Yusuf Pathan Land Dispute: તૃણમૂલ કોંગ્રેસ (TMC)માંથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ NDAના સમર્થનમાં આવેલા પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણના વડોદરાની જમીનનો 14 વર્ષ જૂનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. વડોદરાના તાંદલજા વિસ્તારમાં તેમના નિવાસસ્થાન પાસે આવેલી TP-22ના ફાઇનલ પ્લોટ નંબર 90ની કુલ 978 ચોરસ મીટર જમીન ફાળવવાની રાજ્ય સરકાર દ્વારા તૈયારી કરવામાં આવી છે. આશરે ₹20.53 કરોડની કિંમત ધરાવતી આ જમીનમાંથી 478 ચોરસ મીટર જગ્યા વર્તમાન મૂલ્યાંકનના 55 ટકા રકમ વસૂલીને વુડા દ્વારા ફાળવવામાં આવશે, જ્યારે બાકીની 500 ચોરસ મીટર જમીન વડોદરા મહાનગરપાલિકા ભેટ સ્વરૂપે આપવાની તૈયારી કરી રહી છે. આ નિર્ણયને લઈને કોંગ્રેસે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.
અમિત ચાવડાનો ભાજપ સરકાર પર આકરો પ્રહાર
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે યુસુફ પઠાણ NDAના સમર્થનમાં આવ્યા બાદ જાણે તેમના માટે કાયદાઓ બદલાઈ ગયા છે. તેમણે ભાજપ સરકાર પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવ્યો છે. આગામી દિવસોમાં વડોદરા મહાનગરપાલિકાની મળનારી સામાન્ય સભામાં કોંગ્રેસ આ જમીન ફાળવણીનો વિરોધ કરવાની તૈયારી કરી રહી છે. ચાવડાએ જણાવ્યું કે, ભાજપની સરકાર આવ્યા પછી દરેક બાબતમાં બેવડા ધોરણ જોવા મળે છે. ગુજરાતમાં કોઈ સામાન્ય પરિવાર કે BPL પરિવારને 100 ચોરસ ફૂટનો પ્લોટ મેળવવો હોય તો પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અનેક વર્ષો સુધી રાહ જોયા બાદ પણ લોકોને પ્લોટ મળતા નથી. તેમણે વધુમાં કહ્યું કે, કોઈ સામાજિક કાર્યકર્તા રાહત દરે પ્લોટની માગણી કરે તો તેને કાયદા બતાવવામાં આવે છે. શિક્ષણ કે આરોગ્ય માટે સરકારી જમીન પર વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવે છે. પરંતુ સરકાર સાથે ગોઠવણ થઈ જાય તો બધા કાયદા બદલાઈ જાય છે.
'જેની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થવાની હતી, તેને હવે જમીન ભેટમાં મળશે'
અમિત ચાવડાએ યુસુફ પઠાણના જમીન વિવાદનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, વડોદરાના વતની અને જાણીતા ક્રિકેટર યુસુફ પઠાણે વર્ષ 2012માં પોતાના ઘરની બાજુમાં આવેલી સરકારી જમીન રહેણાક હેતુ માટે ફાળવવાની માગણી કરી હતી. તે સમયે પ્રતિ ચોરસ મીટર ₹57,270નો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. જૂન 2012માં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ યુસુફ પઠાણને જમીન ફાળવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. દેશનું નામ રોશન કરનાર જાણીતા ક્રિકેટર હોવાથી આ દરખાસ્ત આગળ વધારવામાં આવી હતી. જોકે, જૂન 2014માં રાજ્ય સરકારે જાહેર હરાજી વિના જમીન ફાળવવાની દરખાસ્તને મંજૂરી આપ્યા વગર પરત મોકલી દીધી હતી. ચાવડાના જણાવ્યા મુજબ, ત્યારબાદ લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. વર્ષ 2024માં યુસુફ પઠાણ TMCમાંથી સાંસદ બન્યા બાદ તેમને જમીન પરથી કથિત દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી. દબાણ દૂર નહીં કરવામાં આવે તો લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. આ નિર્ણય સામે યુસુફ પઠાણે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ત્યારબાદ કેસમાં કાનૂની કાર્યવાહી આગળ વધી હતી. હવે રાજ્ય સરકાર દ્વારા જમીન ફાળવણીની તૈયારી થતાં કોંગ્રેસે રાજકીય પક્ષપાતના આક્ષેપો કર્યા છે.
યુસુફ પઠાણના જમીન વિવાદમાં ક્યારે શું થયું?
3 માર્ચ, 2012: યુસુફ પઠાણે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને પોતાના બંગલાની બાજુમાં આવેલા 978 ચોરસ મીટરના પ્લોટની ફાળવણી માગી હતી. 30 માર્ચ અને 8 જૂન, 2012ના રોજ સભામાં દરખાસ્ત આગળ વધારવામાં આવી હતી. જાહેર હરાજી વિના 99 વર્ષના ભાડાપટ્ટે જમીન ફાળવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
9 જૂન, 2014: રાજ્ય સરકારે જાહેર હરાજી વિના પ્લોટ ફાળવવાની દરખાસ્તને મંજૂરી આપી નહોતી.
6 જૂન, 2024: પાલિકાએ અગાઉની દરખાસ્ત નામંજૂર થઈ હોવાનો ઉલ્લેખ કરીને કથિત દબાણ દૂર કરવા કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. યુસુફ પઠાણે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
21 ઓગસ્ટ, 2025: ગુજરાત હાઈકોર્ટે યુસુફ પઠાણની અરજી ફગાવી દીધી હતી.
4 ફેબ્રુઆરી, 2026: સિંગલ જજના ચુકાદા સામે યુસુફ પઠાણે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચમાં અપીલ દાખલ કરી હતી.
8 જૂન, 2026: હાઈકોર્ટે જમીનની કાયદેસરની ફાળવણી અને રકમની ચૂકવણી વગર સરકારી જમીન પર કબજો કેવી રીતે મેળવાયો તે અંગે સવાલ ઉઠાવ્યા હતા. સાથે જ પાલિકાના અધિકારીઓની ભૂમિકા અંગે પણ સવાલો કર્યા હતા.
15 જૂન, 2026: પઠાણના વકીલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને જમીન ફાળવણી અંગેની રાજ્ય સરકારની નીતિનો આધાર લઈને રજૂઆત કરવા માટે સમય માગ્યો હતો.
18 જૂન, 2026: વડોદરા મહાનગરપાલિકાએ શહેરના સાત પ્લોટની હરાજી માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મૂકી હતી. તેમાં તાંદલજાનો 978 ચોરસ મીટરનો પ્લોટ પણ સામેલ હતો. આ પ્લોટની અંદાજિત અપસેટ વેલ્યૂ પ્રતિ ચોરસ મીટર ₹2.10 લાખ નક્કી કરવામાં આવી હતી, જે મુજબ કુલ કિંમત આશરે ₹20.53 કરોડ થતી હતી.
13 ઓગસ્ટ, 2026: રાજ્યના શહેરી વિકાસ વિભાગે જમીન ભેટમાં આપવા અંગે ઠરાવ કર્યો હતો.
31 ઓગસ્ટ, 2026: યુસુફ પઠાણે હાઈકોર્ટમાંથી પોતાની અપીલ પાછી ખેંચી લીધી હતી.
20 ઓક્ટોબર, 2026: વડોદરા મ્યુનિસિપલ કમિશનરે પ્લોટની ફાળવણી માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મોકલી હતી.
હવે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસ કરશે વિરોધ
યુસુફ પઠાણને 978 ચોરસ મીટર જમીન ફાળવવાની પ્રક્રિયા આગળ વધતાં રાજકીય વિવાદ વકર્યો છે. જમીનનો એક ભાગ વુડા દ્વારા વર્તમાન મૂલ્યાંકનના 55 ટકા ભાવે અને બાકીની 500 ચોરસ મીટર જમીન વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભેટ સ્વરૂપે આપવાની તૈયારી છે. કોંગ્રેસે આ નિર્ણય સામે વિરોધ નોંધાવવાની તૈયારી કરી છે. હવે મહાનગરપાલિકાની આગામી સામાન્ય સભામાં આ મુદ્દે કેવો હોબાળો થાય છે તેના પર સૌની નજર રહેશે.








