Asian Games 2026: જાપાનના આઇચી-નાગોયા ખાતે યોજાઈ રહેલી એશિયન ગેમ્સ 2026માં ભારતીય રમતવીરો સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે. આ ક્રમમાં ભારતીય ટેબલ ટેનિસ જોડી માનુષ શાહ અને દિયા ચિતલેએ દેશ માટે વધુ એક ગૌરવપૂર્ણ ક્ષણ આપી છે. તેમણે મિક્સ્ડ ડબલ્સ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ (Bronze Medal) પોતાના નામે કર્યો છે. માનુષ અને દિયાની આ સફળતાથી સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ નંબર-4 જોડીને ધૂળ ચાટતી કરી
માનુષ શાહ અને દિયા ચિતલેની આ સફળતા પાછળ તેમની આકરા પરિશ્રમ અને સચોટ વ્યૂહરચનાનો મોટો હાથ રહ્યો છે. વિશ્વ રેન્કિંગમાં 8મા ક્રમે રહેલી આ ભારતીય જોડીએ ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં મોટો ઉલટફેર કર્યો હતો. તેમણે વિશ્વની ચોથા ક્રમાંકની મજબૂત જોડી વોંગ ચુન ટિંગ અને ડૂ હોઈ કેનને હરાવીને સેમિફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી હતી. આ શાનદાર જીત સાથે જ ભારતે ટેબલ ટેનિસ મિક્સ્ડ ડબલ્સમાં પોતાનો મેડલ પણ પાક્કો કરી લીધો હતો.
સેમિફાઇનલમાં વિશ્વની નંબર-1 જોડી સામે થયો કડક મુકાબલો
ટોયોટાના સ્કાય હોલ ખાતે રમાયેલી રોમાંચક સેમિફાઇનલ મેચમાં ભારતીય જોડીનો સામનો વિશ્વની ટોચની નંબર-2 જોડી વાંગ ચૂકિન અને સુન યિંગશા સાથે થયો હતો. આ હાઇ-વોલ્ટેજ મેચમાં ચીની જોડીએ પોતાનો દબદબો જાળવી રાખતા ભારતને 4-0 (11-8, 11-5, 11-8, 11-2)થી પરાજય આપ્યો હતો. જોકે, એશિયન ગેમ્સના નિયમો અનુસાર સેમિફાઇનલમાં પહોંચનારી બંને ટીમોને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવતો હોવાથી ભારતનો મેડલ નિશ્ચિત બન્યો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યા અભિનંદન
વડોદરાના માનુષ શાહની આ ઐતિહાસિક સિદ્ધિ બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને અને દિયા ચિતલેને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના દીકરાએ આંતરરાષ્ટ્રીય મંચ પર દેશ અને રાજ્યનું નામ રોશન કર્યું છે. માનુષ શાહનું આ પ્રદર્શન રાજ્યના અન્ય યુવા રમતવીરો માટે પ્રેરણારૂપ બની રહેશે.
ભારતીય ટેબલ ટેનિસ માટે ઐતિહાસિક ક્ષણ
એશિયન ગેમ્સના ટેબલ ટેનિસ ઇતિહાસમાં મિક્સ્ડ ડબલ્સ શ્રેણીમાં ભારત માટે આ માત્ર બીજો મેડલ છે. આ સાથે જ વર્તમાન એશિયન ગેમ્સમાં ટેબલ ટેનિસ રમત ક્ષેત્રે ભારતનો આ ચોથો બ્રોન્ઝ મેડલ બન્યો છે. માનુષ શાહ અને દિયા ચિતલેની આ અવિસ્મરણીય જીતે એ બતાવી આપ્યું છે કે ભારતીય ટેબલ ટેનિસ હવે વિશ્વ સ્તરે પ્રબળ દાવેદાર તરીકે ઉભરી રહ્યું છે.








