Bradman's baggy green cap sold: ક્રિકેટના ઈતિહાસમાં જેનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે તેવા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સર ડોન બ્રેડમેનની (બેગી ગ્રીન) કેપની હરાજી થઈ છે. ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી હરાજીમાં એક અજ્ઞાત ખરીદદારે આ કેપને 2.92 કરોડ રૂપિયામાં ખરીદી છે. આ માત્ર એક કેપ નથી પરંતુ ક્રિકેટના ઈતિહાસનો એક અમૂલ્ય દસ્તાવેજ છે, કારણ કે બ્રેડમેને આ કેપ વર્ષ 1947-48માં આઝાદ ભારત સામે રમાયેલી સૌપ્રથમ ટેસ્ટ સિરીઝ દરમિયાન પહેરી હતી.
બ્રેડમેને શ્રીરંગા સોહનીને કેપ અર્પણ કરી હતી
આ કેપ પાછળની વાર્તા અત્યંત ભાવુક અને રસપ્રદ છે. 1947-48ની એ ઐતિહાસિક સિરીઝ બ્રેડમેનની પોતાના ઘરઆંગણે રમાયેલી અંતિમ ટેસ્ટ સિરીઝ હતી. સિરીઝ પૂરી થયા બાદ બ્રેડમેને ખેલદિલી બતાવતા પોતાની આ ફેવરિટ કેપ ભારતીય ટીમના ઓપનિંગ બોલર શ્રીરંગા સોહનીને ભેટમાં આપી દીધી હતી. એક મહાન ખેલાડીએ બીજા ઉભરતા ખેલાડીને આપેલી આ ભેટ સોહની પરિવાર માટે કોઈ મેડલથી કમી નહોતી.
75 વર્ષ સુધી તિજોરીમાં કેદ રહ્યો ખજાનો
લોયડ્સ ઓક્શન્સના સીઓઓ લી હેમ્સે આ હરાજી દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ કેપ છેલ્લા 75 વર્ષથી સોહની પરિવાર પાસે સુરક્ષિત હતી અને ક્યારેય સાર્વજનિક કરવામાં આવી નહોતી. સોહની પરિવારમાં આ કેપને લઈને એક કડક પરંપરા હતી. પરિવારનો કોઈ સભ્ય જ્યારે 16 વર્ષનો થાય, ત્યારે જ તેને જીવનમાં એકવાર માત્ર 5 મિનિટ માટે આ કેપ જોવાની પરવાનગી આપવામાં આવતી હતી.
કેપની અંદર બે દિગ્ગજોના હસ્તાક્ષર
આ કેપની અસલિયત તેના પર થયેલા લખાણથી સાબિત થાય છે. કેપની અંદરના ભાગમાં 'D.G. Bradman' અને 'S.W. Sohoni' એમ બંને દિગ્ગજોના નામ લખેલા છે. કેપની ઉપર ઓસ્ટ્રેલિયન પ્રતીકની નીચે ખાસ રીતે '1947-48' લખવામાં આવ્યું છે. નિષ્ણાતોના મતે, બ્રેડમેનની આવી માત્ર 11 કેપ્સ જ અત્યારે અસ્તિત્વમાં હોવાની જાણકારી છે, કારણ કે એ જમાનામાં ખેલાડીઓ દરેક નવી સિરીઝ માટે અલગ કેપ પહેરતા હતા.
મ્યુઝિયમ નહીં પણ વ્યક્તિગત કલેક્ટરોમાં કેપ માટે લાગી હોડ
હરાજીમાં આ કેપ માટે વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ અને કલેક્ટરોમાં ભારે હોડ જામી હતી. લી હેમ્સે આ કેપને 'ક્રિકેટ જગતનો સૌથી અમૂલ્ય ખજાનો' ગણાવ્યો હતો. જે રીતે બ્રેડમેનની બેટિંગ સરેરાશ 99.94 નો રેકોર્ડ અતૂટ છે, તેવી જ રીતે તેમની વસ્તુઓની કિંમત પણ આસમાને પહોંચી રહી છે. આ કેપની હરાજીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે સર ડોન બ્રેડમેનનું નામ ક્રિકેટમાં આજે પણ કેટલું પ્રભાવશાળી છે.
શું આ કેપ હવે કોઈ મ્યુઝિયમની શોભા વધારશે?
શ્રીરંગા સોહનીના પરિવારે આટલા વર્ષો સુધી આ અમૂલ્ય યાદગીરીને જે રીતે જાળવી રાખી તે બદલ ક્રિકેટ જગત તેમનો આભાર માની રહ્યું છે. કરોડોની કિંમતે વેચાયેલી આ કેપ હવે કોઈ ખાનગી સંગ્રહાલયમાં જશે કે કોઈ દેશના રાષ્ટ્રીય મ્યુઝિયમમાં, તે જોવું રહ્યું. પરંતુ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ક્રિકેટ સંબંધોની આ પ્રથમ કડી હવે હંમેશા માટે એક ઐતિહાસિક કિંમતી વસ્તુ તરીકે ઓળખાશે.








