Gautam Gambhir AI deepfake case: ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ અને પૂર્વ વર્લ્ડ કપ વિજેતા ગૌતમ ગંભીરે પોતાની ઓળખના કથિત દુરૂપયોગ મુદ્દે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેમણે કોર્ટની કોમર્શિયલ ડિવિઝનમાં સિવિલ કેસ દાખલ કરી AI ડીપફેક, નકલી વીડિયો અને અનઓથોરાઇઝ્ડ મર્ચેન્ડાઇઝ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
નકલી રાજીનામાનો વીડિયો થયો વાયરલ
ગંભીરની લીગલ ટીમના જણાવ્યા મુજબ, 2025ના અંતથી સોશિયલ મીડિયા પર નકલી કન્ટેન્ટ ઝડપથી વધ્યું છે. ઇન્સ્ટાગ્રામ, X, યુટ્યુબ અને ફેસબુક પર અનેક એકાઉન્ટ્સે AI ટેક્નોલોજી, ફેસ-સ્વેપ અને વૉઇસ ક્લોનિંગ દ્વારા એવા વીડિયો બનાવ્યા, જેમાં ગંભીરને એવા નિવેદનો આપતા બતાવવામાં આવ્યા જે તેમણે ક્યારેય આપ્યા જ નથી. એક નકલી રાજીનામાનો વીડિયો 29 લાખથી વધુ વ્યૂઝ મેળવી ચૂક્યો છે, જ્યારે એક અન્ય ક્લિપ, જેમાં તેમને સિનિયર ખેલાડીઓ પર ટિપ્પણી કરતાં બતાવવામાં આવ્યા હતા, તે 17 લાખ વ્યૂઝ સુધી પહોંચી ગયો છે. માત્ર સોશિયલ મીડિયા જ નહીં, પણ ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર પણ ગંભીરના નામ અને તસવીરનો ઉપયોગ કરીને અનઓથોરાઇઝ્ડ પોસ્ટર અને પ્રોડક્ટ્સ વેચવામાં આવી રહ્યા હતા.
ગંભીરે કોના પર કેસ કર્યો?
આ મામલામાં કુલ 16 પ્રતિવાદીઓને સામેલ કરવામાં આવ્યા છે, જેમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જૈનકી ફ્રેમ્સ, ભુપેન્દ્ર પેન્ટોલા, લેજેન્ડ્સ રેવોલ્યુશન વગેરેનો સમાવેશ થાય છે. તે સિવાય ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સમાં Amazon અને Flipkartના નામ છે. જ્યારે ટેક કંપનીઓમાં મેટા પ્લેટફોર્મ્સ, એક્સ, ગૂગલ, યુટ્યુબ અને અન્યનો સમાવેશ થાય છે. સાથે જ IT મંત્રાલય અને ટેલિકોમ્યુનિકેશન વિભાગને પણ સામેલ કરવામાં આવ્યા છે.
ગંભીરે કયા કાયદાઓનો સહારો લીધો?
તેમણે આ કેસમાં કોપીરાઈટ એક્ટ,Act 1957, ટ્રેડમાર્ક્સ એક્ટ, 1999 અને કોમર્શિયલ કોર્ટ એક્ટ 2015નો ઉલ્લેખ કર્યો છે. સાથે જ દિલ્હી હાઈકોર્ટના અગાઉના ચુકાદાઓ જેમ કે અમિતાભ બચ્ચન અને અનિલ કપૂરના કેસનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં પર્સનાલિટી રાઈટ્સને કાનૂની સુરક્ષા આપવામાં આવી હતી.
ગંભીરે કેટલું વળતર માંગ્યું?
તેમણે કોર્ટ પાસે રૂ. 2.5 કરોડનું વળતર, તમામ નકલી કન્ટેન્ટ દૂર કરવા અને ભવિષ્યમાં તેમના નામ, ચહેરા અને અવાજના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તેમણે આ મામલે શક્ય તેટલી વહેલી કોર્ટ ઓર્ડરની પણ માંગ કરી છે, જેથી તરત જ નકલી કન્ટેન્ટ દૂર કરી શકાય અને તેનો પ્રસાર અટકાવી શકાય. તેમણે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
"મારી ઓળખને હથિયાર બનાવવામાં આવી": ગંભીર
ગંભીરે સ્પષ્ટ કહ્યું કે, મારી ઓળખ, મારું નામ, ચહેરો અને અવાજનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ માત્ર વ્યક્તિગત મુદ્દો નથી, પરંતુ કાયદા અને ગૌરવનો પ્રશ્ન છે.








