Accident on the Halol Godhra bypass: પંચમહાલ જિલ્લાના હાલોલ-ગોધરા બાયપાસ પર કંજરી ચોકડી નજીક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 37 વર્ષીય મહિલા શિક્ષિકાનું કરુણ મોત નીપજ્યું છે. શિક્ષિકા એક્ટિવા પર સવાર થઈને શાળાએ જઈ રહ્યાં હતાં, ત્યારે કન્ટેનરના ચાલકે તેમની એક્ટિવાને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
શાળાએ જતી શિક્ષિકા અકસ્માતનો ભોગ બન્યાં
મળતી માહિતી મુજબ, મૃતક મહિલા હાલોલની નાલંદા સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં હતાં. તેઓ એક્ટિવા લઈને શાળાએ જઈ રહ્યાં હતાં, તે દરમિયાન કંજરી ચોકડી પાસે કન્ટેનર સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં શિક્ષિકાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
અકસ્માત બાદ કન્ટેનર ચાલક ફરાર
અકસમાત સર્જાયા બાદ કન્ટેનરનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માત અંગે વધુ વિગતો અને કન્ટેનર ચાલકને શોધવા માટેની કાર્યવાહી અંગેની સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
11 વર્ષના પુત્ર સહિત પરિવાર પર શોકની લાગણી
મહિલા શિક્ષિકાના અકાળે થયેલા અવસાનથી તેમના પરિવારજનો અને નાલંદા સ્કૂલના શિક્ષકગણ સહિત સમગ્ર શાળા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. ખાસ કરીને 11 વર્ષના પુત્રે માતાની છત્રછાયા ગુમાવતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.








