Digital Arrest Fraud Vadodara IPS Family: વડોદરા શહેરમાં સાયબર ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સાયબર ઠગોએ પૂર્વ IPS અધિકારીના પરિવારને નિશાન બનાવ્યો છે. મની લોન્ડરિંગ અને ગેરકાયદેસર ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનમાં ફસાવી દેવાની ધમકી આપીને ગઠિયાઓએ સ્વર્ગસ્થ IPS અધિકારીના વૃદ્ધ પત્ની અને પુત્રને 13 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ રાખ્યા હતા. આ દરમિયાન માનસિક દબાણ ઊભું કરીને પરિવાર પાસેથી જુદ- જુદા બેંક એકાઉન્ટમાંથી કૂલ 1.53 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી.
મુંબઈ પોલીસ અને ક્રેડિટ કાર્ડના નામે વીડિયો કોલ
પોલીસ ફરિયાદ મુજબ ગત 31 જુલાઈના રોજ પરિવારની વૃદ્ધ માતાને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે જણાવ્યું હતું કે, તેમના સ્વર્ગસ્થ પતિના નામે મુંબઈથી ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ થયું છે અને તેમાંથી 1 લાખ રૂપિયાનું શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયું છે. ત્યારબાદ પોલીસ યુનિફોર્મ પહેરેલી એક વ્યક્તિએ વીડિયો કોલ કરી પોતાને મુંબઈ પોલીસનો સબ-ઈન્સ્પેક્ટર ગણાવ્યો હતો.
કરોડોના મની લોન્ડરિંગનો ભય અને સતત કેમેરો ચાલુ રખાવ્યો
ઠગોએ પરિવાર પાસેથી આધાર અને બેંક સંબંધિત વિગતો મેળવી લીધી હતી. ત્યારબાદ તેમણે પરિવારને ડરાવતા કહ્યું કે, તમારા ખાતાનો ઉપયોગ કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં થયો છે. તપાસના બહાને પરિવાર પર સતત નજર રાખવા માટે મોબાઈલ કેમેરો 24 કલાક ચાલુ રાખવા દબાણ કરવામાં આવ્યું હતું અને કોઈને પણ આ વાત ન જણાવવા માટે ધમકાવવામાં આવ્યા હતા.
નકલી RBI લેટરપેડથી વિશ્વાસ કેળવ્યો
3 ઓગસ્ટથી 12 ઓગસ્ટ દરમિયાન ઠગોએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને અન્ય સરકારી બેંકોના સત્તાવાર દેખાતા નકલી લેટરપેડ, સિક્કા અને નકલી સહીવાળા દસ્તાવેજો મોકલ્યા હતા. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ રકમ ‘સરકારી સુરક્ષિત ખાતા’માં જમા કરાવવાનું કહી પરિવારને સંપૂર્ણ વિશ્વાસમાં લીધો હતો.
જીવનભરની કમાણી અને FD તોડીને પૈસા આપ્યા
સાયબર ગઠિયાઓની ચુંગાલમાં ફસાયેલા પરિવારે પોતાની ફિક્સ ડિપોઝિટ (FD) તોડીને તથા બેંક ખાતામાં રહેલી તમામ બચતમાંથી કુલ 1.53 કરોડથી વધુની રકમ ઠગોના અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી. આ દરમિયાન એક પરિચિત સાથે વાતચીત થતાં તેમણે આ ઘટનાને 'ડિજિટલ અરેસ્ટ' કૌભાંડ ગણાવી પરિવારને સાવચેત કર્યા હતા.
સાયબર ક્રાઈમ પોલીસે શરૂ કરી આંતરરાજ્ય તપાસ
ભયમાંથી બહાર આવ્યા બાદ પરિવારે વાસ્તવિકતા સમજી વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે જે બેંક ખાતાઓમાં રકમ જમા થઈ છે તેની વિગતો અને આઈ.પી. એડ્રેસના આધારે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, સ્વર્ગસ્થ IPS અધિકારી ભૂતકાળમાં વડોદરામાં JCP (જોઈન્ટ પોલીસ કમિશનર) તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા હતા.
ડિજિટલ અરેસ્ટ અને સાયબર સુરક્ષા અંગે વિશેષ માહિતી
'ડિજિટલ અરેસ્ટ' શું છે?: ભારતીય કાયદા કે BNSમાં 'ડિજિટલ અરેસ્ટ' જેવી કોઈ કાનૂની જોગવાઈ નથી. આ સાયબર ગુનેગારો દ્વારા ઓનલાઈન વીડિયો કોલપર પોલીસ, સીબીઆઈ (CBI), ઈડી (ED) કે કસ્ટમ્સ અધિકારી બનીને લોકોને ડરાવી પૈસા પડાવવાની એક નવી મોડસ ઓપરેન્ડી છે.
નિયમો અને સત્તાવાર પ્રક્રિયા: કોઈપણ સરકારી તપાસ એજન્સી કે પોલીસ ક્યારેય વીડિયો કોલ પર જામીન કે તપાસના નામે પૈસા સરકારી ખાતામાં ટ્રાન્સફર કરવાનું કહેતી નથી. કોઈપણ અરેસ્ટ વોરંટ કે સમન્સ રૂબરૂ અથવા સત્તાવાર ટપાલ દ્વારા જ બજાવવામાં આવે છે.
સાયબર હેલ્પલાઈન 1930: જો તમારી સાથે કે કોઈ પરિચિત સાથે આ પ્રકારની નાણાકીય છેતરપિંડી થાય તો તુરંત જ 1930 પર કોલ કરવો અથવા cybercrime.gov.in પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી. ઘટના બન્યાના પ્રથમ 2 કલાક ('ગોલ્ડન અવર') માં ફરિયાદ કરવાથી ટ્રાન્સફર થયેલા નાણાં બેંક ખાતામાં જ ફ્રીઝ થવાની શક્યતા વધી જાય છે.








