Shankaracharya Sadanand Saraswati: દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ અમદાવાદ સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં સનાતન ધર્મ અને દેવી-દેવતાઓની ઉપાસના અંગે મહત્ત્વપૂર્ણ અને સ્પષ્ટ નિવેદન આપ્યું છે. કોઈનું પણ નામ લીધા વિના તેમણે આડકતરી રીતે આકરા પ્રહારો કર્યા હતા અને લોકોને બનાવટી કે નકલી દેવી-દેવતાઓને ભગવાન માનીને પૂજવાનું ટાળવા અપીલ કરી હતી. આ સાથે જ તેમણે આવા દેવી-દેવતાઓને મુંબઈના બોલિવૂડે ઊભા કર્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.
પૂર્વજોની પરંપરા અને શાસ્ત્રોક્ત ઉપાસના પર ભાર
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ હિંદુ સમાજને મૂળ સનાતન પરંપરા સાથે જોડાયેલા રહેવાનો સંદેશ આપતા જણાવ્યું હતું કે, 'દરેક સનાતન ધર્માવલંબી પંચદેવો અને શિવ-શક્તિની ઉપાસના કરે છે, તેથી દરેક વ્યક્તિને પોતાના મૂળ ધર્મ અને પરંપરાનું સાચું જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે. આપણા પિતા, દાદા, નાના અને અગાઉની પેઢીઓ જે દેવી-દેવતાઓની પૂજા કરતા આવ્યા છે, તેમની જ ઉપાસના કરવી જોઈએ. શાસ્ત્રો અને પુરાણોમાં જેનો ઉલ્લેખ નથી, તેવા બનાવટી કે નકલી દેવી-દેવતાઓની પૂજા કરવાની કોઈ જરૂર નથી. આ બધું સિનેમાવાળાઓએ બનાવી દીધા છે. જે મુંબઈવાળા ઊભા કરી દે છે, તે આપણા ભગવાન નથી. આમાં આપણી મૂળ પરંપરાઓ ખતમ થઈ રહી છે.'
નવા લખાણોને ગણાવ્યા 'દૂધમાં પાણી ભેળવવા' સમાન
ગંગા નદીની મૂળ ધારાનું ઉદાહરણ આપતા શંકરાચાર્યજીએ કહ્યું હતું કે, 'જેમ ગંગા નદી ગંગાસાગરમાં મળે છે અને તેમાં ગમે ત્યાં સ્નાન કરવાથી પુણ્ય મળે છે, તેમ આમતેમ ભટક્યા વિના મૂળ ધારા અને મૂળ ધર્મગ્રંથોને જ વળગી રહેવું જોઈએ. શ્રીમદ્ ભગવદ્ ગીતા, રામાયણ, અઢાર પુરાણ અને ચાર વેદ સિવાયના નવા-નવા લખાણોમાં 'દૂધમાં પાણી ભેળવવા' જેવી પ્રવૃત્તિ થઈ રહી છે, જેનાથી ભવિષ્યમાં સાવચેત રહેવાની જરૂર છે.'
શંકરાચાર્યજીએ સ્પષ્ટ કરી 'સાચા હિંદુ'ની વ્યાખ્યા
સંબોધનના અંતે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ 'હિંદુ' અને 'સનાતન ધર્માવલંબી'ના લક્ષણો વર્ણવતા જણાવ્યું હતું કે, "જે પંચદેવની ઉપાસના કરે, ધર્મશાસ્ત્રોને માને, દ્વારકાધીશ, ચારેય ધામ, નવદુર્ગા, દસ મહાવિદ્યા, ઉમિયા માતા, અંબાજી, આશાપુરા, પોતાના કુળદેવી-કુળદેવતા અને સોમનાથ દાદાને માને, તે જ સાચો હિંદુ છે અને આ જ હિંદુત્વના સાચા લક્ષણો છે."








