Mohammed Shami Politics: ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી હાલમાં ક્રિકેટથી દૂર છે, પરંતુ હવે તેની રાજકારણમાં એન્ટ્રીને લઈને ચર્ચા શરૂ થઈ છે. 20 સપ્ટેમ્બરે શમીએ રાષ્ટ્રીય લોકદળ (RLD)ના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરી સાથે મુલાકાત કરી હતી. બંનેની તસવીર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર એવી અટકળો શરૂ થઈ છે, કે શમી 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં અમરોહાથી ચૂંટણી લડી શકે છે. જોકે, શમી કે RLD તરફથી આવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
જયંત ચૌધરી સાથે મુલાકાત બાદ ચર્ચા તેજ
મોહમ્મદ શમી અને જયંત ચૌધરીની મુલાકાત બાદ રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. ખાસ કરીને અમરોહા સાથે શમીના જોડાણને કારણે તેમની ચૂંટણીમાં એન્ટ્રી અંગે સવાલો ઉઠી રહ્યા છે. જો, કે ઉપલબ્ધ અહેવાલો મુજબ હાલ આ માત્ર અટકળો અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દાવા છે.
શમી હજુ પણ એક્ટિવ ક્રિકેટર
શમી 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ બાદથી ભારતીય ટીમની આંતરરાષ્ટ્રીય મેચમાં જોવા મળ્યો નથી. 9 માર્ચ, 2025ના રોજ ન્યૂઝીલેન્ડ સામેની ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હતી. જોકે, તે ક્રિકેટથી સંપૂર્ણપણે દૂર નથી. સપ્ટેમ્બર 2026માં તેણે દુલીપ ટ્રોફીમાં ઈસ્ટ ઝોન તરફથી રમ્યું હતું અને 100મી ફર્સ્ટ-ક્લાસ મેચ પણ રમી હતી.
વેસ્ટ ઈન્ડિઝ સિરીઝમાં પણ પસંદગી થઈ નહીં
ભારતીય ટીમની આગામી વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI અને T20I સિરીઝ માટે જાહેર થયેલી ટીમોમાં પણ મોહમ્મદ શમીનું નામ નથી. આ કારણે તેની આંતરરાષ્ટ્રીય વાપસી અંગે પણ ચર્ચા ચાલી રહી છે. જોકે, શમીના ક્રિકેટમાંથી રાજકારણ તરફ વળવા અંગે કોઈ સત્તાવાર સંકેત મળ્યો નથી.
અમરોહા બેઠક સાથે શમીનું કનેક્શન શું?
અમરોહા વિધાનસભા બેઠકમાં સમાજવાદી પાર્ટીના મહબૂબ અલી લાંબા સમયથી ચૂંટાતા આવ્યા છે. તેઓ 2007, 2012, 2017 અને 2022ની ચૂંટણીમાં સતત જીત્યા હતા. શમીનો પરિવાર અમરોહા વિસ્તાર સાથે જોડાયેલો હોવાથી જયંત ચૌધરી સાથેની મુલાકાત બાદ અમરોહાથી ચૂંટણી લડવાની અટકળોને વધુ વેગ મળ્યો છે. જોકે, હાલ શમીને કોઈ પક્ષે ઉમેદવાર જાહેર કર્યો નથી.
હાલ શું છે સત્ય?
હાલમાં એટલું જ સ્પષ્ટ છે કે મોહમ્મદ શમી અને જયંત ચૌધરી વચ્ચે મુલાકાત થઈ છે અને ત્યારબાદ રાજકીય અટકળો શરૂ થઈ છે. શમી 2027ની યુપી વિધાનસભા ચૂંટણી લડશે કે RLDમાં જોડાશે, તેની કોઈ સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી. તેથી સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દાવાઓને હાલમાં અટકળો તરીકે જ જોવામાં આવી રહ્યા છે.








