Ahmedabad Police Auction: અમદાવાદ શહેર પોલીસ દ્વારા કાયદાકીય પ્રક્રિયામાં એક નવો અને આવકારદાયક ચીલો ચાતરવામાં આવ્યો છે. શહેરના વાસણા પોલીસ સ્ટેશન ખાતે વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા અને હાલ કોર્ટમાં પેન્ડિંગ (અંડર ટ્રાયલ) હોય તેવા વાહનોની પ્રથમ વખત જાહેર હરાજી કરવામાં આવી છે. સમગ્ર અમદાવાદ શહેરના અન્ય પોલીસ સ્ટેશનોની સરખામણીએ આ પ્રકારની કામગીરી પ્રથમવાર હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ખૂબ જ શાંતિપૂર્ણ અને પારદર્શક માહોલમાં યોજાયેલી આ હરાજી પ્રક્રિયામાં કુલ 27 વાહનોનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેના થકી ₹2 લાખ 41 હજાર જેટલી માતબર રકમ ઉપજી છે.
વાહનોને ભંગાર બનતા અટકાવવા મેજિસ્ટ્રેટની મંજૂરીથી લેવાયો નિર્ણય
સામાન્ય રીતે કોઈ પણ ગુનાહિત કેસમાં પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા વાહનનો અંતિમ નિર્ણય જે-તે કેસની કોર્ટ ટ્રાયલ પૂર્ણ થયા બાદ જ લેવામાં આવતો હોય છે. પરંતુ અનેક વખત કાયદાકીય પ્રક્રિયા અને કેસની સુનાવણી 10 થી 12 વર્ષ જેટલા લાંબા સમય સુધી ચાલતી રહે છે. આ દરમિયાન પોલીસ સ્ટેશનના પરિસરમાં ખુલ્લામાં તડકો, વરસાદ અને ધૂળ ખાઈને આ વાહનો સાવ ભંગાર હાલતમાં ફેરવાઈ જતા હોય છે. વાહનો થઈ જવાથી તેની બજાર કિંમત શૂન્ય થઈ જાય છે, જેના કારણે અંતે વાહન માલિક કે સંબંધિત પક્ષને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની ખાસ મંજૂરી મેળવીને આ અંડર ટ્રાયલ વાહનોની વહેલી હરાજી કરવાનો નિર્ણય લેવાયો હતો.
હરાજીમાં ઉપજેલી રકમનું શું થશે? જાણો કાયદાકીય પ્રક્રિયા
વાસણા પોલીસ સ્ટેશનમાં યોજાયેલી આ હરાજીમાં 27 વાહનોના વેચાણથી જે ₹2.41 લાખની આવક થઈ છે, તે રકમને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. નિયમ મુજબ, આ સમગ્ર રકમ હાલ સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવશે. ત્યારબાદ ભવિષ્યમાં જ્યારે જે-તે વાહનને લગતા કેસની ટ્રાયલ કોર્ટમાં પૂર્ણ થશે, ત્યારે નામદાર કોર્ટ દ્વારા જે આખરી હુકમ કરવામાં આવશે તે મુજબ કાર્યવાહી થશે. કોર્ટના આદેશ અનુસાર, આરોપી અથવા વાહનના જે-તે સાચા હકદાર વ્યક્તિને હરાજીમાં ઉપજેલી વાહનની રકમ પરત ચૂકવી આપવામાં આવશે.
પોલીસ સ્ટેશનોમાં જગ્યાનો બચાવ અને લોકોને સીધો ફાયદો
પોલીસની આ નવી પહેલથી બેવડો ફાયદો થવાની પૂરી શક્યતા છે. એક તરફ, વર્ષો સુધી કેસ ચાલવાને કારણે વાહનો ભંગાર બની જતા અટકશે અને વાહનના મૂળ માલિક કે હકદારને કેસ પૂરો થયા બાદ ભંગારના બદલે વાહનની યોગ્ય કિંમત રોકડ સ્વરૂપે મળી શકશે. બીજી તરફ, પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં વર્ષોથી ખડકાયેલા જૂના અને બિનવારસી જેવા લાગતા વાહનોનો ઢગલો ઓછો થવાથી પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતા જળવાશે અને જગ્યાનો પણ સદુપયોગ થઈ શકશે. વાસણા પોલીસનો આ સફળ પ્રયોગ આગામી સમયમાં શહેરના અન્ય પોલીસ સ્ટેશનો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.








