Unseasonal rain in Ahmedabad: ગુજરાતમાં ભરઉનાળાની વચ્ચે હવામાનમાં અચાનક મોટો ફેરફાર જોવા મળ્યો છે. આજે (3 એપ્રિલ, 2026) Ahmedabad સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેના કારણે ગરમીથી થોડો રાહતનો અનુભવ થયો છે. હવામાન વિભાગે અગાઉથી જ શુક્રવાર અને 7 એપ્રિલ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી હતી. આગાહી મુજબ આજે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને શહેરના કેટલાક વિસ્તારોમાં માવઠું થયું હતું. ખાસ કરીને પૂર્વ વિસ્તાર Vastralમાં ભારે પવન સાથે કરા અને વરસાદ નોંધાયો હતો.
વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો
આ હવામાન પરિવર્તન પાછળ બે મુખ્ય સિસ્ટમ જવાબદાર માનવામાં આવી રહી છે. એક તરફ પશ્ચિમી વિક્ષેપ સક્રિય છે, જ્યારે બીજી તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ અસરકારક બન્યું છે. આ બંને સિસ્ટમ એકસાથે કાર્યરત થતાં વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો છે. હવામાન નિષ્ણાતો મુજબ આગામી થોડા દિવસો સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં આવો જ પલટો જોવા મળી શકે છે. જો કે આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતા વધારતો હોઈ શકે છે, કારણ કે હાલ રવિ પાક પાકવાના તબક્કે છે. બીજી તરફ સામાન્ય જનતા માટે આ વરસાદ ગરમીમાંથી થોડી રાહત લાવનાર સાબિત થયો છે.








