Vadodara fuel theft news: વડોદરા જિલ્લાના રણોલી વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા એક મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે. પેટ્રોલ અને ડીઝલની ચોરીના મોટા રેકેટનો પર્દાફાસ કરતા પોલીસે ચાર શખ્સોને ઝડપી લીધા છે. તપાસ દરમિયાન આશરે 20,000 લીટર પેટ્રોલ-ડીઝલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. 18.48 લાખ જેટલી થાય છે.
લાખોનો મુદ્દામાલ જપ્ત
SMCની ટીમે સ્થળ પરથી એક ટેન્કર સહિત કુલ રૂ. 25.45 લાખનો મુદ્દામાલ જપ્ત પણ કર્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ચોરાયેલું પેટ્રોલ-ડીઝલ વિવિધ સ્થળોએ ગેરકાયદેસર રીતે વેચાણ માટે લઈ જવાતું હતું. પોલીસે જણાવ્યું કે, ચોરી કરાયેલા ઈંધણનો સ્ત્રોત તથા તેની વિતરણ સાંકળને લઈને વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે. ધરપકડ કરાયેલા શખ્સો પાસેથી વધુ માહિતી મેળવવા માટે પૂછપરછ ચાલુ છે અને સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે.
ગેરકાયદેસર કારોબાર પર કડક નજર
સ્થાનિક લોકોમાં આ કાર્યવાહી બાદ રાહતનો માહોલ છે. પેટ્રોલ-ડીઝલ જેવી અગત્યની વસ્તુની ચોરીથી માત્ર આર્થિક જ નહીં, પણ સામાજિક સુરક્ષાનું પણ જોખમ ઊભું થતું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આવનારા દિવસોમાં આવા ગેરકાયદેસર કારોબાર પર કડક નજર રાખવામાં આવશે અને કાયદેસર કાર્યવાહી વધુ તીવ્ર બનાવવામાં આવશે.








