Pakistan cricketers phone seized: પાકિસ્તાન ક્રિકેટમાં ચાલી રહેલી ઉથલપાથલ હવે ડ્રેસિંગ રૂમ અને ક્રિકેટ બોર્ડની બહાર તપાસ એજન્સી સુધી પહોંચી છે. ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટીમમાંથી પરત મોકલાયેલા અનુભવી વિકેટકીપર-બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને ઓપનર ઇમામ-ઉલ-હકને પાકિસ્તાનની નેશનલ સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NCCIA) દ્વારા પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. બંને સિવાય અન્ય એક અજાણ્યા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરને પણ નોટિસ આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
PCBએ ટીમમાં મોટો ફેરફાર કરતાં સાત ખેલાડીઓને ઘરે પરત
લોર્ડ્સ ટેસ્ટમાં પાકિસ્તાનની હાર બાદ PCBએ ટીમમાં મોટો ફેરફાર કરતાં સાત ખેલાડીઓને ઘરે પરત મોકલ્યા હતા. આ કાર્યવાહી પાછળ ખરાબ ફોર્મ અને અનુશાસનહીનતાને કારણ ગણાવવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ ઇંગ્લેન્ડમાં રિઝવાન અને ઇમામના મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા અને બાદમાં તપાસ અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા. ફોનમાંથી મળેલી કથિત શંકાસ્પદ સામગ્રી અને માહિતીના આધારે NCCIA દ્વારા હવે તપાસ આગળ વધારવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.
લોર્ડ્સ ટેસ્ટ બાદ શરૂ થયેલી સમગ્ર કાર્યવાહી
આ તપાસમાં એક રસપ્રદ પાસું એ પણ છે કે NCCIA ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે અને તેનું નેતૃત્વ મોહસીન નકવી કરે છે, જેઓ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પણ છે. લોર્ડ્સ ટેસ્ટ બાદ શરૂ થયેલી સમગ્ર કાર્યવાહી અંગે PCB તરફથી હજુ સુધી સત્તાવાર રીતે વિગતવાર નિવેદન સામે આવ્યું નથી. બીજી તરફ, રિઝવાન અને ઇમામે પણ સમન્સ અંગે કોઈ જાહેર નિવેદન આપ્યું નથી. બંને પાકિસ્તાન પરત ફરી ચૂક્યા છે અને આગામી દિવસોમાં NCCIA તથા PCBની તપાસ સમિતિ સમક્ષ પૂછપરછનો સામનો કરવો પડી શકે છે.
પાકિસ્તાનની ફર્સ્ટ-ક્લાસ સ્પર્ધા પ્રેસિડેન્ટ્સ ટ્રોફી ગ્રેડ-1માં રમશે
વિવાદ વચ્ચે બંને ખેલાડીઓ હવે સ્થાનિક રેડ-બોલ ક્રિકેટમાં વાપસી કરવાની તૈયારીમાં છે. રિઝવાન અને ઇમામ 12 સપ્ટેમ્બરથી 28 ઓક્ટોબર સુધી યોજાનારી પાકિસ્તાનની ફર્સ્ટ-ક્લાસ સ્પર્ધા પ્રેસિડેન્ટ્સ ટ્રોફી ગ્રેડ-1માં રમશે. ઇમામ-ઉલ-હક OGDCLની ટીમની કેપ્ટનશિપ કરશે, જ્યારે મોહમ્મદ રિઝવાન SNGPLના વાઇસ કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરશે. જોકે, NCCIAની તપાસને કારણે બંને ખેલાડીઓ પર રહેલું દબાણ આગામી દિવસોમાં વધુ વધી શકે છે.








