Mohammed Shami Ranji Trophy 4 Wickets Delhi: ભારતીય ટીમના અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીએ ઘરેલુ ક્રિકેટમાં પોતાની ધારદાર બોલિંગથી ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, તેમનામાં વિકેટ લેવાની ક્ષમતા હજુ પણ અકબંધ છે. રણજી ટ્રોફી 2026-27ની શરૂઆતી મેચમાં બંગાળ તરફથી રમતા શમીએ દિલ્હી સામેની પહેલી ઇનિંગમાં બોલિંગ કરીને 4 વિકેટ ઝડપી હતી. કલ્યાણી ખાતે રમાયેલા આ મુકાબલાના પ્રથમ દિવસે શમીએ 17.3 ઓવર નાખી હતી, જેમાં તેમણે શાનદાર 9 મેડન ઓવર પણ ફેંકી હતી. આ પ્રદર્શને સાબિત કર્યું કે, તે મેદાન પર સખત પરિશ્રમ કરી રહ્યા છે.
ટીમમાં સ્થાન ન મળવા પર શમીનો કટાક્ષ: "હું સારો બોલર નથી"
મેચના પ્રથમ દિવસની રમત સમાપ્ત થયા બાદ જ્યારે પત્રકારોએ શમીની ફિટનેસ અને ભારતીય ટીમમાં સતત અવગણના વિશે સવાલ પૂછ્યો, ત્યારે તેમના જવાબમાં નિરાશા અને કટાક્ષ સ્પષ્ટ જોવા મળ્યા. શમીએ પોતાના અંદાજમાં કહ્યું, "તમારી નજર સમક્ષ જ મારી ફિટનેસ છે, તમે જાતે જોઈ શકો છો. મારા કહેવાથી શું ફેર પડે? હું મેદાન પર છું, રમી રહ્યો છું અને જ્યાં પણ તક મળે છે ત્યાં ઉત્સાહથી રમી રહ્યો છું." જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શાનદાર પ્રદર્શન છતાં તેમને ટીમમાં કેમ નથી રખાતા, ત્યારે તેમણે કટાક્ષમાં કહ્યું, "ના, ના, હું સારો બોલર નથી." તેમના આ નિવેદનથી ભારતીય સિલેક્શન સમિતિ સામેની તેમની અંદરની પીડા છતી થાય છે.
ભુવનેશ્વર કુમારના કમબેક પર શમીએ ખુશી વ્યક્ત કરી
એક તરફ પોતાની પસંદગી ન થવા પર નિરાશા વ્યક્ત કરનાર શમીએ બીજી તરફ અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારની ભારતીય ટી -20 ટીમમાં થયેલી વાપસીનું દિલથી સ્વાગત કર્યું છે. ન્યુઝીલેન્ડ સામેની આગામી ટી-20 સિરીઝ માટે 36 વર્ષીય ભુવનેશ્વર કુમારને ભારતીય સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યા છે. શમીનું માનવું છે કે ભુવીને આ તક અગાઉ જ મળી જવી જોઈતી હતી. તેમણે કહ્યું કે, ભુવનેશ્વર વધારે બોલવામાં માન નથી રાખતા, પરંતુ તેનો અર્થ એ નથી કે તેમની પ્રતિભાને લાંબા સમય સુધી નજરઅંદાજ કરવામાં આવે. IPLમાં સતત શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડી આ હકદાર હતો.
ઈજાઓ અને લાંબા સમયથી ચાલી રહેલી રાહ જોવાની સ્થિતિ
મોહમ્મદ શમી છેલ્લા કેટલાક વર્ષોથી ઈજાઓની સમસ્યાથી ભારે પરેશાન રહ્યા છે. વર્ષ 2023ના વર્લ્ડ કપ બાદ તેમને સર્જરી કરાવવી પડી હતી, જેના કારણે તે લગભગ 14 મહિના સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહ્યા હતા. તેમણે ભારત માટે પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ 9 માર્ચ, 2025ના રોજ રમી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ ટીમ ઈન્ડિયામાં પુનરાગમનની રાહ જોઈ રહ્યા છે. જોકે, ઘરેલુ ક્રિકેટમાં તેમની આ તાજેતરની સફળતા પસંદગીકારોનું ધ્યાન ખેંચવા માટે પૂરતી છે.
ઘરેલુ પ્રદર્શન અને અનુભવના આધારે વાપસીની આશા
IPLની છેલ્લી કેટલીક સિઝનમાં અપેક્ષિત પ્રદર્શન ન કરી શક્યા હોવા છતાં રણજી ટ્રોફીમાં દિલ્હી સામે 4 વિકેટ ઝડપીને શમીએ પોતાની લય પાછી મેળવી લીધી છે. શમીનો આંતરરાષ્ટ્રીય અનુભવ અને તેમની મેચ વિનિંગ ક્ષમતા તેમને ભારતીય ટીમ માટે હજુ પણ મહત્વપૂર્ણ બનાવે છે. આગામી સમયમાં તેમની ફિટનેસ અને ઘરેલુ મેચોના પ્રદર્શનના આધારે ટીમમાં તેમના પુનરાગમન અંગે નિર્ણય થઈ શકે છે.








