Finn Allen fastest century: IPL 2026નો 51મો મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો વચ્ચે રમાયો હતો. આ મુકાબલામાં KKRની ટીમે 8 વિકેટથી ખૂબ જ આસાનીથી જીત મેળવી છે.
દિલ્હી કેપિટલ્સ 20 ઓવરમાં માત્ર 142 રન જ બનાવી શકી
IPL 2026ના 51માં મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સને ખૂબ સરળતાથી હરાવી દીધી છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલા આ મેચમાં KKRએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને તેનો અદ્ભુત લાભ લીધો હતો. દિલ્હી કેપિટલ્સ 20 ઓવરમાં માત્ર 142 રન જ બનાવી શકી, જેને કોલકાતાએ આરામથી હાંસલ કરી લીધું. ફિન એલનના તોફાની શતકના જોરે KKRએ ટાર્ગેટ માત્ર 14.2 ઓવરમાં મેળવી લીધો.
KKRની દમદાર બોલિંગ
આ મુકાબલામાં દિલ્હીની બેટિંગ ખૂબ ખરાબ રહી. દિલ્હીએ આ ઇનિંગમાં કુલ 51 ડોટ બોલ રમ્યા, જેના કારણે તે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર માત્ર 142 રન સુધી જ પહોંચી શકી હતી. આ દરમિયાન પથુમ નિસાન્કાએ 30 બોલમાં 50 રન બનાવ્યા. કે.એલ. રાહુલે 14 બોલમાં 23 રનનું યોગદાન આપ્યું. જ્યારે આશુતોષ શર્માએ 28 બોલમાં 39 રનની ઇનિંગ રમી. જોકે, બાકીની બેટિંગ લાઇનઅપ કોઈ નોંધપાત્ર અસર કરવામાં નિષ્ફળ રહી. કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી અનુકૂલ રાય અને કાર્તિક ત્યાગી સૌથી સફળ બોલર રહ્યા. બંને બોલરોએ 2-2 વિકેટ લીધી. જ્યારે વૈભવ અરોરા, સુનીલ નારેન અને કેમેરન ગ્રીનને પણ 1-1 સફળતા મળી. વરુણ ચક્રવર્તીને ભલે વિકેટ ન મળી, પરંતુ તેમણે પણ 4 ઓવરમાં માત્ર 28 રન જ આપ્યા.
ફિન એલનની તોફાની સદી
KKRના રન ચેઝ દરમિયાન ન્યૂઝીલેન્ડના વિસ્ફોટક ઓપનર ફિન એલને IPL કારકિર્દીની પહેલી સદી ફટકારી . તેમણે માત્ર 47 બોલમાં 100 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 10 છગ્ગા સામેલ રહ્યા. તેમનો સ્ટ્રાઇક રેટ 212.76 રહ્યો. આ સાથે તેમણે KKR માટે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. એલને દિલ્હીના બોલરોને તોડી પાડ્યા અને મેચને એકતરફી બનાવી દીધી, જેના કારણે KKRએ માત્ર 14.2 ઓવરમાં જીત મેળવી લીધી. આ ઉપરાંત કેમેરન ગ્રીન પણ 27 બોલમાં 33 રન બનાવીને અણનમ રહ્યા. જ્યારે દિલ્હીની તરફથી માત્ર અક્ષર પટેલે જ 1 વિકેટ લીધી, બાકીના બોલરો સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યા.








