Asian Games 2026: એશિયન ગેમ્સ 2026માં ભારતનો મેડલ શિકાર યથાવત છે. ગુરુવારે અનંતજીત સિંહ નારુકા અને પરિનાઝ ધાલીવાલની ભારતીય જોડીએ મિક્સ્ડ સ્કીટ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશના ખાતામાં વધુ એક મેડલ ઉમેર્યો છે. ભારતીય જોડીએ ફાઇનલમાં 44 હિટ્સ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ચીને 52ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે દક્ષિણ કોરિયાએ સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ સાથે ભારતની એશિયન ગેમ્સ 2026માં કુલ મેડલ સંખ્યા 15 થઈ છે અને શૂટિંગમાં ભારતનો આઠમો મેડલ છે.
પુરુષોની સ્કીટ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
અનંતજીત અને પરિનાઝ માટે આ એશિયન ગેમ્સનો બીજો મેડલ છે. આ પહેલાં અનંતજીત સિંહ નારુકાએ મૈરાજ અહેમદ ખાન અને ભવતેજ સિંહ ગિલ સાથે પુરુષોની સ્કીટ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બીજી તરફ પરિનાઝ ધાલીવાલે રાયઝા ધિલ્લોન અને મહેશ્વરી ચૌહાણ સાથે મહિલા સ્કીટ ટીમ ઈવેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. મિક્સ્ડ સ્કીટ ઈવેન્ટમાં ભારતીય જોડીએ ક્વોલિફિકેશનમાં 138ના સ્કોર સાથે ચોથું સ્થાન મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
એશિયન ગેમ્સમાં પણ ભારત માટે મેડલ જીત્યો
અનંતજીત સિંહ નારુકાની એશિયન ગેમ્સમાં આ બીજી સફળતા નથી, પરંતુ તેમની સતત મજબૂત સફરનો વધુ એક અધ્યાય છે. રાજસ્થાનના જયપુરમાં જન્મેલા નારુકાએ અગાઉની એશિયન ગેમ્સમાં પણ ભારત માટે મેડલ જીત્યો હતો. 2022ની એશિયન ગેમ્સમાં તેમણે પુરુષોની સ્કીટ વ્યક્તિગત ઈવેન્ટમાં સિલ્વર અને ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. હવે 2026ની ગેમ્સમાં પણ તેમણે બે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા છે. આ સિદ્ધિ ભારતીય સ્કીટ શૂટિંગમાં તેમની સતત હાજરી અને સફળતાને દર્શાવે છે.
ચાર સિલ્વર અને ચાર બ્રોન્ઝનો સમાવેશ થાય
આ મેડલ સાથે એશિયન ગેમ્સ 2026માં ભારતીય શૂટર્સની ઝોળીમાં અત્યાર સુધીમાં આઠ મેડલ આવી ચૂક્યા છે, જેમાં ચાર સિલ્વર અને ચાર બ્રોન્ઝનો સમાવેશ થાય છે. અનંતજીત અને પરિનાઝનો મિક્સ્ડ સ્કીટ બ્રોન્ઝ પણ ખાસ છે, કારણ કે આ કેટેગરીમાં એશિયન ગેમ્સમાં ભારતનો આ પહેલો મેડલ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.








