Man jumps off 4th floor: વડોદરાની સયાજી હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં માનસિક અસ્વસ્થતા અનુભવતા 21 વર્ષીય યુવકે હોસ્પિટલના ચોથા માળેથી કૂદીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, નીચે પડતી વખતે યુવક ત્યાં ઊભેલા એમ્બ્યુલન્સ ચાલક પર પડ્યો હતો, જેના કારણે બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવકના પગમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે એમ્બ્યુલન્સ ચાલકના કમરના મણકાને ગંભીર નુકસાન પહોંચ્યું છે. ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને બંનેને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
ઘરે બ્લેડ વડે હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના કિશનવાડી વિસ્તારમાં આવેલા શાસ્ત્રીનગરમાં રહેતા હિતેશ રોહિતે એક જ દિવસમાં બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હિતેશની ઉંમર 21 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ, તેણે સવારે પોતાના ઘરે બ્લેડ વડે હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તે લોહીલુહાણ થઈ ગયો હતો. ત્યારબાદ તેની પત્ની અને પરિવારજનો તેને સારવાર માટે સયાજી હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લઈ આવ્યા હતા. ત્યાં તબીબી સ્ટાફ દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી હતી.
ઇમરજન્સી વિભાગમાંથી બહાર નીકળી ગયો
સારવાર દરમિયાન પરિવારજનો અને મેડિકલ સ્ટાફની નજર ચૂકવીને હિતેશ અચાનક ઇમરજન્સી વિભાગમાંથી બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ તે દાદર ચડીને હોસ્પિટલના બિલ્ડિંગના ચોથા માળે પહોંચી ગયો હતો અને ત્યાંથી નીચે કૂદકો માર્યો હતો. તે સમયે નીચે ઊભેલા એમ્બ્યુલન્સ ચાલક પ્રિતેશ પર યુવક પડતાં બંનેને ઈજાઓ પહોંચી હતી. હિતેશના પગમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી, જ્યારે એમ્બ્યુલન્સ ચાલક પ્રિતેશના કમરના મણકાને ગંભીર ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. બંનેની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હિતેશ પરિણીત છે
ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસ મથકની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી હતી. પોલીસ યુવકે એક જ દિવસમાં બે વખત આવું પગલું શા માટે ભર્યું તે જાણવા પ્રયાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હિતેશ પરિણીત છે અને તેને એક પુત્રી પણ છે. તે હાલમાં કોઈ કામધંધો કરતો ન હોવાનું પણ સામે આવ્યું છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસથી તેની માનસિક સ્થિતિ સામાન્ય નહોતી અને તે વારંવાર કહેતો હતો કે તેને બે-ત્રણ વ્યક્તિઓ દેખાય છે અને તે ઘરે આવવા માગતો નથી.
ઝઘડો કે કંકાસ થયો હોવાનું સામે આવ્યું નથી
પ્રાથમિક માહિતી પ્રમાણે, પરિવારમાં કોઈ ઝઘડો કે કંકાસ થયો હોવાનું સામે આવ્યું નથી. જોકે, યુવકની માનસિક સ્થિતિમાં આવેલા ફેરફાર અને તેણે લીધેલા પગલાં પાછળનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. પોલીસે સમગ્ર ઘટનાની નોંધ લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં યુવકની સાથે કોઈ સંબંધ ન ધરાવતા એમ્બ્યુલન્સ ચાલકને પણ ગંભીર ઈજા પહોંચતાં હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિવારજનોની સુરક્ષા સાથે આવી પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ કેવી રીતે પહોંચાડવી તે મુદ્દો પણ મહત્ત્વનો બન્યો છે.








