Gujarat Power Crisis:ગુજરાત રાજ્યને હંમેશા ‘પાવર સરપ્લસ’ એટલે કે જરૂરિયાત કરતાં વધુ વીજળી ધરાવતું મોડેલ રાજ્ય ગણાવીને મોટા પાયે જાહેરાતો કરવામાં આવતી રહી છે. જોકે, વર્તમાન પરિસ્થિતિ આ દાવાઓથી તદ્દન વિપરીત ચિત્ર રજૂ કરી રહી છે. એક તરફ રાજ્યના સરકારી વીજ મથકોમાં વીજળીનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે, તો બીજી તરફ વધી રહેલી વીજ માંગને પહોંચી વળવા માટે ખાનગી કંપનીઓ પર નિર્ભરતા વધી રહી છે. જો ગુજરાત પાસે પૂરતી ઉત્પાદન ક્ષમતા હાજર છે, તો પછી વારંવાર મોંઘા ભાવે ખાનગી ક્ષેત્ર પાસેથી વીજળી ખરીદવાની નોબત કેમ આવી રહી છે, તે અંગે હવે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
અદાણી પાવર પાસેથી બે વર્ષમાં ₹15,395 કરોડની વીજ ખરીદી
વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ અનુસાર, સરકારે ખાનગી ઉત્પાદકો પાસેથી મોટા પ્રમાણમાં નાણાં ચૂકવીને વીજળી ખરીદવી પડી છે. જેમાં ખાસ કરીને વર્ષ 2024 દરમિયાન અદાણી પાવર પાસેથી 15,492 મિલિયન યુનિટ વીજળી ખરીદવા માટે ₹8,095 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 2025માં 13,223 મિલિયન યુનિટ વીજળી મેળવવા માટે ₹7,300 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. આ રીતે માત્ર બે વર્ષના ગાળામાં અદાણી પાવર પાસેથી કુલ 28,715 મિલિયન યુનિટ વીજળી ખરીદવા પાછળ સરકારી તિજોરીમાંથી ₹15,395 કરોડનો ધુમાડો થયો છે.
વીજ વપરાશ વધ્યો પરંતુ સરકારી ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો
રાજ્યમાં વીજ વપરાશના આંકડા દર્શાવે છે કે વર્ષ 2024માં કુલ વીજ વપરાશ 1,26,698 મિલિયન યુનિટ હતો, જે વધીને વર્ષ 2025માં 1,28,128 મિલિયન યુનિટ પર પહોંચી ગયો હતો. આમ વીજ વપરાશમાં કુલ 1,160 મિલિયન યુનિટનો તીવ્ર વધારો થયો છે. પરંતુ તેની સામે સરકારી વીજ કંપનીઓનું ઉત્પાદન 1,21,776 મિલિયન યુનિટથી ઘટીને 1,19,498 મિલિયન યુનિટ થઈ ગયું, એટલે કે સરકારી વીજ ઉત્પાદનમાં 2,280 મિલિયન યુનિટનો ઘટાડો થયો છે. સરકારી ઉત્પાદન ઘટવાને કારણે આ ખાધ પૂરી કરવા માટે ખાનગી વીજ કંપનીઓ પાસેથી મોંઘા દરે વીજળી ખરીદવી પડી રહી છે.
આગોતરા આયોજનના અભાવે જનતા પર આર્થિક બોજ વધવાની ભીતિ
ઉનાળાની કાળઝાળ ગરમી, કૃષિ ક્ષેત્રે પિયત માટેની જરૂરિયાત, ઔદ્યોગિક વિકાસ અને ઘરેલુ વપરાશ જેવા પરિબળોને કારણે વીજ માંગ વધવી તે સ્વાભાવિક બાબત છે. આ બાબતોથી સરકાર અજાણ હોઈ શકે નહીં, છતાં સરકારી ઉત્પાદન પ્લાન્ટ્સનું ક્ષમતા મુજબ સંચાલન ન થવું તે વહીવટી નિષ્ફળતા દર્શાવે છે. સરકારી પાવર પ્લાન્ટ્સની સ્થાપિત ક્ષમતા, વાસ્તવિક ઉત્પાદન, મેન્ટેનન્સના કારણે બંધ રહેલા સમયગાળા અને ઈંધણની ઉપલબ્ધતા જેવા કારણો જનતા સમક્ષ સ્પષ્ટ થવા જરૂરી છે. સરકારી અને ખાનગી વીજળીના દર વચ્ચેનો તફાવત છેવટે તો પ્રજા પર વીજ દરો અથવા ટેક્સના રૂપમાં ટ્રાન્સફર થાય છે.
ટૂંકા ગાળાના કરારો અને પારદર્શિતા સામે વિપક્ષના તીખા પ્રહારો
સરકાર દ્વારા ઓક્ટોબર માસ માટે 2,999 મેગાવોટ, નવેમ્બર માટે 1,740 મેગાવોટ અને ડિસેમ્બર માટે 1,335 મેગાવોટના ટૂંકા ગાળાના વીજ કરારોની જાહેરાત કરવામાં આવી છે. આ કરારો અંગે કોંગ્રેસ દ્વારા પારદર્શિતાની માંગ કરવામાં આવી છે. વિપક્ષનું કહેવું છે કે સરકારે માત્ર કેટલી મેગાવોટ વીજળી ખરીદાશે તે જણાવવાને બદલે કઈ ખાનગી કંપની પાસેથી કયા દરે વીજળી ખરીદાશે, પ્રતિ યુનિટ વેરીએબલ અને ફિક્સ્ડ ચાર્જ કેટલો હશે અને કુલ નાણાકીય જવાબદારી કેટલી બનશે તેની તમામ વિગતો જાહેર કરવી જોઈએ. યોગ્ય નીતિ અને આયોજન વગર કરાતી આવી ખરીદી રાજ્યના આર્થિક હિતો માટે નુકસાનકારક સાબિત થઈ રહી છે.








