India vs Pakistan U19 Asia Cup Final: ક્રિકેટપ્રેમીઓ માટે આજે મોટો દિવસ છે. ઓમાનમાં રમાઈ રહેલા અન્ડર-19 પુરુષ એશિયા કપની ફાઈનલમાં આજે ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને ટકરાશે. બંને દેશો વચ્ચેનો આ મહામુકાબલો ભારતીય સમય અનુસાર સવારે 10:30 વાગ્યે શરૂ થશે. મેચના ટૉસ માટે બંને ટીમના કેપ્ટન અડધો કલાક પહેલાં એટલે કે સવારે 10 વાગ્યે મેદાન પર ઉતરશે. કરોડો ક્રિકેટપ્રેમીઓની નજર આ ફાઈનલ પર ટકેલી છે, કારણ કે આજે નક્કી થશે કે અન્ડર-19 એશિયા કપની ટ્રોફી કોના નામે થાય છે.
ગ્રૂપ સ્ટેજની હારનો બદલો લેવાની ભારત પાસે તક
આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ બીજી ટક્કર છે. અગાઉ ગ્રૂપ સ્ટેજમાં બંને ટીમો સામસામે આવી હતી, જેમાં પાકિસ્તાને ભારતીય ટીમને હરાવી હતી. હવે ફાઈનલમાં ભારતીય યુવા ટીમ પાસે અગાઉની હારનો હિસાબ ચૂકતે કરવાની તક છે. લક્ષ્ય રાજેશ રાયચંદાનીની આગેવાની હેઠળની ભારતીય ટીમ ટ્રોફી જીતવાના મજબૂત ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારતે સેમિફાઈનલમાં અફઘાનિસ્તાનને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. બીજી તરફ પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવીને ફાઈનલની ટિકિટ મેળવી છે.
બંને ટીમો પાસે પ્રતિભાશાળી ખેલાડીઓની ફોજ
ફાઈનલ મુકાબલા માટે ભારત અને પાકિસ્તાનની અન્ડર-19 ટીમો મજબૂત ખેલાડીઓ સાથે તૈયાર છે.
ભારતની અન્ડર-19 ટીમ: લક્ષ્ય રાજેશ રાયચંદાની (કપ્તાન), આર્યવીર સહેવાગ, વી.કે. વિનીત, યશવર્ધન ચૌહાણ, અર્જુન રાજપૂત, અન્વય દ્રવિડ (વિકેટકીપર), મનાલ ચૌહાણ, મોહિત ઉલ્વા, આર્યન સવસાની, કાવ્યા પટેલ, ઇશાન સૂદ, કુશાગ્ર ઓઝા, રજત બધેલ, શવિન વિનોદ અને યશવીર ગૌડ.
પાકિસ્તાનની અન્ડર-19 ટીમ: ઉસ્માન ખાન, હયામ ખાન, અબ્દુલ કાદિર, ફરહાન યૂસુફ (કપ્તાન), અહમદ હુસૈન, અલી રજા, હમજા જહૂર (વિકેટકીપર), હસનૈન અબ્બાસ ડાર, મોહમ્મદ સય્યામ, રિઝવાનુલ્લાહ, નકાબ શફીક, જહાંગીર બિલાલ, હુઝૈફા અહસન, મોહમ્મદ હુઝૈફા અને અબ્દુલ સુભાન.
કોના નામે થશે એશિયા કપની ટ્રોફી?
આજે રમાનારી ફાઈનલમાં ભારતીય ટીમ પાસે ગ્રૂપ સ્ટેજની હારનો બદલો લેવાની સાથે એશિયા કપનો ખિતાબ જીતવાની તક છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ પણ પોતાની જીતનો સિલસિલો જાળવી રાખીને ટ્રોફી કબજે કરવા પ્રયાસ કરશે. હવે જોવાનું એ રહેશે કે આ હાઈ-વોલ્ટેજ મુકાબલામાં કઈ ટીમ બાજી મારે છે અને અન્ડર-19 એશિયા કપનો તાજ કોના શિરે સજે છે.








