Asian Games 2026 Controversy: જાપાનના નાગોયા શહેરમાં આયોજિત એશિયન ગેમ્સ 2026ની શરૂઆત પહેલા જ એક આશ્ચર્યજનક અને ગંભીર વિવાદ સામે આવ્યો છે. ભારત તરફથી ભાગ લેવા પહોંચેલા રમતવીરોને આયોજન સ્થાન પર પહોંચતા જ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રમતવીરો માટે ખેલ ગામ (ગેમ્સ વિલેજ) તરીકે તૈયાર કરવામાં આવેલા એક વિશાળ ક્રૂઝ શિપ પર રોકાણ દરમિયાન સ્થાનિક આયોજકોએ તમામ શિષ્ટાચાર અને નિયમોની અનદેખી કરી હતી. આયોજકોની ઘોર બેદરકારીને કારણે ભારતીય સ્ટાર મહિલા જિમ્નાસ્ટ પ્રણતિ નાયક અને તેમના પુરુષ કોચ અશોક મિશ્રાને એક જ રૂમ ફાળવી દેવામાં આવ્યો હતો, જેના કારણે રમતજગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
30 કલાકની થકવી દેનારી મુસાફરી અને અડધી રાત્રે હોશ ઉડી ગયા
ભારતીય જિમ્નાસ્ટ પ્રણતિ નાયક અને જિમ્નાસ્ટિક્સ કોચ અશોક મિશ્રા અંદાજે 30 કલાકથી પણ વધુ સમયની લાંબી અને થકવી દે તેવી વિમાન મુસાફરી કરીને અડધી રાત્રે જાપાનના નાગોયા સ્થિત ક્રૂઝ શિપ પર પહોંચ્યા હતા. લાંબા પ્રવાસ બાદ ખેલાડીઓ અને કોચ ભારે માનસિક તેમજ શારીરિક થાક અનુભવી રહ્યા હતા. પરંતુ જેવા તેઓ પોતાના રૂમમાં પ્રવેશ કરવા ગયા કે આયોજકોની ભૂલ જોઈને તેમના હોશ ઉડી ગયા હતા. પુરુષ કોચ અને મહિલા એથ્લેટને એક જ રૂમ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળતાં જ બંનેએ આ ગંભીર ભૂલ સામે કડક વિરોધ નોંધાવ્યો હતો અને તરત જ અલગ-અલગ રૂમની માંગ કરી હતી.
સ્પેલિંગની ભૂલને કારણે અડધી રાત્રે કોચને બહાર બેસવું પડ્યું
આ સિંગલ રૂમ વિવાદ ઉપરાંત આયોજકોની બીજી એક મોટી ભૂલ પણ સામે આવી હતી. જ્યારે કોચ અશોક મિશ્રા ક્રૂઝ શિપના એન્ટ્રી ગેટ પર પહોંચ્યા ત્યારે લિસ્ટમાં તેમનું નામ જ દર્શાવાયું નહોતું, જેના કારણે સુરક્ષા કર્મચારીઓએ તેમને અંદર પ્રવેશ આપવાની ચોખ્ખી મનાઈ કરી દીધી હતી. ત્યારબાદ રિસેપ્શન પર રજિસ્ટરમાં તપાસ કરતા માલૂમ પડ્યું કે ટેકનિકલ સિસ્ટમમાં તેમના નામના સ્પેલિંગમાં મોટી ભૂલ હતી. 'MISHRA' ના બદલે સ્પેલિંગમાંથી 'I' અક્ષર ગાયબ કરીને 'MSHRA' લખવામાં આવ્યું હતું. આ સામાન્ય ભૂલને કારણે સિસ્ટમમાં તેમનું રજિસ્ટ્રેશન મળી રહ્યું નહોતું અને થાકેલા કોચને અડધી રાત્રે 1 થી 2 વાગ્યાની વચ્ચે અંદાજે 45 મિનિટ સુધી બહાર જ રાહ જોવાની ફરજ પડી હતી.
ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) એ અડધી રાત્રે આ મામલો ઉકેલ્યો
જ્યારે પરિસ્થિતિ વધુ વણસી રહી હતી ત્યારે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના અધિકારીઓએ તુરંત જ મધ્યરાત્રિએ એક્શન લીધા હતા. IOA ના અધિકારીઓએ નાગોયાની સ્થાનિક આયોજક સમિતિ સાથે તાત્કાલિક ધોરણે વાટાઘાટો શરૂ કરી હતી. અંદાજે એકથી દોઢ કલાકની તીવ્ર ચર્ચા અને તપાસ બાદ રાત્રે 2.00 વાગ્યાની આસપાસ સમગ્ર મામલો શાંત પડ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા સમજીને આયોજકોએ પોતાની ભૂલ સુધારી હતી અને સ્ટાર જિમ્નાસ્ટ પ્રણતિ નાયકને તાત્કાલિક અલગથી રૂમ ફાળવવામાં આવ્યો હતો.
વેટલિફ્ટિંગ કોચ સાથે કરવામાં આવી બેઠક વ્યવસ્થા
સુધારાત્મક પગલાં રૂપે જિમ્નાસ્ટિક્સ કોચ અશોક મિશ્રા માટે પણ અલગ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમને ભારતીય વેટલિફ્ટિંગ ટીમના હેડ કોચ વિજય શર્મા સાથે રૂમ શેર કરવાની પરવાનગી આપવામાં આવી હતી. આયોજકોની આવી વહીવટી ખામીઓ અને બેદરકારીને કારણે ભારતીય ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારે માનસિક અસ્વસ્થતા અને હાલાકી ભોગવવી પડી હતી, જેની હવે ખેલ જગતમાં ભારે ટીકા થઈ રહી છે.








