Chinmay Sutar Scores 400 Not Out in Ranji Trophy: રણજી ટ્રોફી 2026-27 સીઝનમાં મિઝોરમ અને નાગાલેન્ડ વચ્ચે રમાઈ રહેલી મેચમાં ભારતીય સ્થાનિક ક્રિકેટનો એક અદ્ભુત અને અવિસ્મરણીય ઇતિહાસ રચાયો છે. મિઝોરમના બેટ્સમેન ચિનમય સુથારે નાગાલેન્ડના બોલરો સામે શાનદાર પ્રદર્શન કરતા અણનમ 400 રનની મેરેથોન ઈનિંગ રમી છે. દીમાપુરના સોવિમા સ્ટેડિયમ ખાતે પ્લેટ ગ્રુપના આ મુકાબલામાં ચિનમયે વિશ્વ ક્રિકેટના મહાન બેટ્સમેન બ્રાયન લારાના ટેસ્ટ ક્રિકેટમાં નોંધાવેલા અણનમ 400 રનના વિશ્વ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. રણજી ટ્રોફીના 90 વર્ષથી પણ વધુ લાંબા ઇતિહાસમાં 78 વર્ષ પછી આ બીજો પ્રસંગ છે જ્યારે કોઈ બેટ્સમેને 400 રનનો આંકડો પાર કર્યો હોય.
દિગ્ગજોના રેકોર્ડ તૂટ્યા: ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 400 પ્લસ રન કરનાર વિશ્વનો 10મો બેટ્સમેન
ચિનમય સુથારની આ અસાધારણ ઇનિંગ સાથે જ તેણે ભારતીય ક્રિકેટના અનેક મહાન ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. તેણે પૃથ્વી શૉના 379 રન, સંજય માંજરેકરના 377 રન તેમજ વી. વી. એસ. લક્ષ્મણ, ચેતેશ્વર પુજારા અને સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજ ખેલાડીઓના મોટા સ્કોરના રેકોર્ડ તોડી નાખ્યા છે. રણજી ટ્રોફીમાં સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ 1948-49માં મહારાષ્ટ્રના બી. બી. નિમ્બાલકરે (443* રન) બનાવ્યો હતો, જેના પછી ચિનમય હવે બીજા ક્રમે આવી ગયો છે. આ સાથે જ વિશ્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના સમગ્ર ઇતિહાસમાં 400 કે તેથી વધુ રનની ઇનિંગ રમમનારો તે વિશ્વનો માત્ર 10મો બેટ્સમેન બની ગયો છે.
પહાડ જેવો સ્કોર: મિઝોરમે પ્રથમ દાવ 581/9 પર ડિક્લેર કર્યો
ચિનમય સુથારની આ રેકોર્ડબ્રેક ચોથી સદીની મદદથી મિઝોરમે પોતાની પ્રથમ ઇનિંગ્સમાં 154.1 ઓવરમાં 9 વિકેટે 581 રનનો વિશાળ સ્કોર બનાવીને ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. ચિનમયે ક્રિઝ પર અડીખમ રહીને 517 બોલનો સામનો કરતા 46 ચોગ્ગા અને 7 ભવ્ય છગ્ગાની મદદથી પોતાના 400 રન પૂરા કર્યા હતા. મિઝોરમ તરફથી જેહુ એન્ડરસને પણ 151 બોલમાં 69 રનનું ઉપયોગી યોગદાન આપ્યું હતું, જ્યારે લાલહ્રુઆઈઝેલાએ 31 રન અને મનિન્દર સિંહે 27 રન બનાવ્યા હતા. નાગાલેન્ડ તરફથી બોલિંગમાં અનિલ ગુપ્તાએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે નાઇઝેખો રૂપ્રિઓ અને સૌરવ કુમારે 2-2 વિકેટ મેળવી હતી.
નાગાલેન્ડ પર દબાણ: મિઝોરમ પ્રથમ ઇનિંગ્સના આધારે મજબૂત સ્થિતિમાં
મિઝોરમના વિશાળ સ્કોરના જવાબમાં પ્રથમ ઇનિંગ્સમાં બેટિંગ કરવા ઉતરેલી નાગાલેન્ડની શરૂઆત ધીમી રહી હતી. દિવસના અંત સુધીમાં નાગાલેન્ડે 13 ઓવરમાં 1 વિકેટના ભોગે 50 રન બનાવી લીધા છે. ઓપનર જોશુઆ ઓઝુકુમ 23 રન અને સેદેઝાલી રૂપ્રિઓ 11 રન બનાવીને ક્રિઝ પર અણનમ છે, જ્યારે અકામુ સુમી ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. મિઝોરમ તરફથી ખિયાંગતે વાનરોટલિંગાએ 1 વિકેટ ઝડપી હતી. નાગાલેન્ડની ટીમ હજુ પણ મિઝોરમથી 531 રન પાછળ હોવાથી આ મેચમાં મિઝોરમે પ્રથમ ઇનિંગ્સના આધારે પોતાની પકડ અત્યંત મજબૂત બનાવી લીધી છે.








