Gautam Gambhir on Ajit Agarkar: ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર પદેથી અજિત અગરકરના રાજીનામા બાદ ક્રિકેટ જગતમાં તેમને વિદાય આપતા સંદેશાઓનો સિલસિલો શરૂ થયો છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર પણ અગરકરની વિદાય પર ભાવુક બન્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર અગરકર સાથે કામ કરવાના અનુભવોને યાદ કરતાં તેમના કાર્યકાળની પ્રશંસા કરી હતી. ગંભીરના મતે, અગરકરની ‘ટીમ ફર્સ્ટ’ વિચારસરણીને કારણે ભારતે ત્રણ ICC ટ્રોફી જીતી હતી.
‘ઇતિહાસ તમારા પ્રત્યે વધુ દયાળુ રહેશે’
ગૌતમ ગંભીરેએ સોશિયલ મીડિયા પોસ્ટમાં અજિત અગરકરને સંબોધતા લખ્યું હતું કે, “પ્રિય અજિત ભાઈ, તમારી સાથે કામ કરવું મારા માટે અત્યંત સન્માનની વાત રહી છે. તે 3 ICC ટ્રોફીઓ તમારા એ વિશ્વાસની સાક્ષી પૂરે છે, જેમાં ટીમને હંમેશા વ્યક્તિગત સ્વાર્થથી ઉપર અને આગળ રાખવામાં આવી હતી.” ગંભીરે આગળ લખ્યું, “મારે ચોક્કસપણે કહેવું પડશે કે ઇતિહાસ તમારા પ્રત્યે વધુ દયાળુ રહેશે. દરેક વસ્તુ માટે તમારો આભાર અને ભવિષ્યની સફર માટે મારી દિલથી શુભેચ્છાઓ.”
અગરકરના નિર્ણયોને ભવિષ્યમાં અલગ નજરે જોવામાં આવશે?
અજિત અગરકરના કાર્યકાળ દરમિયાન ખેલાડીઓની પસંદગી અને કેટલાક સીનિયર ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવાના નિર્ણયોને લઈને અનેક વખત ચર્ચા અને સવાલો ઊભા થયા હતા. જોકે, ગંભીરના સંદેશમાં અગરકરની આ જ નિર્ણયશક્તિની પ્રશંસા જોવા મળી છે. ગંભીરનો ઈશારો એવો હતો કે સમય પસાર થયા બાદ અગરકરના નિર્ણયોને માત્ર તે સમયની લોકપ્રિયતા કે ટીકાના આધારે નહીં, પરંતુ ટીમના પરિણામોના આધારે પણ જોવામાં આવશે. પરિણામો સામે આવ્યા બાદ તેમના કેટલાક આકરા નિર્ણયોનું મહત્વ વધુ સ્પષ્ટ થઈ શકે છે.
‘લોકપ્રિય નહીં, ટીમ માટે યોગ્ય નિર્ણય’
ગૌતમ ગંભીરના સંદેશનો સૌથી મહત્વનો ભાગ એ હતો કે અગરકરનો ઉદ્દેશ ચાહકોમાં લોકપ્રિય બનવાના નિર્ણયો લેવાનો નહોતો. તેમનું ધ્યાન ભારતીય ક્રિકેટ ટીમના હિતમાં યોગ્ય નિર્ણય લેવા પર હતું. અગરકર અને ગંભીરની જોડીએ ભારતીય ક્રિકેટમાં અનેક મહત્વના નિર્ણયો લીધા હતા. હવે અગરકરની વિદાય સાથે આ સફળ જોડાનો એક મહત્વપૂર્ણ અધ્યાય પૂર્ણ થયો છે. ગંભીરના ભાવુક સંદેશે પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ અગરકરના કાર્યકાળ અને ટીમ માટે લીધેલા નિર્ણયોનું ખૂબ સન્માન કરે છે.








