Gandhinagar News: ગાંધીનગર-મહેસાણા હાઇવે પર ઝુંડાલ બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે જઈ રહેલી એક ટ્રકે એક્ટિવા સવાર વૃદ્ધ દંપતીને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક દુર્ઘટનામાં ગાંધીનગરના વાવોલમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પત્નીને એટલી ગંભીર ઈજાઓ પહોંચી હતી કે તબીબોને ઓપરેશન કરીને તેમનો એક પગ કાપી નાખવાની ફરજ પડી છે. આ બનાવને પગલે ચૌધરી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
ટ્રકનું ટાયર ફરી વળતા વૃદ્ધનું સ્થળ પર જ મોત
મળતી વિગતો અનુસાર, મૂળ ચરાડાના અને હાલ વાવોલમાં સ્થાયી થયેલા માનસિંહભાઈ ચૌધરી (70) અને તેમના પત્ની રમીલાબેન (63) ગઈકાલે સવારે એક્ટિવા પર સવાર થઈ ગાંધીનગરથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. સવા બાર વાગ્યાના સુમારે ઝુંડાલ બ્રિજ પાસે પાછળથી ધસી આવેલી ટ્રક (નં. CG-07-BL-5466) ના ચાલકે એક્ટિવાને અડફેટે લીધું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે દંપતી રોડ પર પટકાયું હતું અને ટ્રકનું ટાયર માનસિંહભાઈ પર ફરી વળતા તેમનું સ્થળ પર જ મોત થયું હતું.
વૃદ્ધ મહિલાનો ડાબો પગ કાપવો પડ્યો
અકસ્માત બાદ ઈજાગ્રસ્ત રમીલાબેનને તાત્કાલિક 108 મારફતે એસ.એમ.એસ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની કે.ડી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રમીલાબેનના પગમાં ગંભીર ઈજાઓ હોવાથી તબીબોએ તેમનો ડાબો પગ ઘૂંટણથી નીચેના ભાગેથી કાપી નાખવો પડ્યો હતો. ઉપરાંત હાથમાં ફ્રેક્ચર હોવાથી સળિયો નાખવામાં આવ્યો છે. હાલ તેઓ આઈ.સી.યુ. વોર્ડમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યા છે.
ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ
દુર્ઘટનાની જાણ થતા જ અડાલજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતક માનસિંહભાઈના સાળા અને કલોલ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર સંજયભાઈ ચૌધરીએ આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને ટ્રક ચાલકની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. ગફલતભરી રીતે વાહન ચલાવી એક વ્યક્તિનો જીવ લેવા બદલ ડ્રાઈવર વિરુદ્ધ કડક કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
'સ્પીડ' નિર્દોષો માટે બની રહી છે જીવલેણ
ઝુંડાલ બ્રિજ અને તેની આસપાસના વિસ્તારોમાં વાહનોની અનિયંત્રિત ગતિ સતત અકસ્માતોને નોતરી રહી છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ છે કે હાઈવે પર ભારે વાહનોના ચાલકો નિયમોનું પાલન કરતા નથી, જેના કારણે નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવવો પડે છે. આ અકસ્માતે ફરી એકવાર માર્ગ સલામતી અને ટ્રાફિક પોલીસના પેટ્રોલિંગ સામે સવાલો ઉભા કર્યા છે. ચૌધરી દંપતી માટે રવિવારની એ સવાર કાળ બનીને આવી હતી જેણે એક હસતા-રમતા પરિવારને વિખેરી નાખ્યો છે.








