Vadodara News: વડોદરાના ન્યાય મંદિર વિસ્તારમાં આવેલી ગીતા હોટલમાં ભાવનગરથી આવેલા 25 વર્ષીય યુવકનું મોત થતાં ચકચાર મચી ગઈ છે. હેમલ ડાભી 24 સપ્ટેમ્બરે સાંજે આશરે 4 વાગ્યે વડોદરા આવ્યો હતો અને ન્યાય મંદિર પાસે આવેલી હોટલમાં રૂમ નંબર 306 ભાડે રાખ્યો હતો. રાત્રે તેણે બહારથી મંચુરિયન મંગાવીને ભોજન લીધું હતું. ત્યારબાદ તે પોતાના રૂમમાં ગયો હતો.
રાત્રે ત્રીજા માળેથી નીચે પટકાયો
મળતી પ્રાથમિક માહિતી મુજબ, રાત્રે આશરે 2 વાગ્યાના અરસામાં હેમલ હોટલના ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરતાં હેમલનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું.
સુસાઈડ નોટ મળી હોવાનો દાવો
બનાવની જાણ થતાં સીટી પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આપેલી માહિતી મુજબ, હેમલે લખેલી સુસાઈડ નોટમાં તે માનસિક રીતે કંટાળી ગયો હોવાનું જણાવ્યું હતું. જોકે, આ અંગેના અન્ય સંજોગોની પોલીસ તપાસ ચાલુ છે.
પરિવારને જાણ કર્યા વગર વડોદરા આવ્યો હતો
પ્રાથમિક માહિતી મુજબ હેમલ એક કંપનીમાં ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરતો હતો. તે પરિવારને જાણ કર્યા વગર ભાવનગરથી વડોદરા આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. હેમલ પરિવારનો એકનો એક દીકરો હતો. એકના એક પુત્રને ગુમાવતા પરિવારજનો આઘાતમાં છે.
મોબાઈલ ફોન સ્વીચ ઓફ મળ્યો
હેમલનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ હાલતમાં મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મોબાઈલ ફોનની તપાસ શરૂ કરી છે. કોલ હિસ્ટ્રી, મેસેજ સહિતની અન્ય વિગતોના આધારે હેમલ વડોદરા કયા સંજોગોમાં આવ્યો હતો અને ઘટનાની પાછળની પરિસ્થિતિ શું હતી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.








