Kavya Maran Anirudh Ravichander Wedding Reception Chennai: દેશના જાણીતા મીડિયા જૂથ સન ગ્રુપના ચેરમેન કલાનિધિ મારનની લાડલી પુત્રી અને લોકપ્રિય આઈપીએલ (IPL) ફ્રેન્ચાઈઝી 'સનરાઈઝર્સ હૈદરાબાદ' (SRH) ની હસ્તી કાવ્યા મારન ટૂંક સમયમાં જ સાઉથ ઇન્ડિયન સિનેમાના દિગ્ગજ મ્યુઝિક ડિરેક્ટર અનિરુદ્ધ રવિચંદર સાથે લગ્નગ્રંથિથી જોડાવવા જઈ રહી છે. આ હાઈ-પ્રોફાઈલ લગ્નને લઈને દેશભરના રાજકીય અને મનોરંજન જગતમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. બંને પરિવારો દ્વારા લગ્ન અને રિસેપ્શનની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને VVIP મહેમાનોને પાઠવવામાં આવ્યું ભવ્ય નિમંત્રણ
આ લગ્નને અત્યંત વિશેષ બનાવવા માટે બંને પરિવારો દ્વારા દેશની દિગ્ગજ હસ્તીઓ સાથે મુલાકાતોનો દોર શરૂ થઈ ગયો છે. તાજેતરમાં જ અનિરુદ્ધ અને કાવ્યા મારનના માતા-પિતાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને તેમને આગામી 21 નવેમ્બરે ચેન્નાઈ ખાતે યોજાનાર ભવ્ય વેડિંગ રિસેપ્શન માટે સાદર આમંત્રણ પાઠવ્યું છે. આ મુલાકાતની તસવીરો પણ સામે આવી છે, જેમાં પરિવારના સભ્યો પીએમ મોદીને આમંત્રણ કાર્ડ સોંપતા નજરે પડી રહ્યા છે. આ ઉપરાંત તેલંગાણાના મુખ્યમંત્રી સહિતના અનેક અગ્રણી નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે.
ચેન્નાઈના ITC Grand Cholaમાં યોજાશે ગ્રાન્ડ રિસેપ્શન
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા નિમંત્રણ પત્ર મુજબ કાવ્યા કલાનિધિ મારન અને અનિરુદ્ધ રવિચંદરનું ભવ્ય વેડિંગ રિસેપ્શન આગામી 21 નવેમ્બર, 2026ના રોજ સાંજે 6.30 વાગ્યે ચેન્નાઈની પ્રખ્યાત હોટેલ 'ITC ગ્રાન્ડ ચોલા' માં યોજાવાનું નક્કી થયું છે. વાયરલ કાર્ડમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ ભવ્ય સમારોહમાં દેશ-વિદેશના નામાંકિત ઉદ્યોગપતિઓ, ખેલાડીઓ અને ફિલ્મી સિતારાઓ ઉપસ્થિત રહેશે. જોકે, મુખ્ય લગ્ન વિધિ અને ફેરા ક્યારે અને ક્યાં લેવાશે તે અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત બાકી છે, પરંતુ ચર્ચાઓ છે કે, આ જોડી વિદેશમાં લગ્ન કરી શકે છે.

કોણ છે કાવ્યા મારન અને અનિરુદ્ઘ રવિચંદર?
કાવ્યા મારન સન ગ્રુપના સર્વેસર્વા કલાનિધિ મારન અને કાવેરી મારનની પુત્રી છે. તે આઈપીએલ ટીમ 'સનરાઈઝર્સ હૈદરાબાદ' ની મેનેજમેન્ટ ટીમ સાથે સક્રિય રીતે જોડાયેલી છે અને સ્ટેડિયમમાં પોતાની ટીમનો ઉત્સાહ વધારવા માટે અવારનવાર ચર્ચામાં રહે છે. બીજી તરફ અનિરુદ્ધ રવિચંદર ભારતીય સિનેમાના સુપરસ્ટાર મ્યુઝિક ડિરેક્ટર છે, જેમણે 'જવાન', 'કુલી' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં અદભુત સંગીત આપીને વૈશ્વિક સ્તરે નામના મેળવી છે. આ બંને દિગ્ગજ પરિવારોનું મિલન મનોરંજન અને બિઝનેસ જગતનું સૌથી મોટું ગઠબંધન માનવામાં આવી રહ્યું છે.








