Vadodara Navapura Clash:ગુજરાતના સાંસ્કૃતિક નગર વડોદરામાંથી કાયદો અને વ્યવસ્થાને લઈને એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. શહેરના સંવેદનશીલ ગણાતા નવાપુરા વિસ્તારમાં આવેલા મુસ્લિમ મહોલ્લામાં અગાઉના એક ઝઘડાની અદાવત રાખીને ખુલ્લેઆમ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે. જૂની અદાવતના કારણે બે જૂથો વચ્ચે થયેલા ઝઘડાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્તેજના અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
બાંકડા પર બેસવા બાબતે થઈ બોલાચાલી અને હુમલો
પ્રાપ્ત થતી વિગતો અનુસાર, અખત્યારખાન પઠાણ નામના વ્યક્તિ મહોલ્લામાં આવેલા એક બાંકડા પર બેઠા હતા, તે દરમિયાન આ ઘટનાની શરૂઆત થઈ હતી. દસ મહિના અગાઉ પાર્કિંગ બાબતે થયેલા જૂના ઝઘડાની ખાર રાખીને મોહસીન નામના શખ્સે પોતાની રિક્ષા અખત્યારખાન પર ચઢાવી દેવાનો ગંભીર પ્રયાસ કર્યો હતો. સદનસીબે સમયસર ખસી જવાના કારણે તેમનો બચાવ થયો હતો, પરંતુ આ બાબતે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી શરૂ થઈ ગઈ હતી.
લોખંડની પાઇપ અને ધારિયા જેવા હથિયારોથી સજ્જ થઈ ટોળું તૂટી પડ્યું
ઝઘડો એટલી હદ સુધી વધી ગયો કે જોતજોતામાં બંને પક્ષ તરફથી ઉત્તેજના ફેલાઈ ગઈ અને ટોળું ભેગું થઈ ગયું હતું. આક્ષેપ છે કે ફારુખ નામના શખ્સે અખત્યારખાનના માથાના ભાગે લોખંડની પાઇપથી ત્રણ ગંભીર ફટકા માર્યા હતા, જ્યારે બાબુ ખલીફાએ લોખંડની કોંસ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. સામાપક્ષે મોહસીન અને તેના કાકા ફારૂક પર પણ હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મોહસીને પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, અખત્યાર અને તેના સબંધીઓએ તેની રિક્ષાના કાચ તોડી નાખ્યા હતા અને તેના કાકાનું સ્કૂટર પણ નીચે પાડીને નુકસાન પહોંચાડ્યું હતું.
પથ્થરમારો અને તોડફોડથી મહોલ્લામાં મચી નાસભાગ
આ ખૂની ખેલ દરમિયાન માત્ર મારામારી જ નહીં પરંતુ બેફામ પથ્થરમારો અને વાહનોની તોડફોડ પણ કરવામાં આવી હતી. ટોળા દ્વારા રિક્ષા અને સ્કૂટરને નિશાન બનાવીને ભારે તોડફોડ કરવામાં આવતા મહોલ્લામાં અફરાતફરી અને નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત, ફારૂક નામના વ્યક્તિના ઘર પર પણ પથ્થરો ફેંકીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો સાથે ધમાલ મચાવતા આસપાસના રહીશો પોતાના ઘરોના દરવાજા બંધ કરીને સુરક્ષિત સ્થળે જતા રહ્યા હતા.
કાકા-ભત્રીજાએ પોલીસ સ્ટેશન દોડીને જીવ બચાવ્યો
સ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે હુમલાનો ભોગ બનેલા કાકા અને ભત્રીજો જીવ બચાવવા માટે તાત્કાલિક નજીકની નવાપુરા પોલીસ ચોકી અને પોલીસ સ્ટેશન તરફ દોડી ગયા હતા. પોલીસ સ્ટેશન પહોંચી જતા તેમની મોટી જાનહાની થતા બચાવ થયો હતો. પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ પોલીસે બંને પક્ષોની વાત સાંભળી હતી અને તેમની પાસેથી હથિયારો પણ કબજે કર્યા હતા. આ ઘટના બાદ પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું અને તાત્કાલિક ધોરણે સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
પોલીસે બંને પક્ષના 10 આરોપીઓ સામે નોંધ્યો ગુનો
આ સમગ્ર પ્રકરણ અંગે વડોદરાની નવાપુરા પોલીસે બંને પક્ષોની લેખિત ફરિયાદોના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મોહસીન ખલીફા, ફારૂક ખલીફા, ઈન્તુ ખલીફા, બાબુ ખલીફા, અખત્યાખાન પઠાણ, શબ્બીર શેખ, શાહરૂખ, સકીના, નિલોફર અને નસરત (તમામ રહેવાસી નવાપુરા) સહિત કુલ 10 આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલુ છે અને અન્ય સંડોવાયેલા શખ્સોની પણ ભાળ મેળવવામાં આવી રહી છે.








