Harmanpreet Kaur Resigns Captaincy Indian Womens Cricket Team: ભારતીય મહિલા ક્રિકેટ ટીમને નવી ઊંચાઈઓ પર પહોંચાડનાર સ્ટાર ઓલરાઉન્ડર હરુમનપ્રીત કૌરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક સત્તાવાર પોસ્ટ કરીને તમામ ફોર્મેટમાંથી ભારતીય ટીમની કપ્તાની છોડવાની જાહેરાત કરી છે. તેમના આ નિર્ણય સાથે જ ભારતીય મહિલા ક્રિકેટના એક સુવર્ણ અને યાદગાર યુગનો અંત આવ્યો છે.
"આ આસાન નિર્ણય નહોતો": હરુમનપ્રીત કૌર
કપ્તાની છોડવાની જાહેરાત કરતાં હરુમનપ્રીતે લખ્યું, "આજે હું તમામ ફોર્મેટમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કપ્તાની છોડી રહી છું. આ નિર્ણય લેવો મારા માટે બિલકુલ સરળ નહોતો. આ સફર સાથે વર્ષોની સુંદર યાદો, અગણિત લાગણીઓ, ત્યાગ અને એવા ખાસ ક્ષણો જોડાયેલા છે જે જીવનભર મારી સાથે રહેશે." તેમણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI), સાથી ખેલાડીઓ અને ચાહકોનો સતત સપોર્ટ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
2025 વન-ડે વર્લ્ડ કપ અને એશિયા કપ વિજયનો ઐતિહાસિક રેકોર્ડ
હરુમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ભારતને ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોટો વિજય મળ્યો હતો, જ્યારે ભારતીય મહિલા ટીમે 2025માં પ્રથમ વખત મહિલા ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. વર્લ્ડ કપ જીતનારી તેઓ પ્રથમ ભારતીય મહિલા કેપ્ટન બન્યા હતા. આ ઉપરાંત તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2022 અને 2026ના એશિયા કપના ખિતાબ પણ પોતાના નામે કર્યા હતા.
એશિયન ગેમ્સમાં સતત બે ગોલ્ડ મેડલ જીતીને રચ્યો ઈતિહાસ
હરુમનપ્રીત કૌરની શાનદાર કપ્તાની હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સમાં સતત બે ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. ભારતે 2022માં હાંગઝોઉ એશિયન ગેમ્સમાં શ્રીલંકાને હરાવીને પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ 2026માં નાગોયા ખાતે યોજાયેલી એશિયન ગેમ્સની ફાઇનલમાં પણ શ્રીલંકાને હરાવીને સતત બીજી વાર ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો.
ક્રિકેટ ક્ષેત્રે હરુમનપ્રીત કૌરની વ્યક્તિગત અને ઐતિહાસિક સિદ્ધિઓ
હરુમનપ્રીત કૌર માત્ર કેપ્ટન તરીકે જ નહીં, પરંતુ બેટર તરીકે પણ દેશના સૌથી સફળ ક્રિકેટર રહ્યા છે. 2017ના વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે રમવામાં આવેલી અણનમ 171 રનની ઇનિંગ આજે પણ વિમેન્સ ક્રિકેટના ઇતિહાસની શ્રેષ્ઠ ઇનિંગ્સમાં ગણાય છે. તેઓ 2018માં T-20Iમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બન્યા હતા. 2026માં 200 T-20 ઇન્ટરનેશનલ મેચ રમનારા વિશ્વના પ્રથમ ક્રિકેટર તેમજ સૌથી વધુ 356 આંતરરાષ્ટ્રીય મેચ રમનારા મહિલા ખેલાડી બન્યા હતા. તેઓ 150 T-20Iમાં કપ્તાની કરનાર વિશ્વના પ્રથમ ક્રિકેટર પણ બન્યા હતા. રમતગમતમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે તેમને 2017માં અર્જુન એવોર્ડ અને 2026માં દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન 'પદ્મ શ્રી' થી નવાજવામાં આવ્યા છે.
ભવિષ્યનું નેતૃત્વ અને વિમેન્સ પ્રીમિયર લીગમાં શાનદાર રેકોર્ડ
હરુમનપ્રીતે કપ્તાની છોડ્યા બાદ હવે ભારતીય મહિલા ટીમની નવી કપ્તાન તરીકે સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે, જેઓ છેલ્લા ઘણા સમયથી વાઇસ કેપ્ટન તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. કપ્તાની છોડવા છતાં હરુમનપ્રીત એક ખેલાડી તરીકે ટીમમાં રમવાનું ચાલુ રાખશે. આ ઉપરાંત, વિમેન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે હરુમનપ્રીતે પોતાની ટીમને બે વખત (2023 અને 2025) ચેમ્પિયન બનાવીને પોતાની શ્રેષ્ઠ નેતૃત્વ ક્ષમતા સાબિત કરી છે. ભારત તરફથી 8000થી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનાર હરુમનપ્રીતનો આ દાયકા લાંબો સુવર્ણકાળ ભારતીય મહિલા ક્રિકેટની કાયાપલટ કરનારો સાબિત થયો છે.








