India wins Asian Games 2026: એશિયન ગેમ્સ 2026માં ભારતીય હોકી માટે ફરી એકવાર ગોલ્ડન ક્ષણ સર્જાઈ છે. મહિલા ટીમ બાદ હવે ભારતીય પુરુષ હોકી ટીમે પણ ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો છે. કેપ્ટન હરમનપ્રીત સિંહના નેતૃત્વમાં ભારતે ફાઇનલમાં મલેશિયાને 5-1થી હરાવીને માત્ર એશિયન ગેમ્સનો ખિતાબ જ નથી જીત્યો, પરંતુ 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક માટે સીધી ટિકિટ પણ મેળવી લીધી છે. કાકામિગહારાના ગિફુ પ્રીફેક્ચરલ ગ્રીન સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ભારતે શરૂઆતથી જ આક્રમક હોકીનું પ્રદર્શન કર્યું હતું. કેપ્ટન હરમનપ્રીત સિંહે બે ગોલ કરીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જુગરાજ સિંહ, હાર્દિક સિંહ અને શિલાનંદ લાકરાએ પણ એક-એક ગોલ કરીને ભારતને મોટી જીત અપાવી હતી.
હરમનપ્રીતનો ડ્રેગ-ફ્લિક, ભારતે ખોલ્યું ગોલનું ખાતું
મેચની શરૂઆતથી જ બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. ભારતને શરૂઆતના ક્વાર્ટરમાં પેનલ્ટી કોર્નર મળ્યા અને કેપ્ટન હરમનપ્રીત સિંહે પોતાની ઓળખ સમાન શાનદાર ડ્રેગ-ફ્લિકથી ભારતનું ખાતું ખોલ્યું. જોકે, ભારતની ખુશી લાંબી ચાલી નહીં. મલેશિયાએ થોડા જ સમયમાં વાપસી કરતાં ફિલ્ડ ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કરી દીધો. પ્રથમ ક્વાર્ટરના અંતે બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો.
જુગરાજના ગોલથી ભારતે ફરી મેળવી લીડ
બીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમે મેચ પર પોતાની પકડ મજબૂત કરી હતી. પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવી જુગરાજ સિંહે શાનદાર ગોલ કર્યો અને ભારતને ફરી 2-1ની લીડ અપાવી. મલેશિયાને પણ પેનલ્ટી કોર્નર મળ્યા હતા, પરંતુ ભારતીય ડિફેન્સ અને ગોલકીપિંગ સામે તે ગોલમાં ફેરવી શક્યું નહોતું. હાફટાઇમ સુધી ભારત 2-1થી આગળ રહ્યું.
ત્રીજા ક્વાર્ટરમાં ભારતનો દબદબો યથાવત
ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમે આક્રમણ વધુ તેજ કર્યું. ભારતને સતત પેનલ્ટી કોર્નર મળતા મલેશિયાની રક્ષણાત્મક લાઇન પર દબાણ વધતું ગયું. આ દરમિયાન હાર્દિક સિંહે પેનલ્ટી સ્ટ્રોકને ગોલમાં ફેરવીને ભારતની લીડ 3-1 કરી દીધી. હવે મલેશિયા માટે મેચમાં વાપસી કરવી વધુ મુશ્કેલ બની ગઈ હતી.
ચોથા ક્વાર્ટરમાં ભારતે કરી ગોલની ધમાકેદાર વરસાદ
ચોથા અને નિર્ણાયક ક્વાર્ટરમાં ભારતે મલેશિયાને કોઈ તક આપી નહોતી. શિલાનંદ લાકરાએ વધુ એક ગોલ કરીને ભારતની લીડ 4-1 કરી હતી. ત્યારબાદ ફરી એકવાર કેપ્ટન હરમનપ્રીત સિંહનો જાદુ જોવા મળ્યો. તેમણે બીજો ગોલ કરીને ભારતનો સ્કોર 5-1 કરી દીધો. અંતિમ ક્વાર્ટરમાં ભારતે સતત પેનલ્ટી કોર્નર મેળવીને મલેશિયાના ગોલ પર દબાણ જાળવી રાખ્યું અને અંતે 5-1ની શાનદાર જીત સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.
પાંચમી વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ
આ જીત સાથે ભારતીય પુરુષ હોકી ટીમે એશિયન ગેમ્સમાં પાંચમી વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. અગાઉ ભારતે 1966, 1988, 2014 અને 2022 બાદ હવે 2026માં પણ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. સૌથી ખાસ વાત એ છે કે ભારતે એશિયન ગેમ્સના પુરુષ હોકીમાં પ્રથમ વખત પોતાના ગોલ્ડ મેડલનો સફળતાપૂર્વક બચાવ કર્યો છે. અગાઉ ભારત અનેક વખત ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ સતત બે આવૃત્તિમાં ગોલ્ડ જીતવાની સિદ્ધિ મેળવી શક્યું નહોતું.
ગોલ્ડ સાથે મળી LA28ની સીધી ટિકિટ
આ ફાઇનલ માત્ર ગોલ્ડ મેડલ માટે નહોતી. એશિયન ગેમ્સના પુરુષ હોકીના ચેમ્પિયનને લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક માટે સીધી ક્વોલિફિકેશન મળે છે. એટલે મલેશિયા સામેની જીત સાથે ભારતે એશિયન ગેમ્સનો ખિતાબ તો જાળવી રાખ્યો જ, સાથે LA28 માટે પણ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું. FIHના ક્વોલિફિકેશન નિયમો અનુસાર એશિયન ગેમ્સનો ચેમ્પિયન સીધી ઓલિમ્પિક ક્વોટા જગ્યા મેળવે છે.
મહિલા બાદ પુરુષ ટીમે પણ રચ્યો ગોલ્ડન ડબલ
આ એશિયન ગેમ્સ ભારત માટે વધુ ખાસ બની ગઈ છે, કારણ કે મહિલા હોકી ટીમે પણ ગોલ્ડ મેડલ જીતીને LA28 માટે સીધી ક્વોલિફિકેશન મેળવી હતી. હવે પુરુષ ટીમે પણ ગોલ્ડ જીતીને ભારતને હોકીમાં ગોલ્ડન ડબલ અપાવ્યું છે. ભારતની આ ઐતિહાસિક જીતે એશિયન હોકીમાં ટીમની સતત મજબૂત હાજરીનો વધુ એક પુરાવો આપ્યો છે. હવે નજર લોસ એન્જલસ 2028 પર રહેશે, જ્યાં ભારતીય પુરુષ હોકી ટીમ એશિયન ગેમ્સના આ ગોલ્ડન પ્રદર્શનને ઓલિમ્પિક મંચ પર આગળ વધારવાનો પ્રયાસ કરશે.








