Vadodara Crocodile Bridge: સંસ્કારી નગરી વડોદરાની વાત આવે ત્યારે વિશ્વામિત્રી નદી અને તેમાં વસતા મગરોનો ઉલ્લેખ અચૂક થાય છે. હવે શહેરની આ જ કુદરતી ઓળખને એક ભવ્ય સ્થાપત્યનું રૂપ આપવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા શહેરના હૃદયસમા કમાટીબાગ (સયાજીબાગ) ખાતે વિશ્વામિત્રી નદી પર 'મગરની થીમ' આધારિત એક અનોખો ફૂટ ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવનાર છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વડોદરાના પ્રવાસન નકશા પર એક નવું અને આકર્ષક સીમાચિહ્ન ઉમેરાશે.
સયાજીબાગના પ્રાણી સંગ્રહાલયના બે છેડા જોડાશે
અંદાજે રૂ. 12.7 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ પ્રસ્તાવિત બ્રિજ 57 મીટર લાંબો હશે. આ નવો બ્રિજ સયાજીબાગ સ્થિત પ્રાણી સંગ્રહાલયના જૂના બ્રિજના સ્થાને બનાવવામાં આવશે, જે બર્ડ હાઉસ (પક્ષીઘર) વિસ્તારને સિંહ અને વાઘના પાંજરા તરફના વિસ્તાર સાથે સીધો જોડે છે. આ બ્રિજ માત્ર એક છેડેથી બીજા છેડે જવા માટેનો રસ્તો નહીં બની રહે, પરંતુ તેને એક વિશિષ્ટ જાહેર સ્થળ અને પર્યટન આકર્ષણ તરીકે વિકસાવવામાં આવશે, જેની ડિઝાઈન આબેહૂબ મગરના આકારથી પ્રેરિત હશે.
200 મુલાકાતીઓ એકસાથે ઊભા રહી નદીનો નજારો માણી શકશે
મુલાકાતીઓના અનુભવને યાદગાર બનાવવા માટે આ બ્રિજની ડિઝાઈનમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ફૂટ ઓવરબ્રિજ પર એક જ સમયે ઓછામાં ઓછા 200 લોકો સરળતાથી ઊભા રહી શકે તેવી ક્ષમતા હશે. બ્રિજ પર લોકો થોડીવાર રોકાઈ શકે અને વિશ્વામિત્રી નદીના કુદરતી સૌંદર્ય તેમજ નદીમાં વિહરતા મગરોને સુરક્ષિત રીતે નિહાળી શકે તે માટે ખાસ 'વ્યુઇંગ પોઈન્ટ' જેવી જગ્યાઓ પણ રાખવામાં આવશે.
મજબૂતાઈ અને સુરક્ષાના ઉચ્ચ ધોરણોનું પાલન
પ્રવાસીઓની ભીડને ધ્યાનમાં રાખીને બ્રિજની મજબૂતાઈ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. બ્રિજનું માળખું ભારે ભાર વહન કરવાના ધોરણો અને મુલાકાતીઓના વજનની ગણતરી કરીને તૈયાર કરાશે. સમગ્ર બ્રિજનો ડેક પ્રતિ ચોરસ મીટર 500 કિલોગ્રામ જેટલું વજન સુરક્ષિત રીતે સહન કરી શકે તેવો મજબૂત બનાવવામાં આવશે, જેથી તહેવારો કે રજાના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થાય ત્યારે પણ બ્રિજની સ્થિરતા સંપૂર્ણપણે જળવાઈ રહે.
શહેરના વારસા અને પ્રકૃતિનો સંગમ
આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંગે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, આ બ્રિજ બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વડોદરાને એક એવું પ્રતિષ્ઠિત સ્થાપત્ય આપવાનો છે, જે શહેરના ગૌરવશાળી ઈતિહાસ, સાંસ્કૃતિક વારસા અને પ્રાકૃતિક સૌંદર્ય સાથે સુસંગત હોય. આ અનોખો બ્રિજ વડોદરાવાસીઓની સાથે-સાથે બહારથી આવતા પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે.








