Somnath Special worship: રાષ્ટ્રની એકતાના શિલ્પી અને આધુનિક ભારતના મહાન નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલના 75મા નિર્વાણ દિન નિમિત્તે સોમનાથ મહાદેવના પાવન ધામ ખાતે સોમવારે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તારીખ 15 ડિસેમ્બર 2025 (માગશર વદ અગિયારસ)ના રોજ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અદ્વિતીય યોગદાનને યાદ કરવામાં આવ્યું
આ પ્રસંગે સોમનાથ મંદિર પરિસરમાં સ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ, તીર્થપુરોહિતો અને મંદિરના સેવકોએ મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન સરદાર પટેલના રાષ્ટ્રનિર્માણમાં આપેલા અદ્વિતીય યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ભારતના એકીકરણમાં તેમની અડગ નેતૃત્વ ક્ષમતા અને દૃઢ સંકલ્પને સ્મરણીય ગણાવવામાં આવ્યો હતો.
સોમનાથનું પુનઃનિર્માણ આપણે જોઈ શક્યા
સરદાર પટેલનું સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં પણ અમૂલ્ય યોગદાન રહ્યું છે. આ પ્રસંગે તેમની એ અડગ ઈચ્છાશક્તિને યાદ કરવામાં આવી, જેના કારણે દેશના સાંસ્કૃતિક અને ધાર્મિક ગૌરવનું પ્રતીક ગણાતું સોમનાથ મંદિર પુનઃનિર્માણ પામ્યું હતું. પ્રસંગ દરમિયાન મહાન સાહિત્યકાર અને સોમનાથ પુનઃનિર્માણના સ્વપ્નદ્રષ્ટા કનૈયાલાલ મુનશીના ઐતિહાસિક શબ્દોને પણ યાદ કરવામાં આવ્યા: 'જો સરદાર પટેલ ના હોત, તો સોમનાથનું પુનઃનિર્માણ આપણે જોઈ શક્યા ના હોત.' સરદાર પટેલના નિર્વાણ દિન નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ મધ્યાન મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂજન દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલના દિવંગત આત્માની ચિર શાંતિ માટે તેમજ દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. પૂજનવિધિમાં ભક્તિભાવ અને રાષ્ટ્રભાવનાનું અનોખું સંગમ જોવા મળ્યું હતું.
શ્રદ્ધાંજલિ અર્પણ કરવી એ ગૌરવની બાબત
સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સરદાર પટેલનું જીવન દેશભક્તિ, સંકલ્પશક્તિ અને રાષ્ટ્રસેવાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમના વિચારો અને કાર્યો આજની પેઢીને પણ પ્રેરણા આપતા રહેશે. 75મા નિર્વાણ દિને તેમને સોમનાથની પવિત્ર ધરતી પરથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવી એ ગૌરવની બાબત છે. આ કાર્યક્રમોની કડીરૂપે સાંજે સોમનાથ મહાદેવનો વિશેષ સાયં શૃંગાર કરવામાં આવશે. ત્યારબાદ મંદિર પરિસરમાં ભવ્ય દીપમાલા યોજાઈ સરદાર વલ્લભભાઈ પટેલને દીપપ્રકાશ દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. સમગ્ર દિવસ દરમિયાન સોમનાથ ધામમાં ભક્તિ, સ્મરણ અને રાષ્ટ્રભાવનાનું અનોખું વાતાવરણ સર્જાયું હતું.








