Vadodara News: વડોદરા શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ગેરકાયદે ખાદ્ય ઉત્પાદન એકમો સામે વડોદરા મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી છે. મંગળવારે મનપાની ખોરાક શાખા અને દબાણ શાખા દ્વારા સંયુક્ત રીતે મોટી ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ખોડિયારનગર વિસ્તારના બ્રહ્માનગર અને ક્રિષ્નાનગરમાં ગેરકાયદે રીતે ચાલતા પાણીપુરીના ઉત્પાદન એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મનપાની ટીમ અને બુલડોઝર પહોંચતાં જ વિસ્તારમાં ભારે હડકંપ મચી ગયો હતો.
ગંદકી વચ્ચે તૈયાર થતી હતી પાણીપુરી
મનપાની તપાસ દરમિયાન પાણીપુરી બનાવતા એકમોમાં અત્યંત ગંદકી જોવા મળી હતી. મચ્છરોનો ઉપદ્રવ, ગંદકી અને અસ્વચ્છ વાતાવરણ વચ્ચે ખાદ્ય પદાર્થો તૈયાર કરવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું. ખોરાક શાખાના અધિકારીઓએ સ્થળ પર પહોંચી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતાની તપાસ કરી હતી. અસ્વચ્છ પરિસ્થિતિ જોઈ અધિકારીઓએ પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
ભાડા કરાર અને જરૂરી દસ્તાવેજો પણ નહોતા
તપાસ દરમિયાન સામે આવ્યું કે આ એકમોના સંચાલકો અથવા ત્યાં કામ કરતા કામદારો પાસે ભાડા કરાર સહિતના મકાન-દુકાનના આધારભૂત દસ્તાવેજો ઉપલબ્ધ નહોતા. જરૂરી દસ્તાવેજો અને ઓળખના પુરાવાના અભાવે નિયમો મુજબ ફૂડ લાયસન્સ મેળવવું પણ શક્ય ન હોવાનું મનપાની તપાસમાં સામે આવ્યું હતું.
40 જેટલી ભઠ્ઠીઓ અને ગેરકાયદે શેડ તોડી પાડ્યા
કોઈપણ પ્રકારની સરકારી મંજૂરી કે કાયદેસર પરવાનગી વિના ચાલતા એકમો સામે દબાણ શાખાએ કડક કાર્યવાહી કરી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી કાર્યવાહીમાં આશરે 40 જેટલી પાણીપુરી બનાવવાની ભઠ્ઠીઓ અને ગેરકાયદે શેડ્સ તોડી પાડવામાં આવ્યા હતા. મનપાની અચાનક કાર્યવાહીને પગલે ગેરકાયદે રીતે ધંધો ચલાવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
અન્ય ગેરકાયદે એકમો સામે પણ કાર્યવાહી થશે
મનપા તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ અથવા ગેરકાયદેસર રીતે ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આગામી દિવસોમાં પણ શહેરમાં આવા અન્ય ગેરકાયદે ખાદ્ય ઉત્પાદન એકમોની તપાસ કરવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો સામે જરૂરી કાર્યવાહી હાથ ધરાશે.








