ વિરોધી ટીમની પિચનો ઉપયોગ કરી શકાશે નહીં.
ડ્રેસિંગ રૂમમાં ફેમિલી એન્ટ્રી પર રોક
ખેલાડીઓના પરિવાર અને મિત્રો માટે પણ BCCIએ કડક વલણ અપનાવ્યું છે. હવેથી ડ્રેસિંગ રૂમ અને રમત ક્ષેત્રમાં માત્ર અધિકૃત સ્ટાફને જ પ્રવેશ મળશે. પરિવારના સભ્યો કે મિત્રો પ્રેક્ટિસ દરમિયાન ખેલાડીઓ સાથે મુસાફરી કરી શકશે નહીં, તેઓએ નિર્ધારિત હોસ્પિટાલિટી એરિયામાં બેસીને જ પ્રેક્ટિસ જોવી પડશે. ટીમમાં વ્યાવસાયિક વાતાવરણ જાળવવા અને ખેલાડીઓનું ધ્યાન ન ભટકે તે માટે આ મર્યાદાઓ લાદવામાં આવી છે.
ટીમ બસમાં મુસાફરી ફરજિયાત
સુરક્ષા અને લોજિસ્ટિક્સ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને BCCIએ દરેક ખેલાડી માટે ટીમ બસમાં મુસાફરી કરવી ફરજિયાત બનાવી છે. સ્ટેડિયમમાં આવવા-જવા માટે હવે કોઈ ખેલાડી ખાનગી વાહનનો ઉપયોગ કરી શકશે નહીં. જો ટીમ મોટી હોય તો બે બેચમાં મુસાફરી કરી શકાશે, પરંતુ પરિવારના સભ્યો માટે અલગ વાહનોની વ્યવસ્થા કરવી પડશે.
નિયમો તોડ્યા તો દંડ થશે
મેચ દરમિયાન ખેલાડીઓના વર્તન પર પણ નજર રાખવામાં આવશે. ખેલાડીઓ એલઈડી (LED) બોર્ડ પર બોલ મારી શકશે નહીં કે તેની સામે બેસી શકશે નહીં. આ ઉપરાંત, કેટલીક ખાસ બાબતો પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ઓરેન્જ અને પર્પલ કેપ ધારકોએ મેચની પ્રથમ ઓવર સુધી કેપ પહેરવી ફરજિયાત રહેશે. મેચ પછીની પ્રેઝન્ટેશનમાં સ્લીવલેસ જર્સી કે ફ્લોપી ટોપી પહેરવા પર પ્રતિબંધ રહેશે. જો કોઈ ખેલાડી જર્સી નંબર બદલવા માંગે છે, તો તેણે 24 કલાક પહેલા BCCIને જાણ કરવી પડશે. મેચના દિવસે ડૉક્ટરો સહિત માત્ર 12 સપોર્ટ સ્ટાફ મેમ્બર્સને જ મેદાન પર મંજૂરી મળશે અને દરેક પાસે એક્રેડિટેશન કાર્ડ હોવું અનિવાર્ય છે. બોર્ડ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પ્રથમ વખત નિયમોનું ઉલ્લંઘન કરનારને ચેતવણી આપવામાં આવશે, પરંતુ બીજી વખત ગુનો કરવા બદલ ભારે દંડ વસૂલવામાં આવશે.








