Abhishek Sharma Rumored Girlfriend: ભારતીય ક્રિકેટર અને શેર-એ-પંજાબ T20 લીગમાં અમૃતસર સુરમાસના કેપ્ટન અભિષેક શર્મા પોતાના શાનદાર બેટિંગ પ્રદર્શનની સાથે અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છે. બિઝનેસવુમન લૈલા ફૈસલ સાથે તેના અફેરની અફવાઓએ ફરી જોર પકડ્યું છે. મેચ બાદ અભિષેક કેટલીક વખત લૈલા સાથે સમય પસાર કરતા જોવા મળ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. IPL 2025 દરમિયાન પણ બંનેના ડેટિંગની ચર્ચા શરૂ થઈ હતી. જોકે, અભિષેક કે લૈલા બંનેમાંથી કોઈએ અત્યાર સુધી તેમના સંબંધોને લઈને સત્તાવાર પુષ્ટિ કરી નથી.
કોણ છે લૈલા ફૈસલ?
અભિષેક શર્મા સાથે નામ જોડાયા બાદ લૈલા ફૈસલ પણ સોશિયલ મીડિયા અને મીડિયા રિપોર્ટ્સમાં ચર્ચામાં આવી છે. લૈલા ગ્લેમર ઈન્ડસ્ટ્રી સાથે નહીં પરંતુ બિઝનેસ અને ફેશન જગત સાથે સંકળાયેલી છે. તે દિલ્હીની વતની હોવાનું કહેવાય છે અને જાણીતા કાશ્મીરી મુસ્લિમ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. લૈલાએ પોતાનું પ્રારંભિક શિક્ષણ દિલ્હીની DPS આર.કે. પુરમમાંથી મેળવ્યું હતું. ત્યારબાદ તેણે લંડનની કિંગ્સ કોલેજ લંડનમાંથી સાયકોલોજીમાં ડિગ્રી મેળવી હોવાનું જાણવા મળે છે.
ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ, પિતાની કંપનીમાં COO
લૈલા ફૈસલે યુનિવર્સિટી ઓફ ધ આર્ટ્સ લંડનમાંથી ફેશન ડિઝાઇનિંગ, માર્કેટિંગ અને સ્ટાઇલિંગનો અભ્યાસ કર્યો હતો. લંડનમાં અભ્યાસ દરમિયાન તે કોલેજની ફેશન સોસાયટી સાથે પણ જોડાયેલી રહી હતી અને નેતૃત્વની ભૂમિકા નિભાવી હતી. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ભારત પરત ફરેલી લૈલાએ પોતાના પિતાની ફર્મ 'સાઉન્ડ ઓફ મ્યુઝિક લક્ઝરી'માં ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે જવાબદારી સંભાળી હતી. આ રીતે તેણે પરિવારના બિઝનેસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની શરૂઆત કરી.
માતાની સાથે શરૂ કર્યું પોતાનું લક્ઝરી ફેશન લેબલ
પિતાના બિઝનેસને આગળ વધારવાની સાથે લૈલા ફૈસલ પોતાની અલગ ઓળખ પણ બનાવવા માગતી હતી. આ જ હેતુથી તેણે વર્ષ 2022માં પોતાની માતા સાથે મળીને 'લૈલા રૂહી ફેશન ડિઝાઇન્સ' નામનું હાઈ-એન્ડ ફેશન લેબલ શરૂ કર્યું હતું. ફેશન અને લક્ઝરી ક્ષેત્રમાં કામ કરવાની સાથે લૈલા સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. તેની પર્સનલ સ્ટાઇલ અને સોશિયલ મીડિયા હાજરીને કારણે તે ખાસ્સી લોકપ્રિય હોવાનું કહેવાય છે.
અભિષેક-લૈલાના સંબંધની માત્ર ચર્ચા
અભિષેક શર્મા અને લૈલા ફૈસલના સંબંધને લઈને છેલ્લા કેટલાક સમયથી અહેવાલો અને સોશિયલ મીડિયા ચર્ચા ચાલી રહી છે. મેચ બાદ બંને સાથે જોવા મળ્યાના દાવાઓને કારણે આ ચર્ચાએ ફરી વેગ પકડ્યો છે. જો, કે બંનેમાંથી કોઈએ ડેટિંગ કે અફેરની વાતને સત્તાવાર રીતે સ્વીકારી નથી, તેથી હાલ તેને માત્ર અફવા અને મીડિયા ચર્ચા તરીકે જ જોવી યોગ્ય છે.








