Elephant Madhuri Return to Kolhapur: મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં 'મહાદેવી' તરીકે ઓળખાતી માધુરી હાથણીની કસ્ટડીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હાઈ-પાવર્ડ કમિટી (HPC)એ મોટો આદેશ આપ્યો છે. ગુજરાતના જામનગર સ્થિત વનતારા કેર સેન્ટરે સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે સમિતિના આદેશનું પાલન કરતાં માધુરીને કડક શરતો હેઠળ કોલ્હાપુર પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
સારવાર માટે માધુરીને વનતારા લાવવામાં આવી હતી
માધુરી હાથણીને કોલ્હાપુરથી ગુજરાત લાવવામાં આવ્યા બાદ મહારાષ્ટ્રમાં વિરોધ અને ભાવનાત્મક પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. હવે HPCએ 09 સપ્ટેમ્બર 2026ના આદેશમાં નિર્ધારિત નિયમો અને સુરક્ષા માપદંડો હેઠળ તેને કોલ્હાપુરના નંદણી મઠ પરત લઈ જવાની મંજૂરી આપી છે.
અમે માધુરીની કસ્ટડી માંગી નહોતી: વનતારા
વનતારાએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે માધુરી 30 જુલાઈ 2025ના રોજ હાઈ-પાવર્ડ કમિટીના આદેશ હેઠળ જામનગર પહોંચી હતી. આ નિર્ણયને બોમ્બે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ કાયદેસર ગણાવ્યો હતો. વનતારાના જણાવ્યા અનુસાર, સંસ્થાએ ક્યારેય માધુરીની માલિકી કે કસ્ટડી માંગી નહોતી, પરંતુ કાનૂની નિર્દેશના આધારે તેની દેખભાળ અને સારવાર કરવામાં આવી હતી.
2025માં જ તંત્રના આદેશોનું પાલન કરવાની વાત કહી હતી
વનતારાએ જણાવ્યું કે મહારાષ્ટ્ર સરકાર, સ્થાનિક અધિકારીઓ અને સંબંધિત હિતધારકો સાથે ચર્ચા બાદ 06 ઓગસ્ટ 2025ના રોજ જ સંસ્થાએ સ્થાનિક લાગણીઓનું સન્માન કરવાની અને સક્ષમ તંત્રના આદેશનું પાલન કરવાની વાત કરી હતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ પક્ષકારોની દલીલો સાંભળીને, નિરીક્ષણ અહેવાલોની સમીક્ષા કરીને અને નંદણી મઠની સુવિધાઓનું મૂલ્યાંકન કર્યા બાદ HPCએ 09 સપ્ટેમ્બર 2026ના રોજ માધુરીને શરતી મંજૂરી આપી છે.
માધુરીને પરત લઈ જવા માટે આ કડક શરતો
HPCના આદેશ મુજબ માધુરીનો કોઈપણ ધાર્મિક સરઘસ કે અન્ય જાહેર પ્રવૃત્તિમાં ઉપયોગ કરી શકાશે નહીં. નંદણી મઠ ખાતે 24 કલાક યોગ્ય દેખરેખ અને જરૂરી સહાયક વ્યવસ્થા જાળવવી પડશે. ઉપરાંત, દર 15 દિવસે માધુરીનું સંપૂર્ણ તબીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત રહેશે.
વનતારાના ડોક્ટર્સ દર 15 દિવસે કરશે તપાસ
વનતારાએ જણાવ્યું કે લાંબા સમયની વેટરનરી સારવાર બાદ માધુરીની સ્થિતિ સ્થિર થઈ છે, પરંતુ તેની જૂની અને ગંભીર ક્રોનિક બીમારીઓ હજુ પણ છે. તેને ભવિષ્યમાં પણ સતત દવાઓ અને મોનિટરિંગની જરૂર પડશે. માધુરીના કોલ્હાપુર પરત ફરવાથી વનતારાની જવાબદારી પૂરી થતી નથી. ટ્રાન્ઝિશન સરળ બને તે માટે જરૂરી વેટરનરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેડિકલ સાધનો અને દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મદદ કરવામાં આવી છે. HPCના આદેશ મુજબ વનતારાની ટીમ દર 15 દિવસે કોલ્હાપુર જઈને માધુરીની મેડિકલ તપાસ કરશે અને સક્ષમ સત્તાવાળાઓને રિપોર્ટ સોંપશે.
નંદણી મઠમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ મદદ કરશે વનતારા
માધુરી જે પરિસરમાં પરત ફરી રહી છે, ત્યાં નંદણી મઠ ખાતે હાલની જગ્યામાં જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, ટ્રસ્ટની જમીનમાંથી જાહેર રસ્તો પસાર થતો હોવાથી ટાઉન પ્લાનિંગના નિયમો મુજબ મોટા પાયે બાંધકામ અથવા વિસ્તરણ શક્ય બન્યું નથી. વનતારાએ કહ્યું છે કે માધુરી ત્યાં સ્થિર થયા બાદ પરિસરના અપગ્રેડેશન માટે મઠને સહાય આપવા તૈયાર છે. સાથે જ અદાલત અથવા સક્ષમ સત્તા તરફથી જે આદેશ આપવામાં આવશે તેનું પણ પાલન કરવામાં આવશે. વનતારાએ પુનરોચ્ચાર કર્યો છે કે માધુરીનું સ્વાસ્થ્ય અને કલ્યાણ તેની પ્રથમ પ્રાથમિકતા છે. તે ક્યાં રહે છે તેના કરતાં તેની યોગ્ય સારવાર, સુરક્ષા અને ગરિમા જળવાય તે સૌથી વધુ મહત્વનું છે.








