NZ vs PAK: કોલંબોમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી મહત્વની મેચ ભારે વરસાદને કારણે રદ કરવામાં આવી છે. મેચની શરૂઆતમાં ટોસ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, જેમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ત્યારબાદ વરસાદ વધુ તીવ્ર બન્યો હતો અને લાંબા સમય સુધી ચાલુ રહ્યો હતો. અમ્પાયરોએ મેદાનનું નિરીક્ષણ કર્યા બાદ અને વરસાદ બંધ થવાના કોઈ સંકેત ન દેખાતા આખરે મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં એક પણ બોલ ફેંકી શકાયો નહોતો, જેના પરિણામે બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો છે.
સુપર 8ના પોઈન્ટ ટેબલમાં નોંધપાત્ર ફેરફાર
સુપર 8ની આ પહેલી મેચ 21 ફેબ્રુઆરીએ રમાવાની હતી, પરંતુ પ્રતિકૂળ હવામાનને કારણે રમત શક્ય બની ન હતી. આ મેચ રદ થતા સુપર 8ના પોઈન્ટ ટેબલમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. હાલમાં ગ્રુપ 2માં ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન બંને એક-એક પોઈન્ટ મેળવીને ક્રમશઃ પ્રથમ અને બીજા સ્થાને છે. બીજી તરફ ગ્રુપ 1માં ભારત, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે જેવી ટીમોનો સમાવેશ થાય છે, જેમણે હજુ સુધી સુપર 8માં પોતાની કોઈ મેચ રમી નથી. પોઈન્ટની આ વહેંચણીથી પોઈન્ટ ટેબલના સમીકરણો હવે રસપ્રદ બન્યા છે.
આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી
આ મેચ રદ થવાથી પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ બંને માટે સેમિફાઇનલની રાહ થોડી મુશ્કેલ બની શકે છે. સુપર 8 રાઉન્ડમાં બનાવવામાં આવેલા બે ગ્રુપમાંથી માત્ર ટોચની બે ટીમો જ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે, તેથી આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. હવે જો પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની આગામી મેચમાં પણ વરસાદ વિઘ્ન બને તો બંને ટીમો માટે ટુર્નામેન્ટમાં ટકી રહેવું મુશ્કેલ થઈ શકે છે. ક્રિકેટ ચાહકો હવે 22 ફેબ્રુઆરીએ અમદાવાદમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી બીજી સુપર 8 મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.








