Asian Games 2026 Men Cricket Schedule India vs Pakistan Match: જાપાનના સુંદર શહેર આઈચી નાગોયા ખાતે 20મી એશિયન ગેમ્સનો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. આ રમતોત્સવમાં ફેન્સ માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર પુરુષ ક્રિકેટ ઈવેન્ટ બની રહી છે, જેનો પ્રારંભ 24 સપ્ટેમ્બરથી થઈ રહ્યો છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં યજમાન દેશ જાપાનનો સામનો મજબૂત અફઘાનિસ્તાનની ટીમ સામે થઈ રહ્યો છે. એશિયન ગેમ્સના ઈતિહાસમાં આ ચોથી વખત છે જ્યારે ક્રિકેટનો રમતોત્સવમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ વખતે કુલ 10 જેટલી દેશોની ટીમો મેડલ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી રહી છે, જેને કારણે ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
એશિયાની શ્રેષ્ઠ 10 ટીમો વચ્ચે મેડલ જીતવાની હોડ
આ વખતની પુરુષ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં એશિયા ખંડની 10 પ્રમુખ ટીમો ભાગ લઈ રહી છે. આંતરરાષ્ટ્રીય આઈસીસી (ICC) રેન્કિંગના આધારે એશિયાની ચાર અગ્રણી ટીમો—ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશને સીધી જ ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન આપવામાં આવ્યું છે. બીજી તરફ, અફઘાનિસ્તાનને ફૂલ મેમ્બર નેશન તરીકે સીધી મુખ્ય ડ્રોમાં પ્રવેશ મળ્યો છે. આ ઉપરાંત, જૂન મહિનામાં યોજાયેલી એશિયન ગેમ્સ ક્વોલિફાયર ટૂર્નામેન્ટ દ્વારા હોંગકોંગ, મલેશિયા, નેપાળ અને ઓમાને મુખ્ય ડ્રોમાં પોતાની જગ્યા પાકી કરી હતી, જ્યારે જાપાનને યજમાન દેશ હોવાનો ફાયદો મળતા સીધી એન્ટ્રી મળી છે.
ટૂર્નામેન્ટનું ફોર્મેટ અને ગ્રુપ સ્ટેજનું ગણિત
ટૂર્નામેન્ટનું આયોજન બે મુખ્ય તબક્કામાં કરવામાં આવ્યું છે. ક્વાર્ટર ફાઈનલમાં સીધો પ્રવેશ મેળવનાર ચાર મુખ્ય ટીમો સિવાયની બાકીની 6 ટીમો (જાપાન, અફઘાનિસ્તાન, નેપાળ, ઓમાન, મલેશિયા અને હોંગકોંગ) ને 3-3 ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. પ્રથમ તબક્કામાં આ ટીમો વચ્ચે સિંગલ રાઉન્ડ રોબિન પદ્ધતિથી મેચો રમાશે. ગ્રુપ સ્ટેજના અંતે બંને ગ્રુપમાંથી ટોપ-2માં રહેનારી ટીમો ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરશે, જ્યાં તેમનો સામનો પહેલેથી જ ક્વોલિફાય થયેલી ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવી દિગ્ગજ ટીમો સામે થશે.
શું જોવા મળશે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો?
વિશ્વભરના ક્રિકેટ ચાહકોના મનમાં એક જ સવાલ છે કે શું આ એશિયન ગેમ્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ જોવા મળશે કે નહીં. સત્તાવાર શેડ્યુલ અને બ્રેકેટ સિસ્ટમ મુજબ, ગ્રુપ સ્ટેજ કે પ્રારંભિક ક્વાર્ટર ફાઈનલ મેચોમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર શક્ય નથી. બંને ટીમોને અલગ-અલગ બ્રેકેટમાં રાખવામાં આવી છે. આથી, બંને દેશો વચ્ચે મેચ માત્ર નોકઆઉટ તબક્કામાં જ શક્ય બની શકે છે.
કઈ તારીખે થઈ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ?
જો ભારત અને પાકિસ્તાન બંને ટીમો પોતાની ક્વાર્ટર ફાઈનલ અને ત્યારબાદ સેમિફાઈનલ મેચ જીતવામાં સફળ રહે છે, તો 3 ઓક્ટોબરના રોજ ગોલ્ડ મેડલ (ફાઈનલ) માટે ભારત-પાકિસ્તાન વચ્ચે રોમાંચક જંગ જોવા મળી શકે છે. જો કે, જો કોઈ કારણોસર બંને ટીમો પોતાની સેમિફાઈનલ મેચ હારી જાય છે, તો પણ ચાહકોને નિરાશ થવું પડશે નહીં, કારણ કે તે સ્થિતિમાં પણ બંને ટીમો 3 ઓક્ટોબરે જ બ્રોન્ઝ મેડલ (ત્રીજા સ્થાન) માટે સામસામે રમી શકે છે. આમ, ક્રિકેટ ચાહકો માટે આ ટૂર્નામેન્ટ ખૂબ જ મનોરંજક બની રહેવાની પૂરી શક્યતા છે.








