Vadodara Accident: વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર આજે (10 એપ્રિલ) વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કરજણ તાલુકાના હલદરવા ગામ પાસે રોડ પર ઊભેલી એક ટ્રક પાછળ પુરઝડપે આવી રહેલી આર્ટિગા કાર ધડાકાભેર ઘૂસી જતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર એક યુવકનું ઘટનાસ્થળે જ અત્યંત કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
કારનો કુચ્ચો વળી ગયો
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતથી ભરૂચ તરફ જઈ રહેલી GJ16DS3079 નંબરની આર્ટિગા કાર જ્યારે હલદરવા પાસે પહોંચી ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અથવા અંધારાને કારણે ઊભેલી ટ્રક દેખાઈ ન હતી. કાર એટલી પ્રચંડ ગતિએ ટ્રક પાછળ અથડાઈ હતી કે કારના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો.
હાઈડ્રોલિક કટરથી લાશ બહાર કઢાઈ
અકસ્માતની જાણ થતાં જ કરજણ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. કારની ડ્રાઈવર સીટની બાજુમાં બેસેલા યુવકનું શરીર પતરાં વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયું હતું. કરજણ ફાયર વિભાગની ટીમે આધુનિક હાઈડ્રોલિક સાધનો અને કટરનો ઉપયોગ કરી કારના પતરાં કાપીને ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો.
માથાના ભાગે ગંભીર ઈજાઓ, દ્રશ્યો જોઈ કંપારી છૂટી ગઈ
આ અકસ્માતમાં જાન ગુમાવનાર યુવકની ઓળખ આકાશ અનિલભાઈ સોલંકી તરીકે થઈ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતક યુવકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને મગજનો ભાગ બહાર આવી ગયો હતો. આ હૃદયદ્રાવક દ્રશ્યો જોઈને બચાવ કામગીરીમાં જોડાયેલા લોકો અને રાહદારીઓમાં પણ કંપારી છૂટી ગઈ હતી.
કારમાં કુલ ચાર લોકો સવાર હતા
કારમાં આકાશ સોલંકી સહિત કુલ ચાર લોકો સવાર હતા. જેમાં ડ્રાઈવર અને બે મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસની કાર્યવાહી
હાઈવે પર અકસ્માતને પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જોકે પોલીસે ક્રેન દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. હાલ સાવલી આઉટ પોલીસ મથક દ્વારા આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાઈવે પર વાહનો પાર્ક કરવા બાબતે અને ગતિ મર્યાદાના નિયમોના ભંગને લઈને ફરી એકવાર સવાલો ઉભા થયા છે.








