Duleep Trophy 2026: દુલીપ ટ્રોફી 2026ની પ્રથમ સેમિફાઇનલમાં પૂર્વ ઝોનના ઝડપી બોલરોએ સેન્ટ્રલ ઝોનના બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. મોહમ્મદ શમી અને મુકેશ કુમારની ઘાતક બોલિંગ જોડીએ સમગ્ર મેચમાં મળીને 12 વિકેટ ઝડપી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.
મુકેશ-શમીની જોડીએ મચાવી તબાહી
પ્રથમ ઇનિંગમાં સેન્ટ્રલ ઝોનની ટીમ 266 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પૂર્વ ઝોન તરફથી મોહમ્મદ શમીએ બે જ્યારે મુકેશ કુમારે ત્રણ વિકેટ ઝડપી હતી. બીજી ઇનિંગમાં પણ પૂર્વ ઝોનના બોલરોએ પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. સેન્ટ્રલ ઝોનની ટીમ માત્ર 158 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મુકેશ કુમારે 12 ઓવરમાં 44 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે મોહમ્મદ શમીએ ત્રણ બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા હતા. અભિજીત સરકાર, અનુકૂલ રોય અને કુનૈન કુરેશીએ પણ એક-એક વિકેટ ઝડપી હતી.
વિકેટ લીધા બાદ મુકેશે શમીના પગ સ્પર્શ્યા
સેમિફાઇનલ દરમિયાન એક ખાસ ક્ષણ પણ જોવા મળી હતી. સેન્ટ્રલ ઝોનના કેપ્ટન રજત પાટીદાર બંને ઇનિંગમાં મુકેશ કુમારના ઇન-સ્વિંગ બોલ પર બોલ્ડ થયા હતા. પહેલી ઇનિંગમાં પાટીદારે 12 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઇનિંગમાં તેઓ માત્ર 5 રન બનાવી શક્યા હતા. બીજી ઇનિંગમાં પાટીદારની વિકેટ લીધા બાદ મુકેશ કુમારે તરત જ પોતાના સિનિયર સાથી મોહમ્મદ શમીના પગ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા હતા. આ ઘટનાનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
158 રનમાં સેન્ટ્રલ ઝોનનો દાવ સમેટાયો
બીજી ઇનિંગમાં સેન્ટ્રલ ઝોનની શરૂઆત જ ખરાબ રહી હતી. ટીમે 37 રન સુધીમાં મહત્વપૂર્ણ વિકેટો ગુમાવી દીધી હતી અને 95 રનના સ્કોર સુધી પહોંચતા તેની સાત વિકેટ પડી ગઈ હતી. અમન મોખાડેએ ટીમ તરફથી સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. ત્યારબાદ હર્ષ દુબેના 24 અને અરશદ ખાનના 25 રનની મદદથી ટીમનો સ્કોર 150ને પાર પહોંચ્યો હતો. જોકે, પૂર્વ ઝોનના ઝડપી બોલરો સામે ટીમનો દાવ 158 રનમાં સમેટાઈ ગયો હતો.
પૂર્વ ઝોનના બોલિંગ આક્રમણની ચર્ચા
મોહમ્મદ શમી અને મુકેશ કુમારની અનુભવી-યુવા જોડીએ સ્વિંગ અને ગતિના શાનદાર સંયોજનથી સેન્ટ્રલ ઝોન પર દબાણ જાળવી રાખ્યું હતું. બંને બોલરોની શાનદાર કામગીરી સેમિફાઇનલમાં પૂર્વ ઝોન માટે સૌથી મોટા હાઇલાઇટ્સમાંની એક બની છે.








