Sachin Tendulkar Buys Luxurious Land in Lonavala: ક્રિકેટ જગતમાં પોતાના નામે અનેક અણનમ રેકોર્ડ બનાવનાર ભારતના મહાન પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે હવે રિયલ એસ્ટેટ માર્કેટમાં એક મોટો ધડાકો કર્યો છે. સચિને મહારાષ્ટ્રના અત્યંત લોકપ્રિય અને સુંદર હિલ સ્ટેશન લોનાવલામાં કરોડો રૂપિયાનું આલીશાન રોકાણ કર્યું છે. પ્રાપ્તિ માહિતી મુજબ, ક્રિકેટના આ મહાનાયકે લોનાવલાના માવળ તાલુકામાં લગભગ 3.86 એકર (લગભગ 1.68 લાખ ચોરસ ફૂટ) જમીનનો એક મોટો ટુકડો પોતાના નામે કર્યો છે. આ સમગ્ર પ્રોપર્ટી ડીલ અંદાજે 70 કરોડ રૂપિયામાં પૂર્ણ થઈ છે.
ત્રણ અલગ-અલગ ડીલ દ્વારા પૂર્ણ થઈ પ્રોપર્ટી ખરીદી
સચિન તેંડુલકરની આ જંગી ડીલની વિગતો ખૂબ જ રસપ્રદ છે. સપ્ટેમ્બર 2026ની શરૂઆતમાં રજિસ્ટર થયેલી આ પ્રોપર્ટીની લેવડદેવડ કુલ ત્રણ અલગ-અલગ દસ્તાવેજો (Conveyance Deeds) દ્વારા કરવામાં આવી છે. જેમાં સૌથી મોટી ડીલ 3.09 એકર જમીનની છે, જેના માટે સચિને 63.69 કરોડ રૂપિયા ચૂકવ્યા છે અને તેનો 100% માલિકી હક મેળવ્યો છે. બાકીની બે જમીનોમાં સચિને 50% હિસ્સેદારી ખરીદી છે, જેની કિંમત અનુક્રમે 4.56 કરોડ અને 1.75 કરોડ રૂપિયા થાય છે. આ જમીનમાં 2,100 ચોરસ ફૂટનું એક બિલ્ટ-અપ સ્ટ્રક્ચર (મકાન) પણ સામેલ છે.
સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીમાં કરોડોનો ખર્ચ
કોઈપણ મોટા રિયલ એસ્ટેટ સોદામાં સરકારી ચાર્જિસ પણ નોંધપાત્ર હોય છે. સચિન તેંડુલકરની આ રૂ. 70 કરોડની ડીલમાં જમીનની ખરીદી ઉપરાંત સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી પેટે પણ મોટી રકમ ચુકવવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, આ સોદાને કાયદેસર રૂપ આપવા માટે સચિન તરફથી અંદાજે 4.20 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી અને 90,000 રૂપિયાની રજિસ્ટ્રેશન ફી ચૂકવવામાં આવી છે. આ પ્રોપર્ટી નંદન ધનંજય મહેતા અને વિવસ્વત ધનંજય મહેતા નામના વ્યક્તિઓ પાસેથી ખરીદવામાં આવી છે.
સેકન્ડ હોમ માટે શા માટે લોનાવલા છે સેલિબ્રિટીઝની પહેલી પસંદ?
મુંબઈથી અંદાજે 100 કિલોમીટર અને પુણેથી 60 કિલોમીટરના અંતરે આવેલું લોનાવલા મહારાષ્ટ્રનું સૌથી મનપસંદ વીકેન્ડ ડેસ્ટિનેશન માનવામાં આવે છે. ખાસ કરીને ચોમાસા અને શિયાળાની ઋતુમાં અહીનું વાતાવરણ અદ્ભુત હોય છે. બોલિવૂડની હસ્તીઓ, બિઝનેસ ટાયકૂન્સ અને હાઈ-નેટ-વર્થ ઈન્ડિવિજ્યુઅલ્સ (HNIs) માટે લોનાવલા સેકન્ડ હોમ અને ફાર્મહાઉસ બનાવવા માટેનું હોટસ્પોટ બની ગયું છે. સચિન તેંડુલકર પહેલા પણ અનેક જાણીતી હસ્તીઓએ અહીં ફાર્મહાઉસ અને આલીશાન વિલામાં રોકાણ કરેલું છે.
તેંડુલકર પરિવારની પ્રોપર્ટી ખરીદીનો સિલસિલો
સચિન તેંડુલકર અને તેમનો પરિવાર અગાઉ પણ રિયલ એસ્ટેટમાં કરેલા રોકાણોને કારણે ચર્ચામાં રહ્યો છે. થોડા સમય પહેલાં જ સચિનના પત્ની અંજલિ તેંડુલકરે પોતાના ઘરના અને ઓફિસના સ્ટાફ મેમ્બર માટે વિરાર વિસ્તારમાં 32 લાખ રૂપિયાનો એક ફ્લેટ ખરીદીને ઉદારતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પરંતુ આ વખતે લોનાવલામાં કરવામાં આવેલું 70 કરોડ રૂપિયાનું રોકાણ તેંડુલકર પરિવારના અત્યાર સુધીના સૌથી મોટા અને આલીશાન રિયલ એસ્ટેટ સોદાઓમાંથી એક બની ગયું છે.








