Ahmedabad News: અમદાવાદ શહેરમાં રસ્તા બન્યાના ગણતરીના દિવસોમાં જ પાણી કે ડ્રેનેજની લાઈનો નાખવા માટે થતા ખોદકામથી હવે શહેરના નાગરિકોને મુક્તિ મળશે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ શહેરના માર્ગોને વધુ મજબૂત, ટકાઉ અને સુઆયોજિત બનાવવા માટે એક નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી છે. આ નવી પદ્ધતિ મુજબ, હવેથી શહેરના તમામ ઝોનમાં રસ્તા બનાવવાની કામગીરીમાં એકસૂત્રતા લાવવામાં આવશે અને વારંવાર રસ્તા ખોદવાની જરૂર ન પડે તે રીતે આયોજન કરવામાં આવશે.
સર્વિસ લાઈનો હવે ફૂટપાથ નીચે જશે
નવી SOP મુજબ, મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટ સૂચના આપી છે કે હવે કોઈપણ વિસ્તારમાં હયાત કાચા રસ્તા કે ટીપીના રસ્તાને પાકા બનાવતા પહેલા પાણી, ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનોનું આગોતરું આયોજન કરવાનું રહેશે. સૌથી મહત્વનો ફેરફાર એ છે કે, આ તમામ સર્વિસ લાઈનો હવે મુખ્ય રસ્તા (કેરેજ વે) ને બદલે મહદઅંશે ફૂટપાથના નીચેના ભાગમાં નાખવાની રહેશે. આ પદ્ધતિથી ભવિષ્યમાં જો કોઈ લાઈનમાં લીકેજ કે ફોલ્ટ સર્જાય, તો આખો ડામરનો રસ્તો ખોદવાને બદલે માત્ર ફૂટપાથના બ્લોક હટાવીને રિપેરિંગ કામ કરી શકાશે, જેનાથી રસ્તાની ગુણવત્તા જળવાઈ રહેશે.
36 મીટરના રસ્તાઓ પર 'યુટિલિટી ડક્ટ' ફરજિયાત
શહેરમાં પ્રાઇવેટ એજન્સીઓ દ્વારા કેબલ નાખવા માટે થતા આડેધડ ખોદકામને રોકવા માટે કમિશનરે કડક વલણ અપનાવ્યું છે. હવેથી 36 મીટર કે તેથી વધુ પહોળાઈ ધરાવતા ટીપી રસ્તાઓ, રીસરફેસ થતા માર્ગો કે નવા બનતા રસ્તાઓમાં 'યુટિલિટી ડક્ટ' (ખાસ પાઈપ લાઈન માર્ગ)નું પ્રોવિઝન રાખવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જે એજન્સીઓએ કેબલ નાખવા હશે તેમણે આ ડક્ટનો જ ઉપયોગ કરવાનો રહેશે અને તે માટે નિયમ મુજબના ચાર્જ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરાવવાના રહેશે. આ નિર્ણયથી ટેલિકોમ અને ઇલેક્ટ્રિક કંપનીઓ દ્વારા વારંવાર થતા ખોદકામ પર લગામ લાગશે.
ટેન્ડર પ્રક્રિયામાં ઝડપ અને કન્ડીશનલ એસેસમેન્ટ
રસ્તાઓની કામગીરીમાં થતા વિલંબને ટાળવા માટે અધિકારીઓને અંદાજો ઝડપથી તૈયાર કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા આદેશ અપાયા છે. પેવમેન્ટ કે ડામરના રસ્તા બનાવતા પહેલા જે-તે વિસ્તારની હયાત યુટિલિટીનું 'કન્ડીશનલ એસેસમેન્ટ' (સ્થિતિનું નિરીક્ષણ) કરવામાં આવશે, જેથી રસ્તો બન્યા પછી લાઈન તૂટવાની શક્યતા ન રહે. કમિશનરે ભારપૂર્વક જણાવ્યું છે કે રસ્તાની 'ક્રસ્ટ ડિઝાઈન' મજબૂત હોવી જોઈએ જેથી ભારે વરસાદ કે ટ્રાફિકમાં પણ રસ્તાઓ લાંબો સમય ટકી શકે.
તાત્કાલિક અસરથી અમલની સૂચના
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના તમામ ઝોન અને એન્જિનિયરિંગ વિભાગને આ નવી કાર્યપદ્ધતિનો તાત્કાલિક અસરથી અમલ કરવા તાકીદ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરના આ નિર્ણયથી શહેરના વિકાસમાં આધુનિક અભિગમ જોવા મળશે અને કરોડો રૂપિયાના ખર્ચે બનતા રસ્તાઓ પર પ્રજાના ટેક્સના પૈસાનો બગાડ અટકશે.








