Vadodara schools received bomb threat: અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ બોમ્બની ધમકીથી ચકચાર મચી છે. શહેરની ત્રણ પ્રખ્યાત શાળાઓને ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને તરત જ રજા આપી શાળાઓ ખાલી કરાવવામાં આવી છે.
ધમકી મળેલી શાળાઓ
- ઉર્મિ સ્કૂલ
- ડી.આર. અમીન સ્કૂલ
- નાલંદા સ્કૂલ
શાળા સંચાલકોના જણાવ્યા મુજબ, ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા બાદ કોઈ જોખમ ન લેવાય તે માટે વિદ્યાર્થીઓને તાત્કાલિક ઘરે મોકલી દેવાયા હતા. ખાસ કરીને ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ સુરક્ષા દૃષ્ટિએ ખાલી કરાવવામાં આવી છે.
પોલીસ અને તંત્રની કાર્યવાહી
બોમ્બની ધમકીની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. શાળા પરિસરોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક દૃષ્ટિએ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, પરંતુ સાવચેતીરૂપે ચેકિંગ ચાલુ રાખવામાં આવ્યું છે. પોલીસે ઈ-મેઈલનો સોર્સ ટ્રેસ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. સાયબર ક્રાઈમ સેલને પણ તપાસમાં જોડવામાં આવી છે.
અગાઉ પણ મળી હતી ધમકી
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર મહિનામાં વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી જિલ્લા કલેક્ટર કચેરીને પણ એક નનામા ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તે સમયે પણ સાવચેતીના પગલા તરીકે કચેરી ખાલી કરાવી દેવામાં આવી હતી અને સઘન તપાસ હાથ ધરાઈ હતી.
સુરક્ષા વ્યવસ્થા કડક
તાજેતરમાં શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવી ધમકીભર્યા ઈ-મેઈલ મળવાના બનાવોને પગલે સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવામાં આવી રહી છે. તંત્ર દ્વારા વાલીઓને ગભરાવું નહીં અને સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે. હાલ પોલીસ તપાસ ચાલુ છે અને ધમકી આપનારની ઓળખ માટે ટેક્નિકલ અને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.








