Vadodara road closures: વડોદરા શહેરમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ અને ડ્રેનેજ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં નવી વરસાદી ગટર તેમજ ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ વિકાસાત્મક કામગીરીના કારણે શહેરના ચાર મુખ્ય વિસ્તારોમાં કેટલાક રસ્તાઓ તાત્કાલિક રીતે બંધ કરવામાં આવ્યા છે અને ત્યાં વાહનવ્યવહાર માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ નગરજનોને આ સમયગાળા દરમિયાન જાહેર કરાયેલા ડાયવર્ઝનનો ઉપયોગ કરવા અપીલ કરી છે.
ગટરમાં પડી જવાથી એક વ્યક્તિનું દુઃખદ અવસાન
મહત્વપૂર્ણ વાત એ છે કે, તાજેતરમાં ગટરમાં પડી જવાથી એક વ્યક્તિનું દુઃખદ અવસાન થયું હતું. આ ઘટનાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ ચાલી રહેલી કામગીરી દરમિયાન સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપી છે. તેથી, કામ ચાલી રહ્યું હોય તેવા વિસ્તારોમાં લોકોનો પ્રવેશ પ્રતિબંધિત રાખવામાં આવ્યો છે અને નગરજનોને સુરક્ષિત અંતર જાળવીને ચાલવા તથા વાહન ચલાવવા સૂચના આપવામાં આવી છે.
આ માર્ગ રહેશે બંધ
વાઘોડિયા ચોકડી વિસ્તારમાં નવી વરસાદી ગટર નાખવાની કામગીરી શરૂ થવાના કારણે તારીખ 3થી આગામી દસ દિવસ સુધી તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે માર્ગ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત ગોલ્ડન ચોકડી, આજવા ચોકડી અને કપુરાઈ ચોકડી ખાતે પણ તબક્કાવાર રીતે આ કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી ત્યાં પણ સમયાંતરે માર્ગ વ્યવસ્થામાં ફેરફાર જોવા મળી શકે છે. તેમજ એસ.ડબલ્યુ.સી સર્કલથી ભાયલી ગામ થઈ લલિતા પાર્ટી પ્લોટ તરફ જતો માર્ગ પણ ડ્રેનેજ લાઈનના કામને કારણે અસરગ્રસ્ત બન્યો છે. ભાયલી સ્મશાનથી ભાયલી ગામ થઈ લલિતા પાર્ટી પ્લોટ અને ભાયલી સ્ટેશન રોડ પર સોલાસીસ-2 સુધીનો એક તરફનો માર્ગ અસ્થાયી રીતે બંધ રાખવામાં આવ્યો છે.
વાસણા રોડ વિસ્તારમાં પણ લગાવાશે નવી ડ્રેનેજ લાઈન
વાસણા રોડ વિસ્તારમાં પણ નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. રાણેશ્વર મંદિરથી મનીષા સર્કલ સુધીના ભાગમાં કામને કારણે મનીષા સર્કલથી રાણેશ્વર મંદિર ચાર રસ્તા તરફ આદિત્ય કોમ્પ્લેક્સ સુધીનો એક તરફનો માર્ગ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તમામ પ્રકારના વાહનો માટે માર્ગ બંધ
આ ઉપરાંત નટુભાઈ સર્કલથી પસાભાઈ પાર્ક થઈ ચકલી સર્કલ સુધી ડ્રેનેજ લાઈનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જેના કારણે ચકલી સર્કલથી પસાભાઈ પાર્ક થઈ નટુભાઈ સર્કલ નજીક આવેલા રિલાયન્સ મોલ સુધીનો એક તરફનો માર્ગ જરૂરિયાત મુજબ તમામ પ્રકારના વાહનો માટે કામ પૂર્ણ થાય ત્યાં સુધી બંધ રહેશે.
નગરજનોને પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ ન કરવા વિનંતી
મહાનગરપાલિકાએ સ્પષ્ટ જણાવ્યું છે કે, આ કામગીરી ઘણી ઊંડાઈમાં થતી હોવાથી જોખમની સંભાવના રહે છે. તેથી નગરજનોને પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ ન કરવા, કામદારો સાથે સહકાર રાખવા અને પોતાની સલામતી માટે જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગોનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.








