Anaya Bangar Transgender Woman Cricketer Cricket Australia: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર અને પ્રખ્યાત કોચ સંજય બાંગડની પુત્રી અનાયા બાંગડે BCCI સમક્ષ એક મહત્વપૂર્ણ અપીલ કરી છે. 25 વર્ષીય અનાયાએ માગણી કરી છે કે, BCCI પણ ઓસ્ટ્રેલિયાની જેમ ટ્રાન્સજેન્ડર મહિલા ક્રિકેટરોને મહિલા ક્રિકેટમાં રમવાની સત્તાવાર પરવાનગી આપવા માટે સમાવેશી નીતિ ઘડે. અનાયાને હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં મહિલા ક્રિકેટ રમવા માટે લીલી ઝંડી મળી ગઈ છે.
શું કહ્યું અનાયા બાંગડે પોતાની આપવીતીમાં?
અનાયા બાંગડે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, "જો BCCI પણ ઓસ્ટ્રેલિયાના બોર્ડની તર્જ પર કદમ ઉઠાવે, તો તે ભારતમાં રમતગમતના ભવિષ્ય માટે અત્યંત સરાહનીય બાબત બનશે." નોંધનીય છે કે અનાયાએ અગાઉ પુરુષોની વયજૂથ સ્પર્ધાઓમાં ક્રિકેટ રમી ચૂકી છે. તે પછી તેણે જેન્ડર-એફર્મિંગ સર્જરી અને હોર્મોનલ થેરાપી મેળવી હતી. અનાયાએ ગયા વર્ષે પોતાના કાનૂની અને હોર્મોનલ રિપોર્ટ્સ સાથે BCCIનો સંપર્ક કરીને સ્પષ્ટતા માગી હતી, પરંતુ સ્પષ્ટ આદેશ ન મળતાં તેણે ઓસ્ટ્રેલિયન બોર્ડનો સંપર્ક કર્યો હતો.
ઓસ્ટ્રેલિયામાં મહિલા ક્રિકેટ રમવા માટેનો માર્ગ મોકળો થયો
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) એ પોતાની ટ્રાન્સજેન્ડર અને જેન્ડર-ડાઇવર્સ પ્લેયર પોલિસી હેઠળ અનાયા બાંગડને મહિલા કમ્યુનિટી ક્રિકેટ રમવાની મંજૂરી આપી દીધી છે. જોકે, એલીટ સ્તરની મહિલા સ્પર્ધાઓમાં રમવા માટે તેણે નિર્ધારિત ટેસ્ટોસ્ટેરોન સ્તરના કડક માપદંડો પૂર્ણ કરવા પડશે. તમામ તબીબી શરતોનું પાલન થતાં માર્ચ 2027થી તે ઓસ્ટ્રેલિયાની એલીટ ક્રિકેટમાં ભાગ લેવા માટે પાત્ર બનશે.
ICCના આંતરરાષ્ટ્રીય નિયમો અને કાનૂની પરિસ્થિતિ
આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા ક્રિકેટમાં ટ્રાન્સજેન્ડર ખેલાડીઓની ભાગીદારી અંગેના નિયમો અત્યંત કડક છે. ICCના 2023ના સુધારેલા નિયમો અનુસાર, જે ટ્રાન્સજેન્ડર મહિલાઓ પુરુષ યોવનની પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂકી હોય તેમને આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ રમવાની મનાઈ છે પરંતુ, ડોમેસ્ટિક અને કમ્યુનિટી ક્રિકેટમાં ભાગીદારી નક્કી કરવાની સત્તા સંબંધિત દેશના ક્રિકેટ બોર્ડ પાસે રહેલી હોય છે.
ભારતીય રમતોમાં ટ્રાન્સજેન્ડર સમાવેશી નીતિની જરૂરિયાત
અનાયા બાંગડની આ અપીલ બાદ હવે ભારતીય રમતજગતમાં ટ્રાન્સજેન્ડર એથ્લેટ્સના કાનૂની અધિકારો અને સમાન તકો અંગે વ્યાપક ચર્ચા જાગી છે. ભારતીય ઓલિમ્પિક સંઘ અને બીસીસીઆઈ જેવા અગ્રણી રમત મંડળો પાસે ટ્રાન્સજેન્ડર ખેલાડીઓ માટે કોઈ સ્પષ્ટ ડોમેસ્ટિક નીતિ નથી. જો બીસીસીઆઈ આ અંગે હકારાત્મક નિર્ણય લેશે, તો ભારતમાં અનાયા જેવા અન્ય ટ્રાન્સજેન્ડર ખેલાડીઓ માટે રમતગમતમાં આગળ વધવાનો નવો માર્ગ મોકળો થશે.








