Falahari Baba Apology: ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને વૃંદાવન સ્થિત પૂજ્ય સંત પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં લાવવા માટે ₹5 કરોડ લીધા હોવાનો વિવાદસ્પદ દાવો કરનારા ફલાહારી બાબા (દિનેશ શર્મા) હવે સંપૂર્ણપણે બેકફૂટ પર આવી ગયા છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસના અધ્યક્ષ ફલાહારી બાબાએ પોતાના આપેલા નિવેદન પર યુ-ટર્ન લેતાં સંત પ્રેમાનંદ મહારાજ અને તેમના લાખો ભક્તોની હાથ જોડીને માફી માગી છે. તેમણે ચોખવટ કરતાં જણાવ્યું હતું કે, તેમના શબ્દો અને નિવેદનને મીડિયા તથા સોશિયલ મીડિયા પર ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા. પૂજ્ય પ્રેમાનંદ મહારાજ સમગ્ર હિન્દુ સમાજ અને સનાતન ધર્મનું ગૌરવ છે અને તેમના ચરણોમાં તેઓ નમ્રતાપૂર્વક ક્ષમા યાચના કરે છે.
સંતોની મહાબેઠક અને સામાજિક બહિષ્કારના નિર્ણયથી ઝૂક્યા બાબા
ફલાહારી બાબાએ અગાઉ એવો ગંભીર આરોપ લગાવ્યો હતો કે રાજસ્થાનની એક ખાનગી કંપનીએ વિરાટ કોહલીને સંત પ્રેમાનંદ મહારાજના આશ્રમ સુધી પહોંચાડવા માટે ₹5 કરોડનો ખર્ચ કર્યો હતો. આ વિવાદસ્પદ દાવા બાદ મથુરા-વૃંદાવનના સંત સમાજમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો હતો. પરિણામે સિદ્ધ પીઠ હનુમાન ટેકરી પર સંતોની એક ઈમરજન્સી મહાબેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં મથુરા-વૃંદાવનના તમામ ધાર્મિક અને સામાજિક મંચો પરથી ફલાહારી બાબાનો પૂર્ણપણે બહિષ્કાર કરવાનો તથા ભવિષ્યમાં તેમને કોઈપણ સભામાં સ્થાન ન આપવાનો કડક નિર્ણય લેવામાં આવ્યો હતો. સંત સમાજના આ બહિષ્કારના આકરા વલણને પગલે ફલાહારી બાબાને આખરે ઝૂકવાની ફરજ પડી હતી.
'મને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે': ફલાહારી બાબાની સફાઈ
પોતાના માફીનામાની સાથે ફલાહારી બાબાએ પોતાની સ્પષ્ટતા આપતા ઉમેર્યું હતું કે, તેમણે ક્યારેય પણ પૂજ્ય પ્રેમાનંદ મહારાજ વિરુદ્ધ કોઈ અપશબ્દો કે ખોટી ટિપ્પણી કરી નથી. જો તેમના નિવેદનથી મહારાજજી, તેમના આશ્રમના અનુયાયીઓ કે કોઈપણ સનાતની ધર્મપ્રેમીની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો તેઓ દિલથી માફી ચાહે છે. આ સાથે જ તેમણે એક ચોંકાવનારો દાવો કરતા જણાવ્યું હતું કે, આ વિવાદ સામે આવ્યા બાદથી જ તેમને સતત અજાણ્યા નંબર પરથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, જેના કારણે તેઓ માનસિક દબાણમાં છે.
14 દિવસ બાદ રાધા કેલિ કુંજ આશ્રમ પરત ફર્યા પ્રેમાનંદ મહારાજ
બીજી તરફ, આ તમામ વિવાદો અને આશ્રમમાં ઘટેલી દુઃખદ ઘટનાઓ વચ્ચે સંત પ્રેમાનંદ મહારાજ 14 દિવસના વિરામ બાદ ગુરુવારે પોતાના મુખ્ય રાધા કેલિ કુંજ આશ્રમ ખાતે પરત ફર્યા હતા. મહારાજજીના આગમનના સમાચાર વાયરલ થતાં જ તેમના દર્શન કરવા માટે હજારો શ્રદ્ધાળુઓ અને ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. ભીડને નિયંત્રિત કરવા માટે આશ્રમના સેવાદારો અને સ્થાનિક સુરક્ષાકર્મીઓને ભારે મહેનત કરવી પડી હતી. મહારાજજીએ આશ્રમમાં વિધિવત પૂજા-અર્ચના કરી, ગુરુદેવના આશીર્વાદ લીધા અને ત્યારબાદ તેઓ પુનઃ યમુના વિહાર કુંજ આશ્રમ તરફ રવાના થઈ ગયા હતા.
શિષ્ય રસિક દુલારીના રહસ્યમય મોત અંગે તપાસ ચાલુ
નોંધનીય છે કે, પ્રેમાનંદ મહારાજનો આશ્રમ તાજેતરમાં તેમના એક શિષ્ય રસિક દુલારી (દીપક) ના રહસ્યમય સંજોગોમાં થયેલા મોતને કારણે ચર્ચામાં આવ્યો હતો. શિષ્યે આશ્રમની બહુમાળી ઈમારત પરથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તપાસ દરમિયાન રૂમમાંથી કટર અને કપાયેલો પ્રાઈવેટ પાર્ટ મળી આવતા આ કેસમાં ભારે સનસનાટી મચી ગઈ હતી. જોકે, સીસીટીવી (CCTV) ફૂટેજમાં શિષ્ય પોતે જ ધાબા પરથી કૂદતો દેખાઈ રહ્યો છે, પરંતુ આત્મહત્યા જેવા ખૌફનાક પગલાં પહેલાં તેણે આવું કેમ કર્યું તેનું રહસ્ય હજુ પણ અકબંધ છે અને પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.








