Rinku Singh Priya Saroj Marriage Date: ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ અને મછલીશહરના લોકસભા સાંસદ પ્રિયા સરોજનાં લગ્નની તારીખ નક્કી થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. બંને 4 ડિસેમ્બર, 2026ના રોજ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની રામાડા હોટેલમાં આ હાઇ-પ્રોફાઇલ લગ્ન યોજાવાની ચર્ચા છે. આ લગ્નમાં રાજકારણ, ક્રિકેટ અને મનોરંજન જગતની જાણીતી હસ્તીઓ હાજરી આપે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાહુલ ગાંધીથી શાહરૂખ ખાન સુધીની હસ્તીઓને આમંત્રણ?
રિંકુ સિંહ અને પ્રિયા સરોજનાં લગ્નમાં અનેક VVIP મહેમાનો હાજરી આપે તેવી સંભાવના છે. અહેવાલો અનુસાર, પ્રિયા સરોજ તરફથી રાજકીય ક્ષેત્રની અનેક જાણીતી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવી શકે છે. તેમાં સમાજવાદી પાર્ટીના સાંસદો અને ધારાસભ્યો ઉપરાંત રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સુપ્રિયા સુલે સહિતના નેતાઓનાં નામ ચર્ચામાં છે. કેન્દ્ર સરકારના કેટલાક અગ્રણી મંત્રીઓ પણ હાજર રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ, રિંકુ સિંહ તરફથી ક્રિકેટ જગતના જાણીતા ખેલાડીઓ અને બોલિવૂડના કલાકારોને આમંત્રણ આપવામાં આવી શકે છે. અહેવાલોમાં શાહરૂખ ખાનનું નામ પણ સંભવિત મહેમાનોમાં ચર્ચાઈ રહ્યું છે. જોકે, આ તમામ મહેમાનોની હાજરી અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
VVIP મહેમાનો માટે હોટેલમાં ખાસ વ્યવસ્થા?
લગ્ન સમારોહને લઈને લખનૌમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાના અહેવાલો છે. મહેમાનોના સ્વાગત અને રોકાણ માટે રામાડા હોટેલ ઉપરાંત હોટેલ તાજમાં પણ રૂમ બુક કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, મહેમાનોની અંતિમ યાદી અને વ્યવસ્થાઓ અંગે સત્તાવાર વિગતોની પુષ્ટિ થવાની બાકી છે.
જૂન 2025માં થઈ હતી સગાઈ
રિંકુ સિંહ અને પ્રિયા સરોજની સગાઈ જૂન 2025માં થઈ હતી. ત્યારથી આ જોડી ક્રિકેટ અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની રહી છે. રિંકુ સિંહ ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા બેટ્સમેન છે, જ્યારે પ્રિયા સરોજ ઉત્તર પ્રદેશના મછલીશહેર લોકસભા મતવિસ્તારનાં સાંસદ છે. બંને અલગ-અલગ ક્ષેત્રમાં ઓળખ ધરાવતા હોવાથી તેમનાં લગ્નને લઈને ચાહકોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. રિંકુ સિંહે એક ઇન્ટરવ્યૂમાં પોતાની લવ સ્ટોરી અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, પ્રિયા સરોજ તેમને પહેલીવાર મળવા આવ્યાં ત્યારે તેઓ એકલા નહીં, પરંતુ પોતાના સત્તાવાર કાફલા સાથે આવ્યાં હતાં. હવે 4 ડિસેમ્બરે યોજાનારા સંભવિત લગ્ન સમારોહમાં કઈ જાણીતી હસ્તીઓ હાજરી આપે છે અને લગ્નની સત્તાવાર વિગતો શું જાહેર થાય છે, તેના પર સૌની નજર રહેશે.








