Hardik Pandya Reaction On MI Loss vs PBKS: મુંબઈ ઇન્ડિયન્સની ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે. પંજાબ કિંગ્સ સામેની મેચમાં મુંબઈને મળેલી કારમી હાર બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ મીડિયા સમક્ષ પોતાની નિરાશા વ્યક્ત કરતા સ્પષ્ટ કર્યું છે કે હવે ટીમમાં કેટલાક "કડક નિર્ણયો" લેવાનો સમય આવી ગયો છે. ક્વિન્ટન ડી કોકની શાનદાર સદી (112 રન) છતાં મુંબઈની નબળી બોલિંગ અને મિડલ ઓર્ડરના ધબડકાએ ટીમને હારના ઉંબર પર લાવીને ઉભી કરી દીધી છે.
ડી કોકની સદી એળે ગઈ
મેચની વાત કરીએ તો, મુંબઈ ઇન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 195 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. ક્વિન્ટન ડી કોકે માત્ર 60 બોલમાં અણનમ 112 રન ફટકારીને એકલા હાથે લડત આપી હતી. તેને નમન ધીર (50 રન) નો સાથ મળ્યો, પરંતુ મુંબઈના અન્ય બેટર્સ નિષ્ફળ રહ્યા હતા. 196 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમે મુંબઈના બોલરોની બરાબરની ધોલાઈ કરી હતી. પ્રભસિમરન સિંહે માત્ર 39 બોલમાં અણનમ 80 રન અને કેપ્ટન શ્રેયસ અય્યરે 35 બોલમાં 66 રન ફટકારીને મેચને વન-સાઇડ બનાવી દીધી હતી. પંજાબે માત્ર 16.3 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
હાર્દિક પંડ્યાનો હુંકાર
મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં હાર્દિક પંડ્યા અત્યંત ગંભીર દેખાયો હતો. તેણે કહ્યું, "આપણે હવે ડ્રોઇંગ બોર્ડ પર પાછા જઈને જોવું પડશે કે ભૂલ ક્યાં થઈ રહી છે. શું આપણે જે રીતે ચાલી રહ્યા છીએ તે રીતે ચાલુ રાખવું કે પછી કેટલાક કઠિન નિર્ણયો લેવા? આ એવા પ્રશ્નો છે જેના જવાબ આપણે આપવા પડશે અને જવાબદારી લેવી પડશે. પંજાબે દરેક વિભાગમાં આપણા કરતા શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે."
બુમરાહ, સૂર્યા અને તિલક વર્મા પર લટકતી તલવાર?
હાર્દિક પંડ્યાના આ નિવેદન બાદ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે આગામી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ પોતાના પ્લેઈંગ-11 માં મોટા ફેરફારો કરી શકે છે. ટીમના મુખ્ય સ્તંભ ગણાતા ત્રણ ખેલાડીઓનું ફોર્મ ચિંતાનો વિષય બન્યું છે. દુનિયાનો સર્વશ્રેષ્ઠ બોલર ગણાતો બુમરાહ આ સિઝનમાં સાવ ‘ધાર વગરનો’ દેખાઈ રહ્યો છે. તેણે 5 મેચોમાં 19 ઓવર ફેંકી છે પરંતુ હજુ સુધી એક પણ વિકેટ મળી નથી. પંજાબ સામે પણ તેણે 4 ઓવરમાં 41 રન આપી દીધા હતા. T20 ના નંબર-1 બેટર ગણાતા સૂર્યાએ આ સિઝનની 5 મેચમાં માત્ર 106 રન બનાવ્યા છે. પંજાબ સામે તે 'ગોલ્ડન ડક' (શૂન્ય રન) પર આઉટ થતા ટીમને મોટો ફટકો પડ્યો હતો. ટીમ ઇન્ડિયામાં શાનદાર એન્ટ્રી કરનાર તિલક વર્મા આ IPL માં સંઘર્ષ કરી રહ્યા છે. 5 મેચમાં માત્ર 43 રન એ તેમની ક્ષમતા કરતા ઘણા ઓછા છે. જો આ ત્રણેય ખેલાડીઓ ફોર્મમાં નહીં આવે, તો હાર્દિક પંડ્યા તેમને આગામી એક-બે મેચ માટે બેન્ચ પર બેસાડવાનો કઠોર નિર્ણય લઈ શકે છે.
પ્લેઓફની રેસમાંથી બહાર થવાનું જોખમ
મુંબઈ ઇન્ડિયન્સ અત્યાર સુધી 5 માંથી માત્ર 1 મેચ જીતી શક્યું છે અને 4 હાર સાથે ટેબલમાં નવમા સ્થાને છે. જો મુંબઈ આગામી એક કે બે મેચ હારી જાય છે, તો પ્લેઓફમાં પહોંચવું તેમના માટે લગભગ અશક્ય બની જશે. બીજી તરફ, પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે જીતનો શ્રેય ટીમના આત્મવિશ્વાસને આપ્યો હતો. તેણે પ્રભસિમરન સિંહની પરિપક્વતાના વખાણ કર્યા હતા. હવે જોવાનું એ રહેશે કે શું મુંબઈ ઇન્ડિયન્સના મેનેજમેન્ટ અને હાર્દિક પંડ્યાના કઠિન નિર્ણયો ટીમને જીતના પાટા પર પાછી લાવી શકે છે કે કેમ.








